અબુજાઃ નાઈજિરિયાની પ્રખ્યાત શેફ 26 વર્ષીય હિલ્ડા બાસીને સૌથી વધુ કલાક રસોઈ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લાગોસના એમોર ગાર્ડન્સ ખાતે મે મહિનામાં યોજાયેલી ‘ધ કૂક-એ-થોન’ કૂકિંગ ઈવેન્ટમાં હિલ્ડાએ સતત 93 કલાક અને 11 મિનિટ સુધી રાંધવાની કમાલ દર્શાવી હતી. અગાઉ સપ્ટેમ્બર 2019માં, ભારતના રીવા ખાતે મધ્ય પ્રદેશનાં શેફ લતા ટંડને 87 કલાક અને 45 મિનિટ સુધી રસોઈકળાનું પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાળાઓએ હિલ્ડા બાસી એફિઓંગ ઉર્ફે હિલ્ડા બાસીને ચાર દિવસના ઈવેન્ટમાં લોન્ગેસ્ટ કૂકિંગ મેરેથોનની વિજેતા જાહેર કરી હતી. કૂકિંગ મેરેથોનમાં શેફે ઓછામાં ઓછી 80 રેસિપી તૈયાર કરવાની રહે છે. હિલ્ડાએ વિવિધ સૂપ્સ, કોલ્ડ ડિસીસ અને સોસ સહિત મુખ્યત્વે નાઈજિરિયન ડિશીઝ બનાવી હતી. હિલ્ડા બાસીના વિક્રમ સાથે જ નાઈજિરિયા પણ રસોઈકળાના નકશામાં વિશ્વસ્તરે પહોંચી ગયું છે. એમોર ગાર્ડન્સ ખાતેના ઈવેન્ટમાં રાજકારણીઓ અને સેલેબ્રિટીઝ સહિત 5000થી વધુ લોકોએ હિલ્ડા બાસીની રસોઈકળાને નિહાળી હતી. હિલ્ડા સોશિયોલોજીની સ્નાતક હોવા ઉપરાંત, ટેલિવિઝન શોની હોસ્ટ અને અભિનેત્રી પણ છે. ઘરમાં રસોઈ ભલે સ્ત્રીઓ રસોઈ બનાવતી હોય અને ‘રસોડાની રાણી’ તરીકે ઓળખાતી હોય પરંતુ, વિશ્વસ્તરે પાકશાસ્ત્રમાં પુરુષોનું આધિપત્ય રહ્યું છે. જોકે, ભારતના મધ્ય પ્રદેશના રીવા શહેરનાં શેફ લતા ટંડને વિશ્વમાં સૌપ્રથમ કૂકિંગ મેરેથોન જીતનાર સ્ત્રી તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું હતું. હાલ 43 વર્ષીય લતા ટંડને સપ્ટેમ્બર 2019માં કૂકિંગ મેરેથોનનો 87 કલાક અને 45 મિનિટનો અને તે પણ લગભગ 20 કલાક જેટલા અંતરથી વિક્રમ બનાવ્યો હતો. અગાઉ, અમેરિકી શેફ રિકી લુમ્પકિને 68 કલાક અને 30 મિનિટનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો.