પૂણે: છેલ્લા ૧૪ વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર ૩૫ દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. ૩૬ વર્ષની મારલ હાલ યુરોપના કુદરતી સૌંદર્યનો આનંદ લઇ રહી છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે, પણ ૨૦૦૪માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે અહીં જ સ્થાયી થઇ ગઇ. પછી તો તેણે પૂણે યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં પીએચ.ડી. કર્યું. ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી, પણ તેને ૯થી ૫ની રૂટિન જોબ કરવામાં જરાય રસ નહોતો. તેથી એક દિવસ તે બેગ પેક કરીને બાઇક પર દુનિયા ફરવા નીકળી પડી. બાઇક પર તે અત્યાર સુધીમાં ૫ ખંડના ૩૫ દેશોનો પ્રવાસ કરી ચૂકી છે અને હાર્લી-ડેવિડસન, ડુકાતી અને બીએમડબલ્યુની સુપરબાઇક્સની માલિકણ પણ છે. મારલ પૂણેમાં ભણતી હતી ત્યારે રોડ ટ્રીપ દરમિયાન ફ્રેન્ડ્સ સાથે બાઇક ચલાવતા શીખી હતી. એ પછી તેના ફ્રેન્ડ્સે તેને બાઇક ચલાવવા પ્રેરિત કરી હતી. બાઇક પર દુનિયા ફરવા દરમિયાન થતા અનુભવો તે બ્લોગ પર શેર પણ કરે છે. તે બાઇક પર અત્યાર સુધીમાં ભુટાન, દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકાનો પ્રવાસ કરી ચૂકી છે.