પંગુમ લંઘયતે ગિરિમઃ પ્રોસ્થેટિક પગ સાથે મોડેલિંગમાં સફળ જ્યોર્જીઆ સ્ટેનાર્ડ

Thursday 02nd January 2025 01:50 EST
 
 

મુસીબત ગમે ત્યારે આવી શકે છે પરંતુ, તેની સામે લડત આપવી તે જ માનવીને મુઠી ઊંચેરો બનાવે છે. આવી જ વાત જાણીતી મોડેલ જ્યોર્જીઆ સ્ટેનાર્ડની છે. જ્યોર્જીઆ જ્યારે 22 વર્ષીય સ્ટુડન્ટ હતી ત્યારે એક બસે તેનો પગ કચડી નાખ્યો અને તેણે જમણો પગ કપાવી નાખવો પડ્યો હતો. તેણે પરિસ્થિતિ સામે ઝીંક ઝીલી, કપરો સંઘર્ષ કર્યો અને આજે તે મોડેલ છે અને હાઈ સ્ટ્રીટ શૂ બ્રાન્ડનો ચહેરો બની છે.

વાત સપ્ટેમ્બર 2019ની છે. સ્ટેનાર્ડ આર્ટ હિસ્ટરીના ફાઈનલ વર્ષની શરૂઆત કરતાં પહેલા મિત્રની સાથે લંચ કરવા લીડ્ઝ તરફ જઈ રહી હતી. ક્લાફામ કોમન જંક્શન પર ભારે ટ્રાફિક હતો અને અચાનક તેનો પગ બસ લેનમાં આવ્યો અને એક બસ તેના જમણા પગ પરથી ચાલી ગઈ. તેનો પગ કચડાઈ ગયો પણ તેની જીંદગી સલામત હતી. એમ્બ્યુલન્સમાં પેરામેડિક્સને તે સતત પૂછતી રહી કે તે જીવી જશે કે નહિ. પગ કપાવી નાખવો પડશે તેની જાણ તેને ત્યારે જ થઈ ગઈ હતી.

તેનો જમણો પગ કાપવાની સર્જરી થઈ ત્યારે ડોક્ટરોએ સલાહ આપી હતી કે ઘૂંટણથી 10 સેન્ટિમીટર નીચેથી તેનો પગ કાપવો પડશે જેથી લાંબા પ્રોસ્થેટિક લગાવવાની તકલીફ અને પીડા ઓછી થાય. જ્યોર્જીઆ સકારાત્મક વિચારો ધરાવે છે આથી જ તેણે સર્જરીઓ કરાયાં પછી કહ્યું હતું કે ‘હું એટલી નસીબવાન કહેવાઉં કે તે મારો પગ જ હતો, મારી જીંદગી નહિ. જો, હું એક સેકન્ડ પછી પગ માંડ્યો હોત તો મારું મોત નીપજી શક્યું હોત અથવા માથાની કાયમી ઈજા નડી હોત.’

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી સાઉથ લંડનના કેન્સિંગ્ટનના રિહેબ સેન્ટરમાં ચાર સપ્તાહ સમય ગાળવાનો થયો ત્યારે તેને પહેલી વખત અન્ય એમ્પ્યુટીઝને જોયાં હતાં જેમની સ્થિતિ જ્યોર્જીઆ કરતાં પણ ખરાબ હતી. સર્જરીના થોડા વર્ષ સુધી તે વ્હીલચેર પર રહી અને તેના કપાયેલાં પગે ભારે સોજા, ઉઝરડાં આવી જતાં હતાં. તેણે 9 મહિનામાં 11 પ્રોસ્થેટિક પગ બદલવા પડ્યાં હતાં. ઉભાં ન થવાય ત્યારે જમીન પર ઘસડીને ચાલવા તેણે ની પેડ્સનો પણ ઉપયોગ કર્યો હતો. આ વખતે તેને થતું કે મારી સાથે જ આવું કેમ. યુકેમાં પ્રથમ કોવિડ લોકડાઉન સમયે તેણે માનસિક બ્રેકડાઉન પણ અનુભવ્યું હતું.

ત્રણ સંતાનોમાં સૌથી નાની જ્યોર્જીઆનો ઉછેર સિંગાપોરમાં થયો હતો. તે સાત વર્ષની હતી ત્યારે 2004માં તેના અલગ થઈ ગયાં છતાં, પરિવાર ક્રિસમસ મનાવવા ફૂકેટ થાઈલેન્ડના પ્રવાસે સાથે ગયો હતો. અહીં તેના પિતા મેજર સિમોન સ્ટેનાર્ડ બોક્સિંગ ડે સુનામીમાં તણાઈ ગયા. પિતા વિના જીવવું અઘરું તો હતું જ પરંતુ, જ્યોર્જીઆ માને છે કે તે સમયે જે માનસિક સ્થિતિસ્થાપકતા સર્જાઈ તેના થકી પગ ગુમાવવાની ઘટનાનો સામનો કરવામાં વાંધો ન આવ્યો.

એક્સિડન્ટના પાંચ વર્ષ પછી, 27 વર્ષીય સ્ટેનાર્ડના લક્ષ્યે આકાર લેવા માંડ્યો હતો. સ્કૂહ (Schuh) કંપનીએ સિંગલ શૂ ઈનિશિયેટિવ શરૂ કર્યું હતું અને તેની બ્રાન્ડના ચહેરા તરીકે જ્યોર્જીઆની ભૂમિકા વિશે ચર્ચા કરાવા લાગી હતી. પગના અવયવમાં તફાવત અથવા વિકલાંગતા કે અક્ષમતાના કારણે જે લોકોને માત્ર એક જૂતાની જરૂર રહેતી હોય તેમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની આ કેમ્પેઈન હતી. વિકલાંગ લોકોને પસંદગીની તક મળવાની હતી.

જ્યોર્જીઆ સ્ટેનાર્ડ હવે તો બે જૂતાં પહેરે છે પરંતુ, અકસ્માતના પહેલા વર્ષમાં વ્હીલચેર પર રહેવાથી સહિત બે વર્ષ દરમિયાન તેણે એક જ જૂતું પહેરવાનું રાખ્યું હતું. તેના જમણા પગનું જુતું તો હંમેશાં ધૂળ ખાતું પડી રહેતું હતું. હવે તો તે ઘેર હોય કે લોકલ શોપમાં ખરીદી કરવા જાય ત્યારે ઘણી વખત અલગ અલગ જૂતાં પહેરે છે કારણકે જમણા પ્રોસ્થેટિક પગ પર તેને જૂતાં પહેરવાનું કમ્ફર્ટેબલ લાગતું નથી.

જ્યોર્જીઆ સ્ટેનાર્ડ, 5 ફીટ અને 9ઈંચની ઊંચાઈ, પહોળી અને લીલી આંખો અને મજાના ચીકબોન્સ ધરાવતી શ્વેત યુવતીએ કદી કલ્પના પણ ન હતી કરી કે તે મોડેલિંગ કરશે પરંતુ, ત્રણ વર્ષ અગાઉ, તેને ઈન્સ્ટાગ્રામ થકી શોધી લેવાઈ હતી. ટ્રાન્સ, નોન-બાયનરી અને પ્લસ સાઈઝની મોડેલ્સ તેમજ વિકલાંગતા સાથે લોકોનું પ્રતિનિધિત્વ કરતી કોઈ મોડેલ અને ટેલેન્ટ એજન્સી તેને શા માટે મળવા માગે છે તેની પણ તેને ખબર પડતી ન હતી. જોકે, તેની માતાએ તક લઈ જેવા જણાવતા તે મળવા તૈયાર થઈ હતી. અને મોડેલ તરીકે તેની સફરની આ શરૂઆત હતી. ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં એડિડાસ માટે પ્રથમ શૂટિંગ કર્યાં પછી, સ્ટેનાર્ડ માર્ક્સ એન્ડ સ્પેન્સર, ઈન્ક્લુઝિવ સ્વિમવેર કંપની યૂસ્વિમ સહિત અનેક બ્રાન્ડ્સના કેમ્પેઈન્સમાં જોવાં મળી પરંતુ, ઓળખનો સંઘર્ષ યથાવત રહ્યો. તેને થતું કે તેની ઓળખ વિકલાંગતાથી ઉભી થાય તેમ જોઈતું ન હતું પરંતુ, આ સાથે તેને ડિસેબિલિટી અધિકારો અને જાગરૂકતાના હિમાયતી પણ બનવું હતું. તેનાં પગ દેખાય તેવા ટુંકા સ્કર્ટ્સ પહેરવાનું કહેવાય તો પણ તેને કેમ્પેઈન્સ કરતાં રહેવામાં આનંદ મળતો હતો.

તેણે લંડન અને કોપેનહેગન ફેશન વીક્સમાં ભાગ લીધો છે. આ વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનાઓમાં બે લંડન ફેશન વીક્સમાં તેણે જ્યારે કેટવોક કરી ત્યારે તેમાં વિકલાંગતા કે પ્લસ સાઈઝ ધરાવતી અન્ય કોઈ મોડેલ ન હતી. આ બધા અનુભવો તેને સારા લાગ્યાં છે પરંતુ, શંકાનું વાદળ તો રહે જ છે કે ઈન્ડસ્ટ્રી વાસ્તવમાં વિકલાંગતા ધરાવતા લોકોની કાળજી ધરાવે છે કે કેમ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter