પાટડી: આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બનીને ચાંદ સુધી પહોંચવા સક્ષમ બની છે ત્યારે અતિ પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની આ વાત સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. પાટડીના વતની એવા દલિત પરિવારની પુત્રવધુએ સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનીને રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કરવાની સાથે રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના દલિત આગેવાન હિરાલાલ ચૌહાણ વર્ષો પહેલાં વિરમગામ કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા હતા. એમના ૩ દીકરાઓમાં સૌથી નાના પુત્ર દિનેશ ચૌહાણના લગ્ન જામનગરની યુવતી કૌશલ્યા વાઘેલા સાથે કોલેજકાળ દરમિયાન થયા હતા. તેઓ છેલ્લા ૩૫-૪૦ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.
ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઇવર તરીકે ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ ચૌહાણના પત્નિ કૌશલ્યાબહેને ઓસ્ટ્રેલિયામાં માસ્ટર્સ ઓફ એપ્લાયડનો અભ્યાસ કરતા કરતા તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનીને કાંગારુઓના દેશમાં ઝાલાવાડની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધારી પછાત રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું છે.
પિતાએ બુટપોલિશ કરી જીવન ગુજાર્યુંઃ કૌશલ્યા
કૌશલ્યાબહેને એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં સાંસદ તરીકે ચૂંટાનારી હું પ્રથમ હિન્દુ ભારતીય મહિલા સાંસદ છું. મારા પિતા વિરજીભાઇ વાઘેલા છ વર્ષના હતા ત્યારે એમના માતા મૃત્યુ પામ્યાં હતા. શરૂમાં એમણે બુટપોલીશ કરી જીવન ગુજાર્યું હતું. એમને ખબર હતી કે સારું ભવિષ્ય બનાવવા ભણવુ જ પડશે. આગળ ભણીને તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા હતા અને પછી તેઓ વકીલ બન્યા હતા. મારા માતા-પિતા હંમેશા એવું વિચારતા કે, દીકરીઓને ભણાવો તો એ આગળ આવી શકે. જામનગરમાં જ મારો જન્મ થયો અને ત્યાં જ સારી સ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ સાથે બીએસસીનો અભ્યાસ કર્યો. આ પછી એમએસસીના પ્રથમ વર્ષમાં પાટડીના દિનેશ ચૌહાણના પરિચયમાં આવ્યા બાદ એમણે મને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આજે મારા લગ્નને ૨૬ વર્ષ પુરા થઇ ગયા. અમે સાડા ત્રણ વર્ષની દીકરીને મારા માતા-પિતા પાસે ઇન્ડિયા મુકીને ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાં મારા પતિ સ્પાઉસ વિઝામાં હતા. ઓસ્ટ્રેલિયામાં હું દિવસે ભણતી અને સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે જોબ કરતી હતી, જ્યારે મારા પતિ ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઇવ કરતા હતા.