નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલી એક મેચમાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ કે સાઉથ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની આ પહેલી મેચ હતી. જેમાં અંજલિએ ઇતિહાસ રચ્યો.
નેપાળે, માલદીવની મહિલા ટીમને માત્ર ૧૬ રને ઓલઆઉટ કરી. જેના પછી માત્ર ૦.૫ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૭ રન બનાવી મેચ જીતી હતી. લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલ ટીમ નેપાલ માટે ઓપનર બેટ્સમેન કાજલે સૌથી વધુ ૧૩ રન બનાવ્યા અને ૪ રન એકસ્ટ્રાના મળ્યા. આ રીતે નેપાલે પહેલી મેચ જીતી. આ મેચમાં એક પણ રન આપ્યા વગર ૬ વિકેટ લેનાર અંજલિના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટ (પુરુષ અને મહિલા)નો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઇન્ડિયાના દીપક ચાહરે શાનદાર બોલિંગ કરી બાંગ્લાદેશ વિરુદ્ધ ૭ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી.