ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના પગરણે હલચલ મચાવી છે. પક્ષે હીરાનગરી સુરતમાં ૨૭ બેઠકો જીતીને સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજેતા ઉમેદવારોની યાદીમાં એક નામ છે પાયલ પટેલનું. માત્ર ૨૨ વર્ષની આ યુવતીનો જ્વલંત વિજય અખબારોમાં છવાયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્ણા પશ્ચિમ વોર્ડ નં. ૧૬માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાયલ પટેલ કહે છે કે રાજકારણમાં સક્રિય થવાનો નિર્ણય કર્યો ત્યારે મિત્રો-પરિચિતો કહેતા કે ‘રાજકારણ ગંદું છે અને તું કંઈ નહીં કરી શકે. લોકો મને કહેતા કે રાજકારણમાં જવાની તારી ઉંમર નથી.’
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની પાયલ પટેલ મોડેલ-અભિનેત્રી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ કહે છે કે ‘મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી પણ લોકડાઉનમાં જ્યારે લોકોની તકલીફો જોઈ ત્યારે એમ થયું કે ઘણું બધું બદલવાની જરૂર છે. અમે લોકડાઉન સમયે ફી-માફી માટે પ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે અમારી અટકાયત કરી હતી. ત્યારે પ્રશ્ન થયો કે શું વિરોધ કરવાનો પણ લોકોને અધિકાર નથી?’ બસ આ વિચારે તેમને રાજકારણમાં સક્રિય થવા માટે પ્રેર્યા.
‘સામાજિક મુદ્દામાં હું પહેલાંથી રસ ધરાવતી હતી પણ લોકડાઉનમાં જ્યારે લોકો ફી-માફીની વાત કરીને ગળગળા થતાં ત્યારે એમ થયું કે જો બદલાવ લાવવો હોય તો સિસ્ટમમાં આવવું પડશે.’ પાયલના પિતા વેપારી છે અને માતા ગૃહિણી છે. એ સિવાય પાયલના પરિવારમાં તેમનાં દાદી અને નાના ભાઈઓ છે જે અભ્યાસ કરે છે.
પાયલબહેન કહે છે કે હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું અને મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી. જ્યારે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું ત્યારે કેટલાય લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે તેઓ આટલી નાની ઉંમરે રાજકારણમાં કેમ જાય છે? તેઓ કહે છે, ‘જ્યારે મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું ત્યારે લોકો કહેતા કે આ તારી ઉંમર નથી રાજકારણમાં જવાની. સગાં-સંબંધીઓ કહેતા કે રાજકારણ ગંદું હોય છે. આટલી યુવાન છોકરી માટે રાજકારણ એ સુરક્ષિત નથી. જોકે આવા પ્રશ્નો સામે લડવા માટે મારાં માતાએ મને હિંમત આપી.’
પાયલ કહે છે કે રાજકારણ જ નહીં પણ મોડેલિંગ અને એક્ટિંગમાં કારકિર્દી બનાવવા અંગે પણ લોકો સવાલો કરતા હતા. છોકરી હોવાને કારણે આ પ્રશ્નોનો સામનો મારે પણ કરવો પડ્યો હતો. જોકે મને મારાં માતાએ પ્રોત્સાહિત કરી હતી. હું ચૂંટણી લડી શકી તેમાં મારાં માતાનો ટેકો મળ્યો એ ખૂબ મહત્ત્વપૂર્ણ હતું.
પાયલે અભિનયક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. તેમનાં માતા મંજુ સાકરિયા એક વેબપોર્ટલને જણાવ્યા પ્રમાણે, સમાજમાં જે લોકો છોકરીઓના આગળ વધવા સામે પ્રશ્નો ઊભા કરે તેમણે સમજવું છોકરીઓ હવે ચંદ્ર પર જવા લાગી છે અને છોકરીઓને આગળ વધવા દેવી જોઈએ. પાયલ સાથે પ્રચારમાં હું દરરોજ જતી. અમને ગર્વ છે કે તે સારા ઉદ્દેશ સાથે કામ કરી રહી છે.
અભિનય અને મોડેલિંગમાં કમાણી સારી હોવાનું સ્વીકારતાં પાયલ જણાવે છે કે લોકડાઉનમાં લોકોની જે મુશ્કેલીઓ જોતાં તેમને લાગ્યું હતું કે તેઓ મોડેલિંગમાં કરીને સમાજમાં લોકોની મુશ્કેલીઓ દૂર નહીં કરી શકે.
આથી લોકડાઉન બાદ પાયલ આમ આદમી પાર્ટીમાં જોડાયાં. રાજકારણમાં યુવાનોની ભાગીદારી વિશે તેમનું માનવું છે, યુવાનોને રાજકારણમાં અવસર આપવામાં આવતો નથી. રાજકારણમાં યુવાનોના પ્રવેશ વિશે વાત કરતાં પાયલ ગુજરાતના પાટીદાર આંદોલનનો દાખલો આપે છે. તેમનું કહેવું છે કે પાટીદાર આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને તેને પગલે પરિવર્તન આવ્યું. સરકારે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી હતી.
તેમનું કહેવું છે કે મને લાગ્યું કે સામાન્ય વ્યક્તિને કોઈ કામ કરાવવું હોય તો તેનો રસ્તો બહુ સરળ નથી હોતો. ગુજરાતમાં અનેક એવી સમસ્યાઓ છે. મારા ક્ષેત્રની વાત કરું તો ખાડીનો પ્રશ્ન લગભગ ૨૦ વર્ષથી છે. ગંદકી અને મચ્છરની ભયંકર સમસ્યાઓ છે. લોકોએ એક-એક દિવસમાં ૨૦૦ જેટલાં નિવેદનો આપ્યાં છે પણ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. હું આ પ્રકારના તંત્રમાં પરિવર્તન લાવવા માગું છું.’ તેઓ શિક્ષણ, આરોગ્ય અને રોજ લોકોના રોજિંદા પ્રશ્નોના ઉકેલની વાત કરે છે. તેઓ કહે છે કે સુરતની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવાની જરૂર છે. પાયલ જણાવે છે કે તેમણે કોલેજનું ભણતર અધુરૂં મૂકી દીધું હતું પરંતુ તેઓ હવે પોતાનું ભણતર પુરું કરશે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૭ ઉમેદવારોની જીત થઈ છે, તો ભાજપનો ૯૩ બેઠકો પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો તો સમૂળગો સફાયો થઈ ગયો છે.