નવી દિલ્હી: આયેશા અલ મંસૂરીએ યુએઈની પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન બનીને ઈતિહાસ બનાવ્યો છે. એતિહાદ એરલાઈન્સ સાથે પાઇલટ તરીકે જોડાયેલી 33 વર્ષની આયેશા સુપર જમ્બો પેસેન્જર એરક્રાફ્ટનું સુકાન સંભાળશે.
યુએઈની મહિલા પાઇલટ આયેશા અલ મંસૂરીએ પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન બનીને ઈતિહાસ બનાવ્યો છે. સુપર જમ્બો પેસેન્જર એરક્રાફ્ટ એરબસ એ-380 ઉડાવીને રેકોર્ડ બનાવનારી આયેશાએ કેપ્ટન રેન્ક મેળવીને યુએઈના સિવિલ એવિએશનમાં નવો ઈતિહાસ રચ્યો છે. 2007માં આયેશા એતિહાદ એરલાઈન્સમાં પાઇલટ તરીકે જોડાઈ હતી.
કેપ્ટન રેન્કનું પ્રમોશન મળ્યા પછી આયેશાએ એરલાઈન્સનો આભાર માનતા કહ્યું હતું કે એરલાઈન્સે એક નવી જવાબદારી સોંપી હોવાથી હું ખૂબ જ ઉત્સાહી છે. તાલીમ દરમિયાન નિષ્ણાતોની સલાહ મળી તે ખૂબ જ ઉપયોગી નીવડી છે. તમામના સહકાર બદલ આભાર. એતિહાદ એરલાઈન્સ ઉપરાંત યુએઈની પ્રથમ મહિલા કેપ્ટન બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે એ બદલ ગૌરવ અનુભવું છું. મને તક મળી છે તેનાથી આ ક્ષેત્રમાં યુવતીઓને આગળ વધવાની પ્રેરણા મળશે.
2007માં એતિહાદ પાઇલટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયેલી આયેશાએ 2010માં તાલીમ પૂરી કર્યા બાદ પ્રથમ વખત કમર્શિયલ વિમાન ઉડાવ્યું હતું. તેના ફ્લાઈંગ અવર્સને ધ્યાનમાં રાખીને તેમજ ખાસ તાલીમ આપીને એરલાઈન્સે તેને કેપ્ટનનું પ્રમોશન આપ્યું છે.