૬૦ વર્ષની સ્વરૂપ સંપટ ક્યારેક મહારાષ્ટ્રના કોઈ પછાત ગામના બાળકોને ભણાવે છે તો ક્યારેક મુંબઈની એલિટ સ્કૂલના બાળકોને લાઈફ સ્કિલ એજ્યુકેશન આપે છે. તેઓ પારંપરિક રીતે ભણાવતાં નાટક, ગીત, સંગીત, ચિત્રકળા, જૂથ ચર્ચા કરે છે. સેટેલાઈટથી ગુજરાતની અઢી લાખ પ્રાઇમરી સ્કૂલનાં ટીચર્સને તેઓ ટ્રેનિંગ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના ૫.૫ લાખ સરકારી ટીચર્સને ટ્રેનિંગ આપે છે. સ્વરૂપના પિતા બચુભાઈ સંપત ગુજરાતી રંગમંચના આર્ટિસ્ટ હતા. માતા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હતાં. સ્વરૂપ પણ થિયેટર કરતાંં. ૧૯૭૯માં તેઓ મિસ ઈન્ડિયા બન્યાં પછી મોડલિંગ અને એક્ટિંગ કરતાં. ૧૯૮૭માં સ્વરૂપનાં લગ્ન અભિનેતા પરેશ રાવલ સાથે થયાં. લગ્ન પછી તેઓ માતા બન્યાં. ૩૭ વર્ષની વયે સ્વરૂપે ફરી ભણવાનું નક્કી કર્યું.
કોલેજ ડ્રોપઆઉટ સ્વરૂપે ૨૦૧૦માં અન્નામલાઈ યુનિ.માંથી અંગ્રેજી લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એ પછી ઇંગ્લેન્ડની વોસેસ્ટર યુનિ.માંથી પીએચડી કર્યું. જેમાં થિસિસનો વિષય બાળકોમાં ડ્રામાના માધ્યમથી લાઇફ સ્કિલ્સ ભણાવવાનો હતો. સ્વરૂપને ટિચિંગમાં પ્રવેશની પ્રેરણા તેમનાં બાળકોને જોઈને મળી. તેમણે જોયું કે તેમના પુત્રો સ્કૂલેથી આવતા તો તણાવમાં દેખાતા. સ્વરૂપ કહે છે, સ્કૂલના સિલેબસ કે એજ્યુકેશન બોર્ડમાં ખામી નથી, પણ જેવી રીતે ભણાવાય છે તે ચિંતાજનક સાબિત થાય છે. બાળકોને નાની વયે તણાવગ્રસ્ત જોઈ સ્વરૂપ ટિચિંગ માટે પ્રેરાયા. તેમના મનમાં ભણતરની રીત બદલવાનો વિચાર આવ્યો.