પાંચ બાળકોની ૩૭ વર્ષીય સિંગલ માતા અસિમા નઝિરને જીવનમાં પરિવર્તન લાવનારી મિલેનિયમ પોઈન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કોલરશિપની વિજેતા જાહેર કરવામાં આવી છે. હવે તેઓ પૂર્ણ ભંડોળ સાથે બર્મિંગહામ સિટી યુનિવર્સિટી (BCU)માં અંડરગ્રેજ્યુએટ ડીગ્રી માટે અભ્યાસ કરશે. હાલ ડડલી કોલેજમાં સોશિયલ સાયન્સ એન્ડ હ્યમેનિટીઝનો અભ્યાસ કરતી અસિમાનું લક્ષ્ય BCUમાં પ્લાનિંગની ડીગ્રી હાંસલ કરવાનું છે.
અસિમા નઝિરે ‘ગુજરાત સમાચાર’ - Asian Voice સાથેની ખાસ મુલાકાતમાં પોતાના અભ્યાસ, સ્કોલરશિપ અને ભાવિ યોજના વિશે વાતચીત કરી હતી. અસિમાએ ડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો તે પહેલા ૧૨ વર્ષ સુધી લોકલ પ્લાનિંગ ઓથોરિટીમાં કામ કર્યું હતું. તેમણે બિઝનેસ પણ શરૂ કર્યો હતો પરંતુ, બે નાના બાળકોના ઉછેર માટે ધંધો છોડી દીધો હતો. વેસ્ટ મિડલેન્ડ્સમાંથી મંગાલાયેલી અરજીઓની સ્પર્ધા પછી ફાઈનલમાં આવેલી અસિમાને પાંચ જજીસની પેનલ સમક્ષ પ્રેઝન્ટેશન પછી મિલેનિયમ પોઈન્ટ ટ્રસ્ટ સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવી હતી. સાતમા વર્ષમાં આવેલી આ સ્કોલરશિપ દ્વારા છ યુવા વ્યક્તિઓને તેમની ડીગ્રી માટે ભંડોળ અપાયું છે.
અસિમાને વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિઅરીંગ અને મેથ્સ (STEM)ના અભ્યાસ માટે પ્રોત્સાહત આપતા UCAS ઈમેઈલ્સ થકી સ્કોલરશિપ વિશે જાણકારી મળી હતી. સ્કોલરશિપ જીતવાની તૈયારી વિશે અસિમાએ જણાવ્યું હતું કે,‘તમારે જે કોર્સ કરવો હોય તેના વિશે હોંશ અને લક્ષ્ય આવશ્યક છે. જજીસ તમારી ભાવિ મહેચ્છા જાણવા તત્પર હોય છે. જરા પણ તણાવ રાખ્યા વિના સમગ્ર પ્રક્રિયાનો આનંદ માણો કારણકે ગુમાવવાનું કશું જ નથી પરંતુ, મેળવવાનું ઘણું છે.’
મોટી વયે અભ્યાસક્ષેત્રે પાછી ફરતી તમારાં જેવી મહિલાઓ માટે જીવનમાં સંતુલન મેળવવાં શું સલાહ આપશો તે બાબતે અસિમાએ કહ્યું હતું કે,‘ શિક્ષણ મેળવવા કદી મોડું હોતું નથી. એજ્યુકેશન આપણા વિકાસમાં મદદ કરી તકો માટે માર્ગ મોકળો બનાવે છે. હું ડીગ્રી મેળવવા ઈચ્છું છું જેથી સારી નોકરી અને કારકિર્દી થકી બાળકોને સપોર્ટ કરી શકું. તમારાં જીવનનું પરિવર્તન તમારાં પરિવારનું જીવન બદલી નાખે છે.’ અસિમાએ કહ્યું હતું, ‘મારાં પરિવારે અભ્યાસમાં આગળ વધવા ઘણું પ્રોત્સાહન આપ્યું છે. હું પરિવાર અને અભ્યાસ વચ્ચે તાલમેલ ગોઠવું છું તેનો મારાં પરિવારને ગર્વ છે.
આ સ્કોલરશિપ મહિલાઓની કારકિર્દીમાં શું પરિવર્તન લાવી શકે અને પાંચ વર્ષ પછી કયું સ્થાન હાંસલ કરવા માંગો છો તે પ્રશ્નના ઉત્તરમાં અસિમાએ જણાવ્યું હતું કે,‘વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે તે માટે તેમનો નાણાકીય બોજ ઘટાડવા મિલેનિયમ પોઈન્ટ ટ્રસ્ટ આ સ્કોલરશિપ આપે છે. કોર્સ શરૂ કરતા પહેલા બચત કરવી અથવા અભ્યાસ પછી તેની પુનઃ ચુકવણી કરવાની કોઈ ચિંતા રહેતી નથી.’ તેમણે કહ્યું હતું કે, ‘પાંચ વર્ષ પછી હું મારી જાતને શૈક્ષણિક રીતે મજબૂત, નાણાકીય રીતે સ્થિર અને આત્મવિશ્વાસી ટાઉન પ્લાનર તરીકે નિહાળવાં ઈચ્છું છું. સખત મહેનત કરે તેઓ મુશ્કેલ સમયનો સામનો કરી બહાર આવી જાય છે. જો નિર્ધાર હશે તો તક આવી મળશે અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સજ્જ હોઈશું તો આ તક આપણું ભવિષ્ય બનાવી દેશે.’