સહુ કોઇ નાનાં-મોટાં ફંક્શનમાં સ્ટાઈલિશ દેખાવા કંઈક ડિફરન્ટ પહેરવાનું પસંદ કરતાં હોય છે. આવી પસંદગીમાં આજકાલ પેસ્ટલ રંગોનાં આઉટફિટનો ક્રેઝ વધી રહ્યો છે. શા માટે? કેમ કે આ કલર્સની વાત જ કંઇક અલગ છે.
પેસ્ટલ કલરની ખાસિયત એ છે કે તે આસપાસના અન્ય રંગોમાં બહુ સરળતાથી મિક્સ થઇ જાય છે. બીજું, પેસ્ટલ કલર્સ પહેરનારનો અલગ મૂડ અને જેન્ટલ પર્સનાલિટીને વ્યક્ત કરવાનું કામ કરે છે. આ રંગની ખાસિયત એ પણ છે કે તેને કોઈ પણ અવસર પર કોઈ પણ સીઝનમાં પહેરી શકો છો. અને હા, સેલિબ્રિટી પણ પેસ્ટલ રંગોને પસંદ કરી રહી છે.
પેસ્ટલ રંગ સામાન્ય રીતે લાઈટ અને નરમ હોય છે. આ રંગને સામાન્ય રીતે ડાર્ક રંગોમાં સફેદ રંગને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ રંગ કોમળ, શાંતિ પ્રદાન કરે છે. તો, આવો આજે આપણે જાણીએ આપણાં વ્યક્તિત્વને નિખારતાં પેસ્ટલ રંગો વિશે.
• પેસ્ટલ પિન્કઃ નાના-મોટા સહુનો પ્રિય
ગુલાબી રંગ મોટાભાગના લોકોને પસંદ હોય છે. એમાંય જ્યારે ગુલાબીમાં પેસ્ટલ રંગને જોઈશું ત્યારે તમને એ વધારે ગમશે. પેસ્ટલ પિન્ક રંગનો લહેંગો અનેક અભિનેત્રીઓએ પોતાનાં લગ્નમાં કેરી કર્યો છે તે કોણ નથી જાણતો. બેબી શાવરની પાર્ટીમાં પણ પેસ્ટલ પિન્ક કલરને પ્રાધાન્ય આપવામાં આવે છે. યંગ યુવતીઓ પ્રસંગોમાં બ્રાઈટ કલર પહેરવાને બદલે પેસ્ટલ પિન્ક પસંદ કરે છે.
• પેસ્ટલ બ્લૂઃ શાંતિ-ઠંડકનો અહેસાસ
બ્લૂ રંગ રોયલ લુક આપે છે. એમાં પેસ્ટલ બ્લૂ રંગ આકાશ અને દરિયાની શાંતિ અને ઠંડકનો અહેસાસ કરાવે છે. પેસ્ટલ બ્લૂ રંગની પસંદગી હંમેશાં બેડરૂમની બેકગ્રાઉન્ડ ડિઝાઈનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ડે પાર્ટી કે પ્રસંગમાં પેસ્ટલ બ્લૂ યુનિક લાગશે.
• પેસ્ટલ ગ્રીનઃ ફેશન જગતનો ફેવરિટ
ગ્રીન કલર હરિયાળીનું પ્રતીક છે, પરંતુ પેસ્ટલ ગ્રીન સૌમ્ય હોય છે. પેસ્ટ ગ્રીન સામાન્ય રીતે ઘરની કલરનો ઉપયોગ સમજાવટમાં કરવામાં આવે છે, કારણ કે આપણને શાંતિનો અહેસાસ થાય, પણ ફેશન જગતમાં પેસ્ટલ ગ્રીન હોટ ફેવરિટ થઈ રહ્યો છે,
તેથી પેસ્ટલ ગ્રીન રંગનાં આઉટફિટ કમાલના લાગે છે.
• પીચઃ સૌમ્ય અને સાદગીપૂર્ણ
પેસ્ટલ શેડ્સમાં સૌથી સુંદર અને સૌમ્ય પીચ કલર છે. પીચ કલર સાદગીનું પ્રતીક છે. આપ સહુને યાદ હશે જ કે ઘણી સેલિબ્રિટી પોતાનાં લગ્નમાં પીચ રંગનાં આઉટફિટ પહેરી ચૂકી છે. આ કલર દેખાવમાં રોયલ લૂક આપે છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે.
• આઇવરીઃ બેસ્ટ ઓપ્શન
તમને લાઇટ રંગ પસંદ છે, તો પેસ્ટલનો આ વિકલ્પ બેસ્ટ છે. અનેક અભિનેત્રીએ પોતાનાં લગ્નમાં આઈવરી સાડી અને લહેંગો પહેર્યાં હતાં. જેમને પેસ્ટલ રંગ પસંદ છે તેમણે આઈવરી રંગનાં આઉટફિટ પોતાના વોર્ડરોબમાં વસાવવાં જોઈએ.
• લવન્ડરઃ રોયલ અને સ્ટાલિશ
લાઈટ રીંગણી કલર શાંતિપૂર્ણ અને રોયલનો અહેસાસ કરાવે છે. પેસ્ટલ લવન્ડર માનસિક શાંતિમાં અભિવૃદ્ધિ કરે છે અને સ્ટાઇલિશ પણ લાગે છે. આજકાલ આ કલર ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પ્રસંગોમાં આ કલર આકર્ષક લાગે છે.