રાજકોટ નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. કિન્નરીબાએ પોતાના ઘરમાં ૫૦૦ પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે, વાંચનના શોખથી જાડેજા પરિવારની આ દીકરી પાસે સમજણ અને શબ્દ ભંડોળનો જાણે ખજાનો તૈયાર થયો. કિન્નરીબાના વાંચન શોખે તેમને એક સારા વક્તા પણ બનાવ્યા. એકાદ વર્ષ પૂર્વે કિન્નરીબાની સગાઇ વડોદરાના ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થઇ, એક દિવસે કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કે, મને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પુત્રીની ઇચ્છા તો પૂરી કરવી જ હતી પરંતુ પુસ્તકપ્રેમી પુત્રી આશ્ચર્યચકિત થઇ જાય તેટલા અને તેવા પુસ્તકો આપવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો.
શિક્ષક હરદેવસિંહે દીકરીને કેવા પુસ્તકો આપવા તેની યાદી તૈયાર કરી અને છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગલુરુ સહિતના શહેરોમાં ફરી પુત્રીના કરિયાવર માટે ૨૨૦૦ પુસ્તકો એકત્રિત કર્યા. હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહર્ષિ વેદ વ્યાસથી લઇ પ્રવર્તમાન લેખકોના અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના પુસ્તકો તેમણે ખરીદ કર્યાં છે જેમાં કુરાન, બાઇબલ અને ૧૮ પુરાણ સહિતના પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.