પાકિસ્તાની અને હવે ભારતીય સ્ત્રીએ ૭૦૦ને નાગરિકત્વ અપાવ્યું

Friday 24th April 2020 08:38 EDT
 
 

અમદાવાદઃ ૧૯૯૦ના રામ મંદિર આંદોલનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવેલી મહિલા ડિમ્પલ વરિન્દાનીને ભારતની નાગરિકતા મેળવતાં ૨૬ વર્ષ લાગ્યાં હતાં. ૨૦૧૬ના અંતમાં ભારતની નાગરિકતા મેળવ્યા પછી આ મહિલાએ ફેબ્રુઆરી ૨૦૧૭માં પાકિસ્તાનથી આવેલા લોકોને મદદ માટે હેલ્પિંગ હેન્ડ્સ નામનું ટ્રસ્ટ શરૂ કર્યું અને આજ દિન સુધી વિસ્થાપિતો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના ૭૦૦થી વધુ લોકોને ભારતની નાગરિકતા અપાવી છે.
ડિમ્પલે જણાવ્યું કે, અમદાવાદમાં સૌથી વધુ વિસ્થાપિતો સરદાનગરમાં છે. એ પછી કુબેરનગર, નરોડા, ઠક્કરબાપાનગરમાં વિસ્થાપિતો છે. ૧૯૯૯માં તેણે ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પતિ દુબઈમાં નોકરી કરતો હોવાથી તેણે ભારતની નાગરિકતા માટે ૨૦૦૬માં દુબઈ ભારતના દૂતાવાસમાં અરજી કરી હતી, જે રિજેક્ટ થઈ હતી. ત્યારબાદ ફરી ૨૦૦૮માં અમદાવાદ કલેક્ટર ઓફિસમાં અરજી કરી હતી તે પણ ફગાવી દેવાઈ હતી. ૨૦૧૦માં તેણે અમદાવાદમાં સ્થાયી થયા પછી ૨૦૧૪માં નાગરિકતા માટે આવેદન કર્યું હતું. જેમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા ૨૦૧૬ના અંતમાં તેને ભારતની નાગરિકતા અપાઈ હતી.
સીએએ પછી શરણાર્થીને ૬ વર્ષમાં નાગરિકતા
સીએએના નવા નિયમ અંગે વરિન્દાનીએ જણાવ્યું કે, અત્યાર સુધી વ્યક્તિ ૧૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી દેશમાં રહ્યો હોય તેને જ નાગરિકતા મળતી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ શરણાર્થી ૬ વર્ષ બાદ પણ નાગરિકતા મેળવી શકશે. જો કોઈ શરણાર્થી ભારતીય નાગરિક સાથે લગ્ન કરે તો તેને ૭ વર્ષ બાદ પણ નાગરિકતા મળશે.
દર મહિને ૩૦૦ લોકો મદદ માટે આવે છે
વરિન્દાનીએ જણાવ્યું કે, તેની પાસે મદદ માટે દર મહિને ૩૦૦ જેટલા લોકો આવે છે. જેમાં લોંગ ટર્મ વિઝા તેમજ નાગરિકતા પ્રમાણ પત્ર માટે કઈ રીતે ફોર્મ ભરવું, કેટલી ફી ભરવી જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter