પરફેક્ટ લુકનો આધાર છે યોગ્ય ફાઉન્ડેશન

Saturday 05th March 2022 07:02 EST
 
 

કોઇ પણ મેકઅપના નિખારનો આધાર હોય છે ફાઉન્ડેશન. આથી જ ખરીદી પૂર્વે ફાઉન્ડેશન અંગે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. ખોટું ફાઉન્ડેશન ખરીદવાને લીધે મેકઅપ ખરાબ થઇ શકે છે. માર્કેટમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં ફાઉન્ડેશન ઉપલબ્ધ છેઃ ક્રીમ, પાઉડર, કેક અને લિક્વિડ ફાઉન્ડેશન. તમારી સ્કિન ડ્રાય હોય તો તમારે ક્રીમ કે લિક્વિડ ફાઉન્ડેશન યૂઝ કરવું જોઇએ. તમારી સ્કિન ઓઇલી હોય તો કેક અથવા પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ. તો નોર્મલ સ્કિન ધરાવનાર સ્ત્રીએ કેક કે લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. ફાઉન્ડેશનની યોગ્ય પસંદગી તમારા મેકઅપને એકદમ પરફેક્ટ લુક આપશે.
• ફાઉન્ડેશન ફોર્મ્યુલાઃ કોઇ પણ નવું ફાઉન્ડેશન ખરીદો એ પહેલાં તેની ફોર્મ્યુલા અંગે ખબર હોવી જોઇએ. જેથી તમારી ત્વચા સાથે એ અનુકૂળ થશે કે નહીં એ તમે જાણી શકો. બીજું, કયા પ્રકારનું ફાઉન્ડેશન તમારી સ્કિન ઉપર સૂટ કરશે એની તમને જાણકારી હોવી જોઇએ. જો ન હોય તો જણાવી દઉં કે મોટી ઉંમર અને ડ્રાય સ્કિન ધરાવનાર વ્યક્તિના ચહેરા પર મોઇશ્ચરરાઇઝર પ્રોપર્ટીઝવાળું ફાઉન્ડેશન સૂટ કરે છે. જેમની સ્કિન ઓઇલી છે તેઓ મેટ ફોર્મ્યુલાવાળું ફાઉન્ડેશન ખરીદી શકે છે.
• અન્ડરટોન ઓળખોઃ ફાઉન્ડેશન ખરીદતા પહેલાં તમને તમારી સ્કીનના અન્ડરટોન અંગે પણ ખબર હોવી જોઇએ. ફાઉન્ડેશન બે પ્રકારના ગ્રૂપમાં વિભાજિત થાય છે. એક કોલ્ડ ટોન અને બીજું વોર્મ ટોન. તમારી ત્વચાનો અન્ડરટોન ક્યો છે એની તમને ખબર હોય તો યોગ્ય ફાઉન્ડેશન સિલેક્ટ કરવામાં સરળતા રહેશે. જો ન ખબર હોય તો બ્યુટિશિયન પાસેથી જાણી શકો છો.
• કવરેજ અંગે સમજઃ ફાઉન્ડેશન ખરીદતી વખતે કવરેજનું ધ્યાન રાખવું જરૂરી છે. દરેક વ્યક્તિની સ્કિન ઉપર એક જ પ્રકારનું ફાઉન્ડેશન સૂટ કરતું નથી. કોઇની ત્વચા બ્લેમિશ હોય છે તો કોઇની ત્વચા સ્મૂધ હોય છે. તમે ફાઉન્ડેશન કયા હેતુથી ખરીદો છો તેની તમને ખબર હોવી જોઇએ. જો તમે લાઇટ લૂક મેળવવા ઇચ્છો છો તો મીડિયમ કવરેજવાળા ફાઉન્ડેશનને સિલેક્ટ કરો. તમે ડાઘ-ધબ્બા છુપાવવા ઇચ્છો છો તો ફુલ કવરેજ ફાઉન્ડેશન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
• ફાઉન્ડેશન ટેસ્ટઃ ફાઉન્ડેશન ખરીદતી વખતે તેને ટ્રાય કરવાનું ભૂલશો નહીં. ટેસ્ટ કરતી વખતે કૃત્રિમ લાઇટના પ્રકાશ કરતાં એક વખત સૂર્યપ્રકાશમાં જરૂરથી ચકાસી લો. આથી તમને ખ્યાલ આવશે કે ફાઉન્ડેશનનો એ શેડ તમારા ચહેરા પર સૂટ કરી રહ્યો છે કે નહીં. ફાઉન્ડેશન ટેસ્ટ કરવામાં જો તમે જરાય સંકોચ અનુભવશો તો પાછળથી તમારે જ પસ્તાવાનો વારો આવશે.
• લાઇટ ફાઉન્ડેશનઃ યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી કરવામાં ઘણાંને મુશ્કેલી પડતી હોય છે. તમે પણ એમાંના જ એક હો તો ગભરાયા વગર ડાર્ક ટોનને બદલે લાઇટ ટોન ખરીદી લો.
લાઇટ ટોન એટલા માટે કે આ પ્રકારનું ફાઉન્ડેશન ચહેરા પર બેઝ બનાવી દે છે. એ પછી તમે બ્લશર અને બ્રોન્ઝર શેડ દ્વારા આરામથી બેલેન્સ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter