ઓકલેન્ડઃ રાજકીય અને સામાજિક પદ ધરાવતી વ્યકિત પાસે હંમેશા સારા કાર્યોની આશા રાખવામાં આવે છે. જો કોઇ સાંસદ પર ચોરી કરવાનો આરોપ મૂકાય તો સૌ ચોંકી ઉઠે તે સ્વભાવિક છે. ન્યૂઝીલેન્ડમાં આવા જ ચોંકાવનારા સમાચાર સપાટી પર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદ પર દુકાનોમાંથી મોંઘા અને વૈભવી કપડા ચોરી કરવાના ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા પછી મહિલા સાંસદને રાજીનામું આપવાની ફરજ પડી છે.
પોલીસ કેસની તપાસ કરી રહી છે. ગ્રીન પાર્ટીના સાંસદ ગોલરીઝ ઘરમન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ઓકલેન્ડ અને વેલિંગ્ડનમાં બે અલગ અલગ દુકાનોમાંથી એક વખત નહીં પણ ત્રણ - ત્રણ વખત મોંઘા કપડાની ચોરી કરી હતી. યુનાઇટેડ નેશન્સના માનવાધિકાર વકીલ ગોલરીઝે 2017માં પોતાના પક્ષનો ન્યાય વિભાગ પણ સંભાળ્યું હતું. આ આરોપ અંગે તેમણે જણાવ્યું છે કે કામ સાથે સંકળાયેલા સ્ટ્રેસને કારણે તેમનો વ્યવહાર સંપૂર્ણ રીતે અયોગ્ય જોવા મળ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે મેં અનેક લોકોને નિરાશ કર્યા છે અને મને આ બાબતનો ખૂબ જ ખેદ છે. ગોલરીઝને બાળપણમાં જ પોતાના પરિવાર સાથે ઇરાન નાસી જવા ફરજ પડી હતી. ત્યારબાદ તેમના પરિવારે ન્યૂઝીલેન્ડમાં રાજકીય આશ્રય મેળવ્યો હતો.