મુંબઈઃ પરદેશમાં રહેતા ભારતીયો નિયમિત રીતે જંગી રકમ વતનમાં મોકલતા હોય છે. આ અંગેના આંકડાઓ પણ અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે. જોકે આ વખતે ‘વર્લ્ડ રેમિટ’ દ્વારા રેમિટન્સ નામે ઓળખાતી આ પ્રક્રિયા અંગે રસપ્રદ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દરિયાપારના દેશમાં જઇ વસેલી ભારતીય મહિલાઓ વર્ષેદહાડે કેટલી રકમ સ્વદેશમાં મોકલે છે તેના આંકડા રજૂ કર્યા છે.
‘વર્લ્ડ રેમિટ’ના આ આંકડાઓ અનુસાર, પરદેશમાં રહેતી ભારતીય મહિલાઓ વર્ષે સરેરાશ ૭૮.૬ બિલિયન ડોલર જેટલી રકમ ભારતમાં મોકલે છે. આ આંકડાને ભારતીય રૂપિયામાં માંડીએ તો ૫,૮૧૦ અબજ રૂપિયા જેટલી થાય છે. આ અભ્યાસમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવાયો છે.
વર્લ્ડ રેમિટ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન મની ટ્રાન્સફરનું કામ કરતી એજન્સી છે. આથી તેની પાસે કોણ ક્યાં નાણાં ટ્રાન્સફર કરાવે છે અને એ નાણાં કોની પાસે પહોંચે છે તેનો પાક્કો હિસાબ હોય છે. આ જાણકારીના આધારે આ રકમ ભારતીય મહિલાઓ દ્વારા સ્વદેશ મોકલાઇ હોવાનું જાણી શકાય છે. મહિલાઓ આ રકમ મોટે ભાગે ઘરખર્ચ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય જેવા ઉદ્દેશ માટે ટ્રાન્સફર કરતી હોય છે.
વિદેશવાસી મહિલાઓએ સૌથી વધારે રકમ હૈદરાબદ, લુધિયાણા, અમૃતસર, મુંબઈ, જલંધર, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી, પતિયાલા અને કોટ્ટાયામમાં મોકલાવી હતી. આ દસ શહેરોમાં સૌથી વધુ એટલે કે ચાર તો પંજાબના છે. વિશ્વના લગભગ તમામ દેશોમાં ભારતીયો રહે છે, માટે તેમના દ્વારા મોકલાતી રકમ નિયમિત રીતે અભ્યાસનો વિષય બને છે.
અમેરિકાની કુલ વસ્તીમાં ૧ ટકો અને બ્રિટન તથા ઓસ્ટ્રેલિયામાં અંદાજે ૨-૨ ટકા જેટલા ભારતીયો વસવાટ કરતા હોવાનું મનાય છે.