પરંપરાગત પરિધાન સાડી સાથે જચે બ્લાઉઝના બે પ્રકારઃ બોટનેક અને બેકલેસ
પરિધાન જગતમાં ફેશન અને ટ્રેન્ડ સતત બદલાતા રહે છે એમાં પરફેક્ટ સ્ટાઇલ શોધવી ખરેખર જ મુશ્કેલ થઈ જાય છે. આજે પશ્ચિમી જગતના ઇટાલી, ફ્રાન્સની સાથે ભારત પણ સ્પર્ધામાં છે. ખરેખર તો ભારત સાથે કોઇ તુલના જ ના કરી શકાય એટલું આજે અગ્રેસર છે. ભારતીય ફેશન ડિઝાઇનરો નિત નવી ડિઝાઇનો બજારમાં મૂકતા હોય છે.
ફેશન જગતમાં ભારતીય સાડી એ વિશ્વનુું અલગ અને અવ્વલ પરિધાન છે. ભારતના દરેક પ્રાંતમાં વિવિધ પ્રકારના કાપડ સાથે સાડીઓમાં અનેક વૈવિધ્ય જોવા મળે. દક્ષિણથી શરૂ કરીએ એટલે કેરાલાની બલરામપરમ જરી બોર્ડરની કોટન સાડી, તામિલનાડુની કાન્ચીપરુમ, કોઇમ્બતૂર, આંધ્રની વેંકટગીરી, ગન્તુર અને પોચમપલ્લી, મહારાષ્ટ્રની પૈઠણી, ગુજરાતની બાંધણી, રાજકોટી પટોળા અને હા… મોંઘામૂલ્ય પાટણના પટોળા, મધ્ય પ્રદેશની ચંદેરી ને ટશર સિલ્ક, રાજસ્થાનની કોટા દોરીઆ, મુર્શીદાબાદની પ્રન્ટેડ અને બાટીક સિલ્ક પટોળા, વારાણસીની જરીકસબ સિલ્ક, બંગાળની હેન્ડલૂમ ટેન્ટ, જામદાની અને બાલુચરી, ઓરિસ્સાની ઈકત અને બોમકાઈ ઉપરાંત ત્યાંના આદિવાસીઓએ વણેલી ટ્રાયબલ ઈકત જેવી સાડીઓ નારી જગતને અણમોલ નજરાણું છે.
જોકે આજકાલ પરંપરાગત સાડી પરિધાન સાથે નવી ડિઝાઈનનું મેચિંગ એ સહેલો વિકલ્પ છે. તમે કઇ સાડી સાથે કેવો અથવા કેવી સ્ટાઇલનો બ્લાઉઝ પહેરો એના ઉપર સાડી અને તમારો લૂક અલગ તરી આવે છે. આ વિકલ્પથી તમે પરંપરાગત વસ્ત્રો પણ પહેરી અને ટ્રેન્ડી પણ લાગો છો.
સાડીઓ સાથે પહેરાતા બ્લાઉઝની ફેશન પણ સતત બદલાતી રહે છે. પરંપરાગત સાડી સાથે હાલમાં બોટનેક અને બેકલેસ પેટર્નના બ્લાઉઝ ભારત સાથે સાથે બ્રિટનમાં પણ ઇન ટ્રેન્ડ છે. આ બંને બ્લાઉઝનો લુક પણ જોકે ત્યારે જ આવે છે જ્યારે તમે સાડી પ્રમાણે બ્લાઉઝનું કાપડ અને વર્ક પસંદ કરો. કેટલીક મહિલાઓ સ્ટેન્ડ પટ્ટીના બ્લાઉઝ પણ પસંદ કરે છે. આજે ભારતીય નારીજગતમાં પહેરાતા બ્લાઉઝ અને એની સ્ટાઇલ વિષે વાત કરીએ. આપણે અહીં પહેલાં બોટનેક બ્લાઉઝની વાત કરીએ.
કટ પર સંપૂર્ણ આધાર
બોટનેક બ્લાઉઝનો સંપૂર્ણ આધાર તેના ગળાના કટ પર જ રહેલો છે. ઊંચુ ગળું અને ખભાના ભાગેથી સહેજ પહોળું એવું બોટનેક ગળું કોઈ પણ બોડી ટાઈપ ધરાવતી મહિલા માટે કમ્ફર્ટેબલ બ્લાઉઝ પેટર્ન સાબિત થાય છે. બ્લાઉઝની બોટનેક ડિઝાઈનનો કટ તમને ખૂબ જ સુંદર દેખાવ આપે છે. સામાન્ય રીતે હેવિ સાડી સાથે એ જ મટીરિયલનું બોટનેક બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગે છે. જેમ કે બનારસી, કલકત્તી, કાંજીવરમ જેવા ઘટ્ટ અને કડક કાપડ સાથે એ જ કાપડનું બોટનેક બ્લાઉઝ તૈયાર કરાવી શકાય. જો સિલ્ક, બાંધણી, શિફોન, માર્બલ, ક્રેપ સાડી હોય તો તેની સાથે પહેરવા માટે કેડ, શીયર, લેસ, નેટ અને સિલ્ક જેવા ઘણા ફેબ્રિક્સમાં બોટનેક બ્લાઉઝ માર્કેટમાં અવેલેબલ હોય છે. હવે સિલ્કની મોંઘી સાડી સાથે જરી બુટ્ટાવાળા સિલ્ક બ્લાઉઝની પણ ફેશન પ્રચલિત છે.
વિવિધ વર્ક
મિરર વર્કવાળા લહેંગા અને સાડી પછી હવે તેનો ટ્રેન્ડ બ્લાઉઝમાં પણ જોવા મળી રહ્યો છે તો જો તમે પાર્ટીઝમાં પ્લેન અને લાઇટ સાડી પહેરવાના છો તો બોટનેકમાં આ વર્ક કરાવો. સિક્વન્સ વર્કથી પણ બોટ આકારનું નેક હેવિ લુક આપશે. જો સિલ્કનો ગાળો પહેરવો હોય તો તેની સાથે ગોટા પટ્ટી ધરાવતું બ્રોકેડ કે બ્રાસોનું બોટનેક બ્લાઉઝ પહેરવું જોઈએ. બોટનેક બ્લાઉઝમાં ગળાના ભાગે જ જો મેચિંગ સ્ટોન વર્ક અથવા ગોલ્ડન કે કોપર વર્ક કરાવવામાં આવે તો બ્લાઉઝ કટ ખૂબ જ રિચ લાગે છે અને ગળામાં હેવિ જ્વેલરી પહેરવાની પણ જરૂરિયાત રહેતી નથી. ગળામાં રેશમ અને કુંદન વર્ક સાથેનું બોટનેક બ્લાઉઝ રોયલ લુક આપે છે.
અત્યંત કમ્ફર્ટેબલ
કોઈ પણ પ્રસંગે, તહેવારે, લગ્નમાં દુલ્હન સહિત હેવિ કે લાઈટ સાડી કે ચણિયાચોળી પહેરનારી સ્ત્રીઓ માટે આ નેક સ્ટાઈલિશ હોવા સાથે અત્યંત કમ્ફર્ટેબલ રહે છે. ઓફિસવેરમાં જો તમે સાડી પહેરતા હો તો પ્રોફેશનલ ઈવેન્ટ, ફંક્શન કે રેગ્યુલર લાઈફમાં સાડી સાથે કે સ્કર્ટ સાથે બોટનેક બ્લાઉઝ સારાં લાગે છે.
કોઈ પણ પ્રકારની સ્લિવ
બોટનેક ડિઝાઈન સાથે સ્લિવ લેસથી લઈને કોઈ પણ પ્રકારની સ્લિવ ઓપે છે. કેપથી લઈને અડધી, પોણિયા, લાંબી, ઝૂલ, બલુન કે બેલ સ્લિવ્ઝ બોટનેક સાથે સારી લાગે છે.
બેકલેસ બ્લાઉઝ
બેકલેસ નેક બ્લાઉઝ માટે સ્પેશ્યલ મટીરિયલ પસંદ કરવા જરૂરી હોતા નથી. સાડીને મેચિંગ કોઈ પણ મટીરિયલનું બ્લાઉઝ તમે કરાવી શકો છો. પીઠનો ભાગ ખુલ્લો રહે તે રીતે આ સ્ટાઈલમાં બ્લાઉઝની સિલાઈ કરવામાં આવી હોય છે. પહેરવામાં તે વધુ કમ્ફર્ટેબલ રહેતા નથી, પણ ખૂબ જ ક્લાસી અને ગ્લેમરસ લુક જરૂર આપે છે.
દરેક પ્રકારની સાડી સાથે જચે
બોટનેકની જેમ જ સિમ્પલથી લઈને હેવિ દરેક પ્રકારની સાડી, લહેંગા અને સ્કર્ટ સાથે તમે બેકલેસ બ્લાઉઝ પહેરી શકો છો. બ્લાઉઝના પાછળના ભાગે ખૂબ જ ઓછું કપડું, દોરી કે બો વપરાય છે. હેવિ વર્કવાળા બ્લાઉઝની સાથે બેકલેસ બ્લાઉઝમાં વધુ પડતા એક્સપેરિમેન્ટ શક્ય નથી કારણ કે તેનાથી સ્ટિચિંગમાં પ્રોબ્લેમ થાય છે.
વિવિધ આકાર
બેકલેસ બ્લાઉઝમાં પાછળના ભાગે તમે ઇચ્છો તેવો આકાર કરાવી શકો છો. પાન, બેલ, ફ્લાવર, યુ, રાઉન્ડ, પંચ કોણ, ષટકોણ વગેરે જેવા આકાર બ્લાઉઝના પીઠના ભાગે સ્ટાઈલિશ અને ગ્લેમરસ લાગે છે.
બોડી ટાઈપ પ્રમાણે
જો તમે સ્લિમ બોડીના હો તો બેક લેસ બ્લાઉઝ આસાનીથી કોઈ સાવધાની વગર પહેરી શકો છો. જોકે તે સ્કિની ફિટિંગ ઘરાવતું હોવું જોઈએ અને ક્યાંય ખોલ ન પડતી હોવી જોઈએ. જો તમે સિમેટ્રીકલ બોડી ટાઈપ ધરાવતા હોય તો બેકમાં બ્લાઉઝમાં ઉપર અને નીચેની તરફ ડિઝાઈનર ફુમતાં દોરીથી ફિટિંગ જાળવી શકાશે. જે ગ્લેમરસ લુક આપશે.
જો તમારા શરીરનો ઉપરનો ભાગ હેવિ છે એટલે કે ખભા, ડોક, બ્રેસ્ટ ભારે છે તો છેક ડોકમાં બટન મુકાવીને અને એ પછી છેક નીચે દોરી, બટન કે આંકડાની પટ્ટી મુકાવો જેનાથી બરાબર ફિટિંગ જળવાશે. ડોકમાં પટ્ટી કે બટનનો બેલ્ટ ફિટ કરાવવાથી બ્લાઉઝનું ફિટિંગ જળવાય છે અને તે સ્ટાઈલિશ પણ રહેશે.