ન્યૂ યોર્ક: અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ પછી મહિલાએ ૨૦૧૮માં કોર્ટમાં કેસ કરી દીધો હતો. કોર્ટે મહિલાના પક્ષમાં
ચુકાદો આપતા વોલમાર્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર આ ઘટના ૨૦૧૬ની છે. લેસ્લી નર્સ નામની મહિલા વોલમાર્ટમાં ખરીદી કરવા ગઇ હતી. જોકે તે સામાન ખરીદીને જેવી બહાર નીકળ કે ત્યાંના કર્મચારીઓએ તેને અટકાવી હતી અને મહિલા પર સામાન ચોરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મહિલાનું કહેવું હતું કે તેણે ચીજવસ્તુઓની ખરીદી કરી છે, અને નાણાં પણ ચૂકવી દીધા છે. આમ છતાં તેને અટકાયતમાં લેવાઇ હતી.
આ પછી મહિલાએ સ્ટોર સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ સ્થાનિક કોર્ટે મહિલાના દાવાને સાચો માનીને તેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે વોલમાર્ટને આદેશ આપ્યો હતો કે તે પીડિત મહિલાને ૨.૧ મિલિયન ડોલરની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, વોલમાર્ટ કોર્ટના આ આદેશને વડી અદાલતમાં પડકારનાર છે.
લેસ્લીએ કહ્યું હતું કે વોલમાર્ટે આ પહેલાં પણ પોતાના ગ્રાહકો પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને આરોપ લગાવીને તેમની પાસેથી નાણાં વસૂલ્યા છે. જોકે મેં વોલમાર્ટ સામે અવાજ ઉઠાવ્યો હતો જેથી કરીને બીજા લોકોને બચાવી શકાય.