પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ મહેકતી રહે એ માટે નીતનવા પરફ્યુમ તમારી જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરફ્યુમ કે સ્પ્રેની યોગ્ય પસંદગી કરવી તે જોકે આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. ફેશન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, તમારી સ્કીન પ્રમાણે પરફ્યુમની પસંદગી કરો અને કેટલી બાબતો ધ્યાનમાં રાખો. દરેક મોસમ અને પ્રસંગ પ્રમાણે તમે અલગ અલગ પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો એટલે તમારી બ્યુટી કિટમાં પરફ્યુમ, યુડી કોલોન અને રોલઓન રાખો. જોકે આ તમામ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.
રોલઓન અથવા વોટર બેઝ્ડ યુડી કોલોનમાં માત્ર ચાર-પાંચ ટકા જ ઓઇલ હોય છે. સવારે સ્નાન કર્યા પછી એ લગાડશો તો શરીર પર એની બે-ત્રણ કલાક અસર રહે છે. એ સ્પ્રે બોટલમાં આવે છે. એને તમે આખા શરીર પર પણ સ્પ્રે કરી શકો છો. યુડી પરફયુમમાં ૧૫-૨૨ ટકા માત્ર એસેન્સિયલ ઓઈલ હોય છે એ ત્રણથી પાંચ કલાક અસરકારક હોય છે. પરફ્યુમમાં જેટલી વધારે માત્રામાં એસેન્સિયલ ઓઈલ હોય છે એટલું પરફ્યુમ મોંઘું. જોકે ઓછી માત્રામાં નાની બોટલમાં પણ આ પ્રકારનાં સુગંધિત પરફ્યુમ મળે છે. પરફ્યુમમાં ૩૦ ટકા સુધી એસેન્શિયલ ઓઈલ હોય છે. તે છ કલાક કરતાં વધારે સમય અસરકારક રહે છે. એટલે યુડી કોલોન કરતાં ઘણાં પરફ્યુમ મોંઘાં પણ હોય છે.
પરફ્યુમની પસંદગી
• ગરમીમાં ફ્લોરલ, લીંબુ અને ચંદનયુક્ત ફ્લેવર પસંદ કરી શકાય, પરંતુ એ દરેક વ્યક્તિની પસંદગી પર પણ નિર્ભર રહે છે. ચોકલેટ, કોકો, મસ્ક, ફ્રૂટ, ચંદન, ખાસ ફૂલોમાંથી જે તમારા વ્યક્તિત્વ પર શોભતું હોય એ જ લો. જો તમને સ્પોર્ટ્સ બહુ પસંદ હોય તો લીંબુ કે મસ્ક યુડી પરફ્યુમ લગાડો. જો તમે શાંત સ્વભાવના હો તો ચંદન કે ગુલાબની મહેક તમારા વ્યક્તિત્વને અનુરૂપ રહેશે.
• જો તમને સ્ટ્રોંગ ખુશ્બૂ ગમતી હોય તો તમે કોકોનટ, પાઇનેપલની સુગંધવાળું પરફ્યુમ પસંદ કરી શકો છો. એની મહેક લાંબો સમય રહે છે અને દિવસ-રાત બંને માટે યોગ્ય છે.
• ગરમીમાં રાત્રે ચંદનની મહેકવાળું પરફ્યુમ સ્પ્રે કરી શકાય.
પરફ્યુમ લેતાં પહેલાં
• પરફ્યુમ લગાડતાં પહેલાં એને ટેસ્ટ કરવું જરૂરી છે. ઘણાં લોકોની ત્વચા ઘણી સેન્સેટિવ હોય છે એટલે કોઈ પણ પરફ્યુમનાં ઉપયોગથી એલર્જી થવાનો ભય રહે છે.
• પરફ્યુમની ખરીદી કરતા હો તો એક સાથે ત્રણથી વધારે પરફ્યુમ ટ્રાય ન કરો. ચોથી વાર કોઈ પણ પરફ્યુમને પારખવાની ક્ષમતા ઘટી જાય છે. ચોથી વખત સ્મેલ લીધા પછી તમને સમજ નથી પડતી કે ક્યું પરફ્યુમ ખરીદવું જોઈએ? તમને બધાં પરફ્યુમ એક જેવાં જ લાગશે.
• કાંડા અને કોણીની અંદરની બાજુ પરફ્યુમ ટ્રાય કરો. જે પરફ્યુમ ખરીદવા માગતાં હો તેને ટેસ્ટ કર્યાની દસ મિનિટ પછી જ ખરીદવાનો નિર્ણય લો. જેથી તમે નક્કી કરી શકશો કે પરફ્યુમમાં રહેલું આલ્કોહોલ શરીર પર લગાડ્યા બાદ થોડી વારે ઊડી તો નથી ગયું ને? આ ઉપરાંત તેમાં રહેલું તેલ શરીરને સેટ થાય છે કે નહીં તે પણ દસેક મિનિટમાં જાણી શકાશે.
લાંબો સમય કઈ રીતે ટકશે?
• પરફ્યુમમાં પ્યોર ઓઈલ હોય છે. એને ડાયરેક્ટ સ્કીન પર લગાડી શકાય છે. એ નેચરલ હોવાથી ડાયરેક્ટ લગાડવાથી સ્કીન પર તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.
• પરફ્યુમ હંમેશાં સ્કીનનાં વોર્મ સ્પોટ્સ પર લગાડો. એવી જગ્યા જ્યાં નર્વ્સ હોય. જ્યાંની ત્વચા બહુ પાતળી હોય. દા.ત. કાંડા, ગળા, ગરદન, બગલ, વાળની પાછળનો ભાગ, કોણીની અંદરનો ભાગ, ક્લિવેજ, ઘૂંટણની પાછળના ભાગ પર.
• ઓઈલી સ્ક્રીન પર પરફ્યુમ હંમેશાં લાંબો સમય ટકે છે. જો તમારી ત્વચા ડ્રાય હોય તો જ્યાં પરફ્યુમ લગાડતા હો ત્યાં થોડી પેટ્રોલિયમ જેલી કે મોઈશ્ચરાઇઝર લગાડો.
• જો રૂમમાં એસી ચાલતું હોય તો પરફ્યુમની અસર જલદી ઘટી જશે. કારણે કે એસીમાં ત્વચા ડ્રાય થઈ જાય છે. ડ્રાય સ્ક્રીન પરથી પરફ્યુમ જલદી ઊડી જાય છે ત્યારે યુડી કોલોનને બદલે પ્યોર પરફ્યુમ લગાડો.
• ગરમીમાં પરફ્યુમની મહેક શિયાળાની સરખામણીએ વધુ અને સ્ટ્રોંગ રહે છે કારણ કે તમારું શરીર ગરમ રહે છે. પરફ્યુમની અસર તરત થાય છે અને જલદી પૂરી પણ થઈ જાય છે. આ મોસમમાં તમે યુડી કોલોનનો ઉપયોગ કરો તે જ બહેતર છે.
• પરફ્યુમને લાંબો સમય સુધી ટકાવી રાખવા લેયરીંગ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી શકાય. દા.ત., સાબુ, બોડી લોશન, મોઈશ્ચરાઇઝર, પરંતુ ધ્યાન રાખો કે એની સુગંધ એટલી તીવ્ર ન હોય કે એમાં પરફ્યુમની મહેક ખોવાઈ જાય.
• સ્નાન કર્યા બાદ તરત પરફ્યુમ લગાડો. એ સમયે રોમછિદ્રો ખુલ્લાં હોય અને એને ખુશ્બુ શોષી લે છે અને લાંબો સમય ટકે છે.
આટલું ન કરવું
• જરૂર કરતાં વધારે માત્રામાં પરફ્યુમ લગાડો નહીં.
• કપડાં પર પરફ્યુમ છાંટો નહીં પરફ્યુમમાંના કેમિકલ્સ કપડાંને કમજોર અને બેરંગ કરે છે.
• સિલ્કનાં કપડાં પર પરફ્યુમ ન છાંટો.
• કલરફુલ સ્પ્રે હોય તો સુતરાઉ રૂમાલ કે દુપટ્ટા પર તેનો કલર લાગી શકે. ખાસ જેવું પરફ્યુમ તમે રૂમાલ કે દુપટ્ટા પર લગાડી શકો.
• જ્વેલરી પહેરીને પરફ્યુમ - સ્પ્રે ન કરો.
• જો તમે પ્રેગનન્ટ હો તો પરફ્યુમ છાંટો નહીં.
• ઘરમાંથી નીકળવાની ૧૦ મિનિટ પહેલાં પરફ્યુમ સ્પ્રે કરો. જેથી બરાબર સેટ થઈ જાય.
• ડિયો, પાઉડર, પરફ્યુમ જેવા સુગંધિત ઉત્પાદનોનો એક સાથે ઉપયોગ કદી ન કરો.