વોશિંગ્ટનઃ પ્રમુખ જો બાઇડેને એડમિરલ લીઝા ફ્રાન્ચેટીની યુએસ નેવીના વડાપદે વરણી કરી છે. સેનેટ આ પસંદગી પર મંજૂરીની મહોર મારી દેશે તો લીઝા ફ્રાન્ચેટી યુએસની કોઇ પણ સૈન્ય પાંખના વડા બનનારાં પ્રથમ મહિલા બનશે. સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિને નેવીના પ્રશાંત સાગર કાફલાના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પેપોરની આ પદ માટે ભલામણ કરી હતી, પરંતુ પેપારોને અમેરિકી ઇન્ડો-પેસિફિક કમાન્ડના વડાપદે વરણી કરાઇ છે. જોકે આ બંને પસંદગીની હજી સત્તાવાર જાહેરાત થઇ નથી.
લીઝા ફ્રાન્ચેટી હાલમાં નેવીના વાઇસ એડમિરલ છે. તેઓ 1985માં નૌકાદળમાં સામેલ થયા હતા. તેઓ આ પહેલાં કોરિયા કમાન્ડર સહિતની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. નૌકાદળ સંચાલનમાં તેઓ વિવિધ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. બે કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપનું નેતૃત્વ પણ સંભાળી ચુક્યા છે. વર્ષ 2022માં તેઓ નૌકાદળના વાઇસ એડમિરલ બન્યાં હતાં. પ્રમુખ બાઇડેને આ પસંદગી અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે લીઝા ફ્રાન્ચેટી તેમની કારકિર્દી દરમિયાન સૈન્ય સંચાલન અને નીતિ એમ બંને મોરચે નિષ્ણાત જ્ઞાનનું પ્રદર્શન કરી ચૂક્યા છે. અમેરિકી નૌકાદળમાં ફોર સ્ટાર એડમિરલ પદ ધરાવતા લીઝા ફ્રાન્સેટીવ બીજા મહિલા છે. હવે નૌકાદળના વડા અને જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના રૂપમાં સેવા આપીને તેઓ નવો ઇતિહાસ સર્જશે.