ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન બન્યાને જેસિન્ડા અર્ડનને આશરે ૨ વર્ષ અને ૮ મહિના થયાં છે, પણ તેમની સિદ્વિઓ ન્યૂ ઝીલેન્ડમાં અત્યાર સુધી રહેલા વડાં પ્રધાનો કરતાં ઘણી વધુ છે. ન્યૂ ઝીલેન્ડમાં તાજેતરમાં ન્યૂઝ હબના રિસર્ચ પોલ અનુસાર, ૩૯ વર્ષીય જેસિન્ડા અર્ડન સદીનાં સૌથી લોકપ્રિય વડાં પ્રધાન બન્યાં છે. કોરોના મુક્ત ન્યૂ ઝીલેન્ડની સદીની સૌથી લોકપ્રિય વડાં પ્રધાન બની. ન્યૂ ઝીલેન્ડ કોરોના મુક્ત બન્યાં પછી જોકે આ દેશમાં ફરી કોરોનાનાં બે કેસ નોંધાયા હતા છતાં રાજકીય સુવ્યવસ્થાના કારણે વિશ્વમાં ઝડપથી કોરોના મુક્ત દેશમાં ન્યૂ ઝીલેન્ડ પ્રથમ ગણાતાં ન્યૂ ઝીલેન્ડ અને તેનાં વડાં પ્રધાન વિશે વિદેશી મીડિયામાં પણ સારી એવી ચર્ચા છે.
ન્યૂ ઝીલેન્ડમાં ૭ અઠવાડિયા લોકડાઉન
ન્યૂ ઝીલેન્ડની વસ્તી આશરે ૫૦ લાખ છે ત્યાં ૨૨ દિવસમાં એક પણ કોવિડ ૧૯નો કેસ નોંધાયો નહીં. જોકે તકેદારીના ભાગરૂપે લોકોનાં ટેસ્ટિંગ ચાલુ રહ્યાં અને બ્રિટનથી ગયેલી બે વ્યક્તિનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં તેમની સારવાર ચાલુ છે. ન્યૂ ઝીલેન્ડમાં ૭ સપ્તાહ બાદ લોકડાઉન હટાવી લેવાયું હતું. ન્યૂ ઝીલેન્ડમાં કોરોના કુલ ૧૧૫૪ કેસ હતાં. પછી ન્યૂ ઝીલેન્ડ કોરોના ફ્રી કંન્ટ્રી બન્યું અને એ પછી બે કેસ આવ્યા. કોરોનાથી ન્યૂ ઝીલેન્ડમાં બાવીસ લોકોનાં મોત પણ થયાં હતાં.
સંવેદનશીલ રાજનેતા તરીકે ઊભરી આવ્યાં
માર્ચ ૨૦૧૯માં ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલા બાદ જેસિન્ડાની પીડિત પરિવારોને ગળે મળતી તસવીરો ઘણી ચર્ચામાં રહી હતી. હુમલા બાદ જેસિન્ડાની પ્રતિક્રિયા અને સકારાત્મક અભિગમના લીધે ટાઇમ મેગેઝિને તેમને ‘પર્સન ઓફ ધ યર’ માટે નોમિનેટ કરી હતી. જેસિન્ડા ન્યૂ ઝીલેન્ડમાં થયેલા બે પોલમાં બે વખત ૨૦૦૮ અને ૨૦૧૧માં દેશની સૌથી આકર્ષક મહિલાઓમાં પણ પસંદગી પામી ચૂક્યાં છે.
જેસિન્ડાની તેના દેશમાં જ નહીં પણ વૈશ્વિક ક્ષેત્રે પણ એટલી બધી લોકપ્રિયતા છે કે તેના લેબર પાર્ટીના પ્રમુખ બનવાની સાથે જ ન્યૂ ઝીલેન્ડમાં ‘જેસિન્ડામેનિયા’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અચાનક જ પાર્ટીને મળનાર ફંડમાં પણ ઘણો વધારો થયો હતો. ૯ વર્ષથી સત્તાથી દૂર રહેલી લેબર પાર્ટી જેસિન્ડાના આવતાની સાથે જીતી ગઇ હતી. ન્યૂ ઝીલેન્ડના લોકો નેતૃત્વના મામલે તેમની સરખામણી બરાક ઓબામા સાથે કરવા લાગ્યા હતા. વ્યક્તિત્વ મામલે જેસિન્ડાની સરખામણી કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડો સાથે પણ કરાય છે.
ખેડૂપુત્રી જેસિન્ડા અર્ડને ફળ પણ વેચ્યાં છે
જેસિન્ડાનો જન્મ ન્યૂ ઝીલેન્ડના હેમિલ્ટનમાં થયો હતો. પિતા રોઝ પોલીસ હતા. માતા લોરિલ સ્કૂલ કેટરિંગનું કામ કરતાં હતાં. જેસિન્ડાનો ઉછેર મોરમોન શહેરમાં થયો હતો. પિતાની ફળોની દુકાન પણ હતી. જેસિન્ડા ક્યારેક પાડોશમાં ગોલ્ફ રમતા લોકોને ફળો વેચવા પણ જતી હતી. એ પછી જેસિન્ડાએ બેકરીમાં ઘણા સમય સુધી કામ કર્યું.
એક ઇન્ટરવ્યુમાં જેસિન્ડાએ કહ્યું હતું કે, તેમનું બાળપણ એક સામાન્ય કિવી બાળકની જેમ જ ખેતરમાં પસાર થયું હતું. તેમને ટ્રેકટર ચલાવવાનો શોખ હતો, પરંતુ એકવાર એક અક્સ્માત બાદ પરિવારજનોએ તેને ટ્રેક્ટર ચલાવવા આપવાનું બંધ કરી દીધું હતું.
૧૭ વર્ષની વયે જેસિન્ડાનો રાજનીતિ પ્રવેશ
જેસિન્ડાએ ૮ વર્ષની વયથી જ આમ તો ક્રાંતિકારી કહી શકાય તેવાં વિચારો સાથે શહેરમાં માનવાધિકાર સંગઠન સાથે જોડાયાં હતાં. ૧૭ વર્ષની વયે તેઓએ લેબર પાર્ટીમાં પ્રવેશ કર્યો. જેસિન્ડાએ કોલેજ યુનિફોર્મમાં યુવતીઓને ટ્રાઉઝર્સ પહેરવા માટે છૂટ મળે તે માટે મેનેજમેન્ટ સાથે લડાઇ આદરી હતી. એ શક્યતઃ તેની પ્રથમ રાજકીય જીત હતી. જોકે તે સક્રિય રાજકારણમાં આવવા માગતાં નહોતાં. ગ્રેજ્યુએશન બાદ તે વડા પ્રધાન હેલેન કલાર્ક (૧૯૯૯-૨૦૦૮)ની ઓફિસમાં રિસર્ચર તરીકે જોડાયાં હતાં. જેસિન્ડાએ ૨.૫ વર્ષ સુધી બ્રિટનના વડા ટોની બ્લેરની ઓફિસમાં પણ કામ કર્યું.
૭ વખત પક્ષપ્રમુખ બનવાની ના કહી હતી
રાજનૈતિક કારકિર્દીમાં જેસિન્ડા ત્રણ વખત ચૂંટણી હાર્યાં હતાં, છતાં સાંસદ બન્યાં હતાં. વર્ષ ૨૦૦૮માં જેસિન્ડા પ્રથમવાર ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ હાર બાદ પણ તે સાંસદ બન્યાં હતાં. ન્યૂ ઝીલેન્ડની સંસદીય વ્યવસ્થા હેઠળ લિસ્ટ કેન્ડિકેટ (મિક્સ્ડ મેમ્બર પ્રપોર્શનલ, એમએમપી) વ્યવસ્થા હેઠળ આ શક્ય છે. વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૪માં પણ તેઓ ચૂંટણી હારી ગયાં છતાં લિસ્ટ કેન્ડિડેટ તરીકે સાંસદ બન્યાં.
વર્ષ ૨૦૧૭માં ઓકલેન્ડના માઉન્ટ એલ્બર્ટ સીટ પરથી તેઓ ચૂંટણી જીતી ગયાં અને લેબર પાર્ટીના ઉપપ્રમુખના રાજીનામા પછી તેઓ પક્ષમાં બીજા ક્રમનાં ઉચ્ચ હોદ્દે હતાં. એ પછી તેઓ વડાં પ્રધાન પણ બન્યાં. જોકે આ પહેલાં ૭ વખત લેબર પાર્ટીના પ્રમુખ બનવાનો તેમણે ઈનકાર કરી દીધો હતો.
ન્યૂ ઝીલેન્ડનાં ત્રીજાં મહિલા વડાં પ્રધાનઃ જેસિન્ડા
જેસિન્ડા ન્યૂ ઝીલેન્ડનાં ૪૦માં અને ત્રીજાં મહિલા વડાં પ્રધાન છે. આ અગાઉ જેની શિફલે અને હેલેન કલાર્ક વડાં પ્રધાન રહી ચૂક્યાં છે. જેસિન્ડા વિશ્વનાં બીજાં સૌથી યુવા વડાં પ્રધાન છે. ૩૪ વર્ષીય ફિનલેન્ડનાં વડાં સના મરીન વિશ્વનાં સૌથી ઓછી વયનાં મહિલા વડાં પ્રધાન છે.