યુવતી હંમેશાં સ્ટાઇલિંગ લુક અપનાવવા ઇચ્છે છે. દરેક યુવતી પાસે દરેક સિઝન અથવા ઓકેઝન માટે સ્ટાઇલિશ ઓપ્શન હોય છે. તેથી તેઓ અલગ અલગ પ્રકારના શૂઝને ટ્રાય કરે છે. એમાં યુવતીઓની પહેલી પસંદ લોફર છે. તેને અલગ અલગ રીતે દરેક ડ્રેસની સાથે પેર કરી શકાય છે. લોફર બહુ જ વર્સેટાઇલ ફૂટવેર છે, જેને અલગ અલગ ઓકેઝન પર સરળતાથી પહેરી શકાય છે. લોફરને કઈ રીતે પહેરીને સ્ટાઇલિશ લાગી શકાય એ અંગે જાણીએ.
• આઉટિંગ પરઃ આઉટિંગ માટે તમે ક્યાંક બહાર જવા ઇચ્છો છો તો બ્લેક ટોપની સાથે પ્લેટ સ્કર્ટને સ્ટાઇલ કરો. આ લુકને વધારે ખાસ બનાવવા માટે લોન્ગ પેન્ડન્ટ પણ પહેરી શકો છો.
• ઓફિસ વેરઃ તમે જ્યારે બિઝનેસ કે ઓફિસમાં કેઝ્યુઅલ વેર પહેરવા ઇચ્છો છો તો લોફરને તમે તમારી પસંદમાં સામેલ કરી શકો છો. લોફરને યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં આવે તો તમને પ્રોફેશનલ અને કમ્ફર્ટેબલ લુક આપે છે. બિઝનેસ કેઝ્યુઅલ વેરમાં તમે સ્કિન જિન્સની સાથે એક સોલિડ ટી શર્ટ અને એક લાંબો ઓવરકોટ પહેરી શકો છો. એક્સેસરીઝમાં વોચ અને હેન્ડબેગ તમારા લુકને સ્માર્ટલી કમ્પ્લિટ કરશે. મેકઅપને લાઇટ જ રાખો.
• કેઝ્યુઅલ્સ ડ્રેસઃ તમે કેઝ્યુઅલ્સ ડ્રેસમાં બહાર ફરવા ઇચ્છો છો તો તમે તમારા શૂ રેકમાં લોફરને અવશ્ય સ્થાન આપો. જોકે કેઝ્યુઅલ્સમાં લોફર્સને સ્ટાઇલ કરવાની સૌથી સરળ રીત એ છે કે તમે ટી શર્ટ સાથે જિન્સને પેર કરો. તમારા આ લુકને સ્ટનિંગ બનાવવા માટે બ્રેસલેટ પહેરી શકો છો. કેઝ્યુઅલ્સમાં તમે સ્કિન જિન્સથી લઇને રિપ્ડ જિન્સ પહેરી શકો છો.
• સ્ટ્રીટ લુકઃ લોફરને તમે વધારે સ્ટાઇલિંગ લુક આપવા ઇચ્છો છો તો તમે એને સ્ટ્રીટ લુકમાં ટ્રાય કરો. લોફરને તમે સરળતાથી બ્લેક લેધર જેકેટ અને સ્વેટ પેન્ટ્સની સાથે પહેરો. લુકને વધારે સ્ટાઇલિશ બનાવવા ઇચ્છતા હો તો રેડ અથવા બ્રાઉન કલરના લોફરની પસંદગી કરો. એનિમલ પ્રિન્ટ લોફર્સ પણ તમારી સ્ટાઇલને સ્ટનિંગ બનાવી દેશે.
• પાર્ટી વેરઃ પાર્ટીમાં કંઈક યુનિક ટ્રાય કરવા ઇચ્છો છો તો હિલ્સ ઉપરાંત લોફરને પણ ઓપ્શનમાં રાખી શકો છો. એમાં તમે ટી શર્ટની સાથે સ્કર્ટ પહેરો. લુકને કમ્પ્લિટ કરવા માટે સીક્વન્સ જેકેટનું લેયરિંગ કરો. ફૂટવેરમાં તમે લોફર્સને પહેરો, એમાં કલર કોન્ટ્રાસ્ટિંગ કરી શકો છો અને તમારા લુકને ખાસ બનાવી શકો છો.
લોફરમાં પ્લેનથી માંડી પ્રિન્ટેડ એમ અનેકવિધ વેરાઇટી ઉપલબ્ધ છે. તમારા આઉટફિટ સાથે શૂટ થાય અને પહેરવામાં કમ્ફર્ટેબલ હોય એવા લોફરની પસંદગી કરી છવાઈ જાવ.