વીતેલા સપ્તાહે સંપન્ન થયેલા અનંત-રાધિકાના લગ્નના વિવિધ ફંક્શન હોય, આકાશ-ઇશાના લગ્ન હોય કે પછી જિઓ વર્લ્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કે અંબાણી સ્કૂલનો વાર્ષિકોત્સવ... ગમેતેટલાં સેલિબ્રિટીસ અને હિરો-હિરોઇન ગમે તેવા સ્ટાઇલીશ ડ્રેસમાં આવ્યા હોય છતાં નીતા અંબાણીનો દેખાવ અને સ્ટાઇલ હંમેશા સૌથી વધુ ચર્ચામાં રહે છે. એમના માટે એવું કહેવાય છે કે તેમની ઉંમર ઓલ્ડ વાઇનની જેમ વધી રહી છે, જેમ ઓલ્ડ વાઈનનો સ્વાદ વર્ષોના વહેવા સાથે વધુ સ્વાદિષ્ટ બનવા લાગે છે તેમ વર્ષોના વહેવા સાથે - વધતી ઉંમરે પણ - નીતા અંબાણીનો દેખાવ નિખરી રહ્યો છે, તેઓ વધુને સુંદર અને જાજરમાન દેખાઇ રહ્યા છે. આ ઉંમરે પણ શરીરનો બાંધો અને ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે તેઓ કેટલી આરોગ્યપ્રદ જીવનશૈલી જીવી રહ્યા છે તેના પર એક નજર નાખવા જેવી છે.
• દિવસની શરૂઆત: નીતા અંબાણીની સવારની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબું ઉમેરીને પીવા સાથે થાય છે. તેનાથી તંદુરસ્તી તો વધે જ છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ ઉપરાંત તે શરીરમાં એકઠાં થતાં વધારાના વાયુને દૂર કરે છે અને તમારી પાચનશક્તિ વધુ સારી બનાવવામાં મદદ કરે છે.
• સમતોલ આહાર: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક એવા નીતા અંબાણી હંમેશા સમતોલ આહાર લેવાનું પસંદ કરે છે, જે સૂપ અને લીલાં શાકભાજીનો ઉપયોગ કરીને ગુજરાતી સ્ટાઇલમાં બનાવવામાં આવ્યો હોય. તેઓ ખુબ પૌષ્ટિક સવારના નાસ્તા સાથે દિવસના ખોરાકની શરૂઆત કરે છે અને રાત્રે બિલકુલ હળવું ભોજન લે છે. કેટલાંક અહેવાલો મુજબ તેઓ સાંજે માત્ર દાળ અને રોટલી જેવી એકદમ સાદી વાનગીઓ જમે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ એક પણ ટંકનું ભોજન કે ખોરાક ટાળતાં નથી.
• પાણી પીતાં રહેવું: નીતા અંબાણી દિવસ દરમિયાન વિપુલ પ્રમાણમાં પાણી પીએ છે અને દિવસ દરમિયાન હાઇડ્રેટેડ રહે છે. તે ઉપરાંત તેઓ ડિટોક્સ વોટર પીવે છે. જેનાથી તમારી ત્વચા અને શરીર શુદ્ધ થાય છે, તેમજ તેને હેલ્ધી ગ્લો મળે છે. કેટલાંક અહેવાલો અનુસાર નીતા અંબાણીને દિવસમાં બે ગ્લાસ બીટનું જ્યુસ પીવાની ટેવ હતી, તેનાથી સ્ટેમિના વધે છે અને શરીરના રક્ત પ્રવાહમાં પણ સુધારો થાય છે. જોકે આ પ્રયોગ તમારા વ્યક્તિગત આરોગ્યને ધ્યાનમાં રાખીને તમારા ડોક્ટર કે ડાયેટિશીયનની સલાહ મુજબ જ કરવા હિતાવહ છે.
• કુદરતી ભોજન: પતિ મુકેશ અંબાણીની જેમ જ નીતા અંબાણી પણ શુદ્ધ શાકાહારી છે. તેઓ બને તેટલો કુદરતી ખોરાક લેવાનું પસંદ કરે છે, તેઓ પ્રોસેસ્ડ કે રાંધેલા ખોરાકને બદલે કુદરતી અને કાચો આખો ખોરાક લેવાનું પસંદ કરે છે. તેમના ડાયેટમાં ભરપુર માત્રામાં કાચાં શાકભાજી અને તાજાં ફળોનો ઉપયોગ કરે છે.
• નિયમિત વ્યાયામ: સમતોલ આહાર લેવાની સાથે તેઓ શરીરનો બાંધો જાળવી રાખવા માટે અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત કસરત પણ કરે છે. જિમમાં કસરત કરવા ઉપરાંત તેઓ એક તાલીમ પામેલાં ભરતનાટ્યમ્ નૃત્યાંગના પણ છે. તેમજ તેમને યોગ કરવા પણ ગમે છે. તેઓ નૃત્યનો રિયાઝ કરવાની સાથે સ્વિમિંગ પણ કરે છે. નીતા અંબાણીની એવરગ્રીન સુંદરતાનું રહસ્ય આ પાંચ બાબતોમાં છુપાયેલું છે, તે કોઈ પણ વ્યક્તિ તેમની પાસેથી શીખી શકે છે અને તેમાંથી પ્રેરણા લઈ શકે છે.