નૌકાદળની ૨ મહિલા અધિકારીઓને પહેલી વખત વોરશિપ પર તહેનાત કરાશે

Wednesday 23rd September 2020 07:34 EDT
 
 

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓ સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરાશે. આ બન્નેને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદે સામેલ કરવા પસંદ કરાઈ છે. બીજી તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે. એક અહેવાલ પ્રમાણે, વાયુસેનાની ૧૦ મહિલા ફાઇટર પાયલટ ટ્રેનિંગ લઈ રહી છે. તેમાંથી એક ૧૭ સ્ક્વોડ્રન સાથે રાફેલ જેટ ઉડાવશે. ૧૦ સપ્ટેમ્બરે ૫ રાફેલ જેટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. ભારતે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ જેટ ખરીદ્યાં છે. તેમાંથી પાંચ ભારત આવી ચૂક્યાં છે, બાકી વર્ષ ૨૦૨૧નાં અંત સુધીમાં ભારતીય વાયુસેનાનો હિસ્સો બનશે.
૧૭ અધિકારી વિંગ્સથી સન્માનિત
સબ લેફ્ટિનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટિનન્ટ રીતિ સિંહ અધિકારી નૌકાદળના એ ૧૭ અધિકારીના ગ્રૂપનો હિસ્સો છે. તેમાં ચાર મહિલા અધિકારી સામેલ છે અને ત્રણ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી સામેલ છે. તેમને શોર્ટ સર્વિસ કમિશન બેચના અધિકારી તરીકે INS ગરૂડ કોચ્ચીમાં તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં ‘ઓબ્ઝર્વર’તરીકે સ્નાતક થવા અંગે ‘વિંગ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં રિયર એડમિરલ એન્ટની જ્યોર્જે કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક અવસર છે. જેમાં પહેલી વખત મહિલાઓને હેલિકોપ્ટર ઓપરેશનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ૯૧માં રેગ્યુલર કોર્સ અને ૨૨માં SSC ઓબ્જર્વર કોર્સના અધિકારીઓને એર નેવિગેશન, ફ્લાઈંગ પ્રોસીઝર, એર વોરફેરમાં દાવપેચ, એન્ટી-સબમરીન વોરફેરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter