નવી દિલ્હી: લિઝ ટ્રસ વડાં પ્રધાન બન્યાં તે સાથે જ બ્રિટન એવો 31મો દેશ બની ગયો છે કે જ્યાં હાલમાં સરકારના વડા કે રાષ્ટ્રાધ્યક્ષ કોઇ મહિલા છે. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાં પ્રધાન બન્યા છે. તેમના પહેલાં ત્રણ મહિલાઓને દેશના વડાં તરીકે ચૂંટનારો એકમાત્ર દેશ આઈસલેન્ડ હતો. આમ છતાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2022માં મહિલાઓના રાજકારણમાં દખલના મામલે આઈસલેન્ડ ટોચ પર છે તો બ્રિટન 24મા સ્થાને છે. નોંધનીય છે કે બ્રિટન સહિત જે 31 દેશમાં દેશના વડા મહિલા છે તેમાંથી 25 દેશ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં સામેલ છે. ખાસ બાબત એ છે કે તેમાંથી ફક્ત પાંચ જ દેશ રાજકીય જેન્ડર ગેપ ઇન્ડેક્સના ટોચના 10મા સ્થાન ધરાવે છે. બાકીના તમામમાં રાજકીય જેન્ડર ગેપ 50 ટકાથી વધારે છે.
જેન્ડર ગેપ ઇન્ડેક્સ રિપોર્ટ દર્શાવે છે કે વાસ્તવમાં રાજકીય મોરચે દેશોનું પ્રદર્શન જ સમગ્રતયા ઇન્ડેક્સમાં આગળ રાખે છે. રાજકીય ઇન્ડેક્સના ટોચના ચાર દેશ જ સમગ્રતયા ઇન્ડેક્સમાં પણ ટોચના ચાર સ્થાને છે.
આ જેન્ડર ગેપ ઇન્ડેક્સ ઉપરાંત બાકીની ત્રણ બાબતો - શિક્ષણ, સ્વાસ્થ્ય અને આર્થિક ભાગીદારી પર બાકીના દેશ સારો દેખાવ તો કરી જ રહ્યા છે સાથોસાથ તેમાં સુધારાનો દર પણ સારો છે. આ કારણે જ સમગ્રતયા ઇન્ડેક્સમાં ટોપ પર રહેલું આઈસલેન્ડ બાકીના ત્રણ મોરચે ટોપ પર નથી. અલબત્ત, આમ છતાં રાજકીય મોરચે આઈસલેન્ડનું પ્રદર્શન સૌથી સારું છે. તે રાજકારણમાં 87 ટકા જેન્ડર ગેપ ખતમ કરી ચૂક્યું છે. બીજા સ્થાન પર રહેલાં ફિનલેન્ડની સરખામણીએ તેનો સ્કોર 28 ટકા વધારે છે.
ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 17.5 ટકા
આ ઇન્ડેક્સમાં ભારતનો પણ સમાવેશ થાય છે, પરંતુ સમગ્રતયા જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં જ્યાં 146 દેશમાં ભારતનો નંબર 135મો છે ત્યારે રાજકીય જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં 48મો નંબર છે. ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 17.5 ટકા જ છે. વૈશ્વિક સ્તર પણ પરિસ્થિતિ બહુ સારી નથી. સંસદમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક સરેરાશ 22.9 ટકા છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમ માને છે કે આ દર પર આગળ વધીશું તો જેન્ડર ગેપને ખતમ કરવામાં 155 વર્ષનો સમય વીતી જશે.