મૂલ્યવાન હીરાને સ્ત્રીઓનો મિત્ર ગણવામાં આવે છે. જ્વેલરી પસંદ કરવાની વાત હોય ત્યારે સ્ત્રીઓની પહેલી પસંદ ભલે ડાયમન્ડ હોય, પરંતુ આનાથી પર્લ જ્વલેરીનું મૂલ્ય લેશમાત્ર ઓછું થઇ જતું નથી. પર્લ જ્વેલરીનું વિશેષ મહત્ત્વ છે. ડાયમન્ડ તમને એક પ્રેશિયસ લુક આપે છે તો પર્લ જ્વેલરી તમને સિમ્પલ અને સોબર લુક આપે છે. પર્લ હંમેશાંથી એવરગ્રીન છે. આથી જ આજની તારીખમાં મહિલા પાસે ડાયમન્ડ જ્વેલરી હોય કે ન હોય, પણ પર્લ જ્વેલરી અવશ્ય જોવા મળે છે. પર્લની વિવિધ પ્રકારની જ્વેલરીનું સ્ત્રીઓમાં આકર્ષણ વધી રહ્યું છે તેનું એક કારણ એ પણ છે કે તે અલગ અલગ રંગમાં અને અલગ અલગ આકારમાં ઉપલબ્ધ છે.
મોતીના પ્રકાર
હમણાં પર્લની જ્વેલરી બહુ પ્રચલિત થઈ રહી છે એનું કારણ જણાવતાં જ્વેલરી-ડિઝાઇનર્સ કહે છે કે આજની તારીખમાં એક્સેસરીઝ બનાવવા માટે પર્લ સૌથી વધારે ફેમસ છે કેમ કે હેવી ડાયમન્ડની જ્વેલરી નોર્મલી ટ્રેડિશનલ કપડાં પર વધારે સારી લાગે છે, જ્યારે પર્લની જ્વલેરી ન્યુટ્રલ છે. એ સામાન્યતઃ તમામ પ્રકારના વસ્ત્રોમાં સારી લાગે છે - પછી તમે વેસ્ટર્ન કપડાં પહેર્યા હોય કે ટ્રેડિશનલ. આથી જ આજની તારીખમાં પર્લની જ્વેલરી વધારે ફેમસ છે.
આપણે જે પર્લની જ્વેલરી પહેરીએ છીએ એ પર્લ ભલે એક જ પ્રકારનાં દેખાય, પણ એમાંય ઘણી વિવિધતાઓ છે. પર્લના મહત્વના ત્રણ પ્રકાર છે: નેચરલ પર્લ, કલ્ચર્ડ પર્લ અને ઇમિટેશન પર્લ.
નેચરલ પર્લ એના નામની જેમ જ નેચરલી બને છે. આથી એ બહુ રેર મળી રહે છે. નેચરલ પર્લ તમને સૌથી વધારે બહેરિન અને ઓસ્ટ્રેલિયામાં મળી રહે છે. કલ્ચર્ડ પર્લ એટલે કે જેને છીપલામાં કેલ્શિયમ મૂકીને બનાવવામાં આવે છે એ. આજે માર્કેટમાં સૌથી વધારે આ જ પર્લની જ્વેલરી બને છે. અને ત્રીજા છે ઇમિટેશન પર્લ. એમાં પ્લાસ્ટિકના દાણા પર છીપલાના એક પ્રકાર મધર ઓફ પર્લના પાઉડર વડે કોટિંગ કરવામાં આવે છે. આ પર્લ નેચરલ અને કલ્ચર્ડ પર્લ જેવાં જ હોય છે; પણ એ એની સ્મૂધનેસ, વેઇટ અને ચમકથી અલગ પડે છે. ઇમિટેશનમાં પ્લાસ્ટિક હોય છે એટલે નેચરલ અને કલ્ચર્ડ પર્લ કરતાં વધારે સ્મૂધ હોય છે અને વજનમાં પણ હલકાં હોય છે. જ્યારે નેચરલ પર્લ નેચરલી બને છે એટલે એ થોડાં રફ હોય છે.
કલ્ચર્ડ પર્લના પેટા પ્રકાર
કલ્ચર્ડ પર્લ બે પ્રકારમાં મળી રહે છેઃ સોલ્ટ વોટર પર્લ અને ફ્રેશ વોટર પર્લ.
સોલ્ટ વોટર પર્લમાં અકોયા પર્લ, સાઉથ સી પર્લ અને તહેશિયન પર્લ કે જેને બ્લેક પર્લ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે એનો સમાવેશ થાય છે. અકોયા પર્લ તમને વધારે સફેદ અથવા ક્રીમ કલરનાં જોવા મળે છે, જે અમેરિકા અને ચીનમાં બને છે. સાઉથ સી પર્લ કલ્ચર્ડ પર્લમાં સૌથી વધારે મોંઘા છે. એ તમને વાઇટ, સિલ્વર અને ગોલ્ડમાં જોવા મળે છે. આ પર્લ તમને ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં વધારે મળી રહે છે. તહેશિયન પર્લનું નામ ભલે બ્લેક હોય પણ એ બ્લેક કલરનાં નથી હોતાં. એમાં તમને ઘણા કલર જોવા મળે છે; જેમ કે ગ્રીન, પર્પલ, બ્લુ, ગ્રે અને મોરપીંછ કલર. ફ્રેશ વોટર પર્લમાં તમને સૌથી વધારે શેપ, સાઇઝ, કલર જોવા મળે છે. એ ચીન અને અમેરિકામાં મળી રહે છે.
વિવિધ આકાર
પર્લ નામ આવતાં જ આપણી આંખ સામે ગોળાકાર આવી જાય છે, પણ એવું નથી. પર્લમાં રાઉન્ડ સિવાય પણ ઘણા આકાર જોવા મળે છે. આ આકાર વિશે નિષ્ણાતો કહે છે કે પર્લમાં રાઉન્ડ શેપ જેટલો પ્રચલિત છે એટલો જ એ મુશ્કેલીથી મળી રહે છે, પણ એ સિવાય સેમી રાઉન્ડ આકારમાં, ઓવલ શેપમાં પર્લ વધુ જોવા મળે છે. આવા શેપનાં પર્લ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં એનો ઓવલ શેપ છુપાઈ જાય અને જોવામાં એ રાઉન્ડ જ દેખાય.
બીજો શેપ છે બટન શેપ - જેમાં પર્લ એક બાજુથી ફ્લેટ અને બીજી બાજુથી ઊપસેલો હોય છે. આ શેપ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં પાછળની બાજુ પેક થઈ જતી હોય અને માત્ર આગળની બાજુ દેખાતી હોય. જેમ કે, નેકલેસ અથવા ઇઅર-રિંગ, જેમાં પાછળની બાજુ પેક થઈ જાય છે જેથી એની સાઇઝ આપણને મોટી લાગે છે. પર્લ તમને પાણીના બિન્દુ જેવા શેપમાં પણ જોવા મળશે, જેને ડ્રોપ શેપ કહેવાય છે. એને નોર્મલી પેન્ડન્ટ અથવા ઇઅર-રિંગના મિડલમાં વાપરવામાં આવે છે. આજે જે સૌથી પોપ્યુલર અને પસંદીદા શેપ છે એ છે બરોક શેપ - જેમાં કોઇ ચોક્કસ આકાર હોતો નથી. આ જ કદ-આકારનું મોતી તમને એમાં બીજું નહીં મળે. આ ઇરેગ્યુલર શેપને કારણે બરોક શેપનાં પર્લ બધા જ્વેલરી-ડિઝાઇનરોની પહેલી પસંદ છે.
જ્વેલરી-ડિઝાઇનર્સ કહે છે કે આ પર્લ શેપ અમારા જ્વેલરી-ડિઝાઇનર લોકોની પહેલી પસંદ એટલે છે કે અમારા કસ્ટમરને એ શેપની બનાવેલી જ્વેલરી ગમે છે. આ શેપથી બનાવેલી જ્વેલરી એકદમ યુનિક લાગે છે. અમે જે વેસ્ટર્ન જ્વેલરી બનાવીએ છીએ એ આ મોતીથી જ બનાવીએ છીએ.
પર્લ જ્વેલરીમાં વાઇટ કલર પ્રચલિત હતો જ, પણ હવે બ્લેક કલર પણ ધીરે-ધીરે પ્રચલિત થઈ રહ્યો છે. એ સિવાય પિન્ક, બ્લુ, લાઇટ યલો, ગ્રીન, પર્પલ અને ગોલ્ડન કલર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.