એક સમય હતો જ્યારે નખને ડ્રેસ સાથે મેચીંગ થાય તેવા કે કોન્ટ્રાસ્ટ રંગથી રંગી દેતાં એટલે વાત પૂરી થઇ જતી હતી. જોકે હવે જમાનો છે નેઇલ પેઇન્ટ્સનો. હાથની દરેક આંગળી પર નવા કલર પૂરતી જ વાત સીમિત નથી, તેમાં પણ વિવિધ ડિઝાઇન, કલર-કોમ્બિનેશન અને સ્ટાઇલની બોલબાલા છે.
• એક્સેન્ટ નેઇલ મેનિક્યોરઃ નેઇલ આર્ટની દુનિયાના સૌથી ડીસન્ટ ટ્રેન્ડ એટલે એક્સેન્ટ નેઇલ મેનિક્યોર. જો તમને વધુ દેખાડો-ભપકો ગમતો ન હોય અને છતાં બીજા લોકોથી થોડુંક હટકે કરવાની ઇચ્છા રહ્યા કરતી હોય તો તમારે આ ટ્રેન્ડ અપનાવવો જોઇએ. આમાં તમારે વધુ કશું કરવાનું નથી. માત્ર હાથની કોઈ પણ એક આંગળીને બીજી બધી આંગળી કરતાં અલગ રંગે રંગી નાખવાની છે. અલબત્ત, આવું કરતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે બન્ને રંગ એક જ ફેમિલીના હોય અથવા એકમેક સાથે સારું કોમ્બિનેશન ધરાવતા હોય. તમે ઇચ્છો તો એ એક આંગળીને કોઈ ડિઝાઇન અથવા ગ્લોસી લુક આપીને હાઇલાઇટ પણ કરી શકો છો. આ સાથે હાથની એ આંગળીમાં કોઈ મોટી આકર્ષક રિંગ પહેરી લેવાથી પણ તરત જ લોકોનું ધ્યાન એ તરફ દોરી શકાય છે. સામાન્ય રીતે આવો હટકે કલર કરવા માટે રિંગ ફિંગરનો ઉપયોગ થાય છે, પરંતુ તમને ગમે તો વચલી આંગળીના નખનો પણ આ કામ માટે ઉપયોગ કરી શકો છો. પણ હા, આ અખતરો અંગૂઠાના નખ પર કરવા જેવો નથી; કારણ કે અંગૂઠાનો નખ નીચેની બાજુએ રહેતો હોવાથી એને અલગ કલર કરવાથી લોકોનું ધ્યાન આકર્ષવાની તમારી ઇચ્છા અધૂરી રહી જશે.
• ફ્લિપસાઇડ મેનિક્યોરઃ જો તમે જેલ, એક્રિલિક, નેઇલ પિયર્સિંગ જેવા બધા જ ફેશન ફંડા અજમાવી ચૂક્યા હો તો તમારે એક વાર ફ્લિપસાઇડ મેનિક્યોરનો આ નવો ટ્રેન્ડ ચોક્કસ ટ્રાય કરવો જોઈએ. ફ્લિપસાઇડ મેનિક્યોર એટલે નખની ફ્લિપસાઇડને પણ નેઇલ પેઇન્ટ લગાડવો. સામાન્ય રીતે નેઇલ પોલિશ નખની ઉપરની બાજુએ જ લગાડવામાં આવે છે, પરંતુ આ ટ્રેન્ડમાં તમારે નખને નીચેની બાજુએથી પણ રંગવાના રહે છે. જોકે આ માટે તમારા નખ લાંબા અને સરસ શેપમાં ફાઇલ કરેલા હોવા જરૂરી છે. આટલું હોય તો ઉપરની બાજુએ કોઈ ડાર્ક કલર અને નીચેની બાજુએ એની સાથે સારો કોન્ટ્રાસ્ટ ધરાવતો લાઇટ કલર લગાડી શકાય. તમે ઇચ્છો તો ઉપરની બાજુના નખને ફ્રેન્ચ મેનિક્યૉરની સ્ટાઇલમાં વાઇટ કલરથી પેઇન્ટ કરીને નીચેની બાજુએ તરત લોકોનું ધ્યાન ખેંચે એવા નિયોન અથવા બ્રાઇટ કલર્સ પણ લગાડી શકો છો. એની સાથે કોઈ જ્વેલ અથવા ગ્લિટરથી નખની આ અવળી બાજુને હાઇલાઇટ પણ કરી શકાય છે.
• નેગેટિવ સ્પેસ નેઇલ આર્ટઃ આમ તો નેઇલ આર્ટનો આ પ્રકાર છેલ્લા એકાદ-બે વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ વર્ષે રેમ્પ-વોકમાં ડિઝાઇનરો દ્વારા એના બહોળા વપરાશને પગલે એ વધુ પ્રચલિત બન્યો છે. કરવામાં સરળ છતાં દેખાવમાં એકદમ ડ્રામેટિક લાગતા આ નેઇલ આર્ટમાં નેઇલ પેઇન્ટ લગાડતી વખતે બસ વચ્ચે-વચ્ચે નીચેથી તમારો સાચો નખ દેખાય એવી રીતે જગ્યા છોડી દેવાની રહે છે. આ માટે તમે કોઈ એવી જ્યોમેટ્રિક અથવા ફૂલોની ડિઝાઇન પસંદ કરી શકો છો જેમાં ડિઝાઇનની વચ્ચેથી તમારો ઓરિજિનલ નખ દેખાયા કરે અથવા ટ્રાન્સપરન્ટ બેઝ પર ડિઝાઇન કરેલા રેડીમેડ સ્ટિકર્સનો ઉપયોગ પણ કરી શકો છો.
• ગ્રાફિક નેઇલ્સઃ કોઈ પણ આઉટફિટને કૂલ એન્ડ કેઝ્યુઅલ લુક આપતી ગ્રાફિક પ્રિન્ટ્સ નેઇલ આર્ટની દુનિયાનો સૌથી હોટ ટ્રેન્ડ છે. પોલકા ડોટ્સથી માંડીને આડીઊભી સ્ટ્રાઇપ્સ, ચેક્સ જેવી વિવિધ ડિઝાઇન્સવાળા કલરફુલ નખ પર કોઈનું ધ્યાન ન જાય તો જ નવાઈ. બલકે આજકાલ તો આવી ગ્રાફિક ડિઝાઇન્સમાં સાદાં સ્માઇલીઝથી માંડી એન્ગ્રી બર્ડ જેવાં કાર્ટુન-કેરેક્ટર પણ નખ પર પેઇન્ટ કરવાનો ટ્રેન્ડ ખૂબ જાણીતો બન્યો છે. આ માટે તમે બ્રાઇટ કલર્સથી માંડી બેબી પિન્ક, બ્લુ, યલો અને ગ્રીન રંગોથી માંડી મેટ કલર્સ સુધી કંઇ પણ ઉપયોગમાં લઈ શકો છો. ટુંકમાં, આ એક એવો ટ્રેન્ડ છે જેમાં કોઈ નિયમનું બંધન નથી. અલબત્ત, આ કામ નેઇલ પોલિશની બોટલમાં આવતા બ્રશથી પાર પાડવું મુશ્કેલ છે. આ માટે તમારે ઓછામાં ઓછું એક સારું નેઇલ આર્ટ બ્રશ તો વસાવવું જ પડશે.
• કેવિયાર પર્લ્સઃ કેવિયાર નેઇલ્સની શરૂઆત આમ તો ૨૦૧૨માં ન્યૂ યોર્કથી થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ તમામ નેઇલ આર્ટ પ્રેમીઓમાં ફેવરિટ બની ગયા છે. આ નેઇલ આર્ટનું નામ એને થ્રી-ડી ઇફેક્ટ આપવા માટે એમાં વપરાતાં ઝીણાં બીડ્સ (મોતીઓ) પરથી પાડવામાં આવ્યું છે. નખને કોઈ સરસમજાનું ઘરેણું પહેરાવ્યું હોય એવો લુક આપતાં આ બીડ્સ વાપરવામાં ખૂબ સહેલાં છે. પહેલાં નેઇલ પોલિશનો એક કોટ લગાડો. એ સુકાઈ જાય એટલે એકેક નખ પર બીજો કોટ લગાડતા જાઓ અને એના પર આ બીડ્સ છાંટીને હળવે હાથે થોડા-થોડા દબાવતા જાઓ. છેલ્લે લોન્ગ લાસ્ટિંગ શાઇન માટે આખા નખ પર ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશનો એક કોટ લગાડી દો. હાથની બધી આંગળીઓમાં ન ગમે તો આ કીમિયો એક્સેન્ટ મેનિક્યોરની જેમ કોઈ એક આંગળીમાં પણ અજમાવી શકાય.
• રેઇનબો નેઇલ આર્ટઃ નખને મેઘધનુષી રંગોથી રંગવાનો ટ્રેન્ડ પણ આજકાલ લોકપ્રિય બન્યો છે. આ પ્રકારના નેઇલ આર્ટમાં નખ પર મેઘધનુષમાં જોવા મળતા અથવા એની જેમ એકબીજા સાથે મેળ ખાતા રંગોનો ઉપયોગ થાય છે. તમે ઇચ્છો તો નેઇલ આર્ટના બ્રશથી કે પછી સ્પોન્જથી નખ પર આવી રેઇનબો ડિઝાઇન તૈયાર કરી શકો છો. આ ડિઝાઇનમાં તમે રંગોને એકબીજા સાથે સુંદર રીતે મિક્સ કરીને ધૂપ-છાંવ જેવી ઇફેક્ટ આપી શકો છો અથવા બધા રંગોને એકમેકથી અલગ રાખી એને દેખાવમાં શાર્પ પણ બનાવી શકો છો.
જોકે, અહીં કેટલાક નમૂનાઓ જ રજૂ કર્યા છે. નેઇલ પેઇન્ટની દુનિયામાં હવે તો તમે જે કંઈ અલગ કરો એ બધું જ ટ્રેન્ડમાં ખપી જાય એવી પરિસ્થિતિ છે. તો રાહ શેની જુઓ છો? ઉઠાવો તમારી મનપસંદ રંગની નેઇલ પોલિશ બોટલ અને આપો તમારી કલ્પનાને છૂટો દોર.