હૈદરાબાદઃ ભારતની 25 વર્ષીય બોક્સર નિખત ઝરીને ઈસ્તંબુલમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વિમેન્સ બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી ભારતની પાંચમી બોક્સર બની છે. તેલંગણના નિઝામાબાદમાં જન્મેલી નિખત ઝરીને ફાઈનલમાં થાઈલેન્ડની જુટામાસ જિતપોંને હરાવી હતી. ભારતીય બોક્સર ઝરીને આ બાઉટ 5-0થી એકતરફી અંદાજમાં પોતાના નામે કરી હતી. ભારતને મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચર વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળ્યો છે. 2018માં એમસી મેરીકોમ ચેમ્પિયન બની હતી.
નિખતે બાઉટનો પ્રારંભ શાનદાર રીતે કર્યો અને પ્રથમ રાઉન્ડ 5-0થી પોતાના નામે કર્યું. બીજા રાઉન્ડમાં થાઈ બોક્સરે 3-2 જીતી વાપસીનો પ્રયાસ કર્યો. નિખતે ત્રીજા રાઉન્ડમાં ફરી તાકાત દેખાડી અને જીત મેળવતા ઓવરઓલ 5-0થી મુકાબલો પોતાના નામે કર્યો. આ ભારતનો વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 10મો ગોલ્ડ મેડલ છે. 6 ગોલ્ડ તો એકલા જ એમસી મેરીકોમે જીત્યા છે. આ બંને ઉપરાંત સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી પણ ગોલ્ડ જીતી ચૂકી છે.