અમદાવાદઃ અમેરિકાની 100 સેલ્ફ-મેડ અમીર મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સિન્ટેલ કંપનીનાં નીરજા સેઠીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે યાદીમાં 25મા ક્રમે આઈટી કંપની ચલાવતાં નીરજા સેઠી ગુજરાતનાં પુત્રવધૂ છે. તેમના પતિ ભરત દેસાઈ ગુજરાતી છે અને તેઓ પણ બિલિયોનેર છે. આ દંપતી અમેરિકામાં ટીસીએસમાં નોકરી દરમિયાન મળ્યું હતું અને 1980માં તેમણે એ વખતના માત્ર 15 હજાર રૂપિયાના રોકાણથી સિન્ટેલ કંપની શરૂ કરી હતી. બાદમાં તેમણે લગ્ન કર્યાં હતાં. ભારતમાં જન્મેલાં 68 વર્ષીય નીરજા સેઠીની નેટવર્થ 8000 કરોડ રૂપિયા છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગણિતમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. હાલ ફ્લોરિડામાં રહેતા ભરત દેસાઈનો જન્મ કેન્યામાં થયો છે અને તેમનો ઉછેર અમદાવાદમાં થયેલો છે. 70 વર્ષીય ભરત દેસાઈએ આઈઆઈટી-મુંબઈમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. અમેરિકન મીડિયામાં તેઓ ‘બિલિયોનેર યોગી’ તરીકે ફેમસ છે.