કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દુનિયાભરની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે. દર વર્ષે ફ્રાન્સમાં યોજાતા અને વીતેલા સપ્તાહે સમાપ્ત થયેલા આ ઇવેન્ટમાં હાજરી આપવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મજગતની સેલિબ્રિટિઝ ગર્વ અનુભવતી હોય છે. કોણ કયા ડિઝાઈનરના ડ્રેસીસ કે કયા પ્રકારના ડ્રેસ પહેરે છે તેના પર સૌની નજર હોય છે. હવે તેમાં સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર્સ પણ ભાગ લેતાં થયાં છે. દરેકને પોતાની સ્ટાઈલ અને લૂકથી દુનિયાભરના લોકોને ઈમ્પ્રેસ કરવાની તક ઝડપી લેવી હોય છે. આ વર્ષના કાન્સ ફેસ્ટિવલમાં ઘણા ઈન્ડિયન ઇન્ફલ્યુએન્સરે હાજરી આપી હતી. જોકે આ સેલેબ્રિટીઝ અને ઈન્ફલ્યુએન્સર્સના જમાવડામાં ઉત્તર પ્રદેશના નાના ગામની એક છોકરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ છોકરીનું નામ છે નેન્સી ત્યાગી. નેન્સીએ જાતમહેનતથી સીવેલા સેલિબ્રિટી ઇન્સ્પાયર્ડ ડ્રેસીસ પહેરીને અને આ સેલેબ્રિટીની નકલ કરીને સોશિયલ મીડિયામાં આગવી નામની મેળવી છે. આમાં પણ નેન્સીએ જ્યારથી તેના પોતાના કાન્સના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ત્યારથી તો તેના પર ચોમેરથી પ્રશંસાના ફૂલડાં વરસી રહ્યાં છે.
સહુ કોઇને એ જાણવા તત્પર છે કે નેન્સી ત્યાગી કોણ છે? ઉત્તર પ્રદેશના બરાનવાની વતની નેન્સી ત્યાગી પોતાની રીલ્સ દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર બની છે. નેન્સીની આગવી આવડત કહો તો આવડત અને ટેલેન્ટ કહો તો ટેલેન્ટ એ છે કે તે ગમેતેવા હાઈ ફેશન અને ડિઝાઈનર વસ્ત્રો પણ ઓછા ખર્ચે જાતે જાણે છે. તેની આ આવડતના કારણે જ લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યા અને જોતજોતામાં તો તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઇ છે.
કાન્સની રેડ કાર્પેટ પર પણ નેન્સીએ પોતે બનાવેલા ડ્રેસીસ પહેરવાના પસંદ કર્યા હતા. તેણે જાતે બનાવેલું પિંક રફલ્ડ ગાઉન પહેર્યું હતું, જેણે સહુ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું. બસ્ટમાં એમ્બ્રોડરી અને બીડ્ઝ સાથે લાંબી રફલ ટ્રેઈનમાં નેન્સી બહુ એલિગન્ટ અને ગ્રેસફુલ દેખાતી હતી. તેના પિંક ગ્લવ્ઝથી ગાઉનને રોયલ લૂક આપ્યો હતો. જેનાથી નેન્સી એક પ્રિન્સેસ જેવી દેખાતી હતી. તેણે આ ડ્રેસ સંપૂર્ણપણે જાતે ડિઝાઇન કર્યો હતો, અને તેનું કાપડ સાઇકલ રિક્ષામાં સ્થાનિક બજારમાં જઈને ખરીદ્યું હતું.
નેન્સીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેણે આ ડ્રેસ માટે 1000 મીટર કાપડ ખરીદ્યું હતું અને તેને આ ડ્રેસ સીવતાં એક મહિનાનો સમય લાગ્યો હતો. જોકે આ ડ્રેસની ફેશન ડિઝાઇનર્સ દ્વારા જે પ્રકારે પ્રશંસા થઇ રહી છે એ જોઇને તેને અનહદ આનંદ થાય છે. પિન્ક રફલ ડ્રેસ ઉપરાંત તેણે હુડવાળી બેકલેસ સાડી પણ તૈયાર કરી હતી. આ અલ્ટ્રા મોડર્ન ફેશન ફોરવર્ડ લૂક ધરાવતી આ સાડી પણ તેણે જાતે જ કાપડ લાવીને જાતે બનાવી હતી. નેન્સી આ તમામ બાબતો સાથે તેની કાન્સની વિવિધ પળો દ્વારા સોશિયલ મીડિયામાં વિવિધ અપડેટ્સ આપતી રહી છે.