મુંબઇઃ ભારતની વેદાંગી કુલકર્ણી સાઇકલ પર દુનિયાનું ચક્કર લગાવનારી એશિયાની સૌથી ઝડપી સાઇક્લિસ્ટ બની છે. ૨૦ વર્ષની વેદાંગીએ માત્ર ૧૫૯ દિવસમાં ૨૯,૦૦૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું છે.
પૂણેની સાઇક્લિસ્ટે રવિવારે કોલકતામાં વહેલી પરોઢે પ્રવેશ કરીને સાઇક્લિંગ કરીને ૨૯ હજાર કિલોમીટરના અંતરનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રેકોર્ડ બનાવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ચા પીતો એક ફોટો શેર કરતાં લખ્યું હતુંઃ હવે હું કહી શકું છું કે દુનિયામાં ૨૯,૦૦૦ કિ.મી. સાઇક્લિંગ કરવું મારા માટે ડાબા હાથની રમત છે. હવે અહીંથી પર્થ (ઓસ્ટ્રેલિયા) જઈશ અને સત્તાવાર રીતે મારી રેસ પૂરી કરીશ.’ વેદાંગીએ આ વર્ષે જુલાઈમાં પર્થથી રેસ શરૂ કરી હતી.
રેસ પૂરી કર્યા બાદ વેદાંગીએ કહ્યું, ‘મેં ૧૪ દેશોનો પ્રવાસ કર્યો. ૧૫૯ દિવસ સુધી રોજ લગભગ ૩૦૦ કિ.મી. સાઇકલ ચલાવતી હતી. આ દરમિયાન મેં અનેક અનુભવ મેળવ્યા. કેનેડામાં મારી પાછળ રિંછ પડ્યું હતું. રશિયામાં તો ઠંડી રાતો ટેન્ટમાં વીતાવવી પડી. સ્પેનમાં ચાકુની અણીએ મને લૂંટી લેવામાં આવી. અનેક વખત વીઝાની પણ સમસ્યા થઈ. તેનાથી રેસ પણ વિલંબમાં મુકાઈ.’
વેદાંગી બ્રિટનની યુનિવર્સિટી ઓફ બોર્નમાઉથમાં સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તેણે કહ્યું, ‘મેં ૧૭ વર્ષની વયે સાઇક્લિંગ શરૂ કર્યું. આ રેસ માટે મેં બે વર્ષ પહેલાથી તૈયારી શરૂ કરી હતી. રેસ માટે સ્પેશ્યિલ સાઇકલ બનાવડાવી. રૂટ અને ટાઈમનું આયોજન પણન કર્યું.’ વેદાંગીએ ૮૦ ટકા રેસ તો એકલાએ જ પરી કરી. તેમાં તેની સાથે લગેજ, સાઇકલ ટૂલ, કેમ્પિંગનો સામાન તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ હતી. વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થથી સાઇક્લિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બ્રિસ્બબેનથી વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ) ગઈ. પછી કેનેડા, આઇલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને રશિયા સુધી સાઇક્લિંગ કર્યું. રશિયાથી તે ભારત આવી અને અહીં તેણે ૪૦૦૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું. તેણે માઇનસ ૨૦ ડિગ્રીમાં અને ૩૭ ડિગ્રીમાં પણ સાઇક્લિંગ કર્યું.
વેદાંગીના પિતા વિવેક કુલકર્ણીએ જણાવ્યું હતું, ‘દુનિયામાં કેટલાક લોકોએ જ આ મુશ્કેલ પડકારો પૂરો કર્યો છે. મારી પુત્રી દુનિયાનું ચક્કર લગાવવાની બાબતમાં સૌથી ઝડપી એશિયન છે. વેદાંગી આ પ્રવાસ દરમિયાન ૨૦ વર્ષની થઈ.’