સાડીની શોખીન બહેનોના વોર્ડરોબમાં એક પૈઠણી સાડી ન હોય એવું બની શકે જ નહીં. કેટલાય એવા પરિવારો છે જેમને ત્યાં પૈઠણી સાડી વિના લગ્નની ખરીદી અધૂરી રહી જાય. પૈઠણી એ સાડી છે જેને મહારાષ્ટ્રના યેવલા ગામના કારીગરો જ માત્ર બનાવે છે. ભારતીય કલાકૃતિની શાખ પૂરતી આ સાડી પાટણના પટોળાની જેમ કારીગરોના હાથથી બનેલી કલાકૃતિ છે. હાથેથી તાણાવાણા વણીને બનાવાતી હોવાથી આ સાડી લૂમ પર બનતી સાડીઓ કરતાં સ્વાભાવિકપણે જ ઘણી મોંઘી બને છે.
અસલી પૈઠણી સાડી મોંઘી હોવાના કારણે અને એના જેવી સાડીઓ લૂમ પર ઓછી કિંમતમાં બનતી હોવાના કારણે એક સમયે સાડીની કલા મરણપથારીએ હતી. જોકે આ સાડી અને એના કારીગરોને બચાવવા માટે ૨૫ વર્ષ પહેલાં ન્યૂ વેવ પૈઠણી નામે એક ગ્રૂપ બન્યું, જેણે જુદાં-જુદાં શહેરોમાં એક્ઝિબિશન યોજીને સાડીનું ડાયરેક્ટ માર્કેટિંગ કર્યું. અસલ પૈઠણી સાડી અને તેની હસ્તકલા-કારીગીરીને બચાવવા માટે શરૂ થયેલા પ્રયાસો રંગ લાવ્યા છે. પૈઠણી સાડી બનાવનારા કારીગરોને - ઊંચી કિંમત છતાં - મોટી સંખ્યામાં ઓર્ડર્સ મળી રહ્યા છે.
પૈઠણી સાડીને જીવંત રાખવા છવીસ વર્ષથી પ્રયત્નશીલ ન્યૂ વેવ પૈઠણી દ્વારા ગત વર્ષે યોજાયેલા પૈઠણી ફેસ્ટિવલમાં સાડા સાત હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જુદા-જુદા પ્રકારની ૨૫૦થી વધુ સાડીઓ ડિસ્પ્લે થઈ હતી. કસ્ટમાઇઝ્ડ સાડીઓ જેમાં સોના અને ચાંદીના તારનો વણાટ હોય છે એ સાડીઓની કિંમત લાખોમાં જાય છે. જોકે મોટા ભાગના લોકોને ખબર નથી કે રિયલ પૈઠણીને કેવી રીતે ઓળખવી, કારણ કે આજકાલ ડુપ્લિકેટ સાડીઓ બહુ સસ્તામાં મળે છે.
પૈઠણી એટલે શું?
પૈઠણી મહારાષ્ટ્રની ૨૦૦૦ વર્ષ જૂની ટ્રેડિશનલ સાડી છે. આ સાડીની ડિઝાઇન અને વીવિંગ મેથડ જ એને બીજાથી અલગ પાડે છે. આ એક સાડી બનાવતાં એક કારીગરને લગભગ એક વર્ષ લાગે છે. બારીક મહેનત અને લાંબા સમયના કારણે જ સાડીની પ્રાઇસ ઘણી ઊંચી હોય છે. જ્યારે લૂમ પર બનતી નકલી સાડીઓ રિયલ પૈઠણીથી પ્રાઇસમાં ઘણી ઓછી અને દેખાવમાં વધુ ચમકવાળી હોય છે. લોકોને ખબર જ હોતી નથી કે રિયલ પૈઠણી એટલે શું આથી નકલી સાડીઓ વધુ વેચાઈ જાય છે.
રિયલની ઓળખ કેવી રીતે કરશો?
રિયલ પૈઠણીમાં સાડીની ડિઝાઇન જેવી આગળ છે એવી જ પાછળ હોય છે, જે એના કલાકારોની કારીગરી છે. સાડીની બોર્ડર પર અને અંદરના મોર, પોપટ-મેના, હુમા-પરિંદા, કમળ, અનાર ફૂલ, ચાંદ, તારા, પાંખડીઓ, પંખા વગેરે જેવા મોટિફ આગળ દેખાય એવા જ પાછળ પણ દેખાય છે. એમાં ધાગા વગેરે કંઈ નથી દેખાતું. આ એક સરળ પરીક્ષણથી કોઈ પણ વ્યક્તિ રિયલ પૈઠણીને ઓળખી શકે છે.
પૈઠણી સાડીમાં એનો પલ્લુ ડિઝાઇન વગેરેમાં અલગ પડે, પણ વણાટમાં એ અલગ ન હોય. સાડી જેવો જ ફ્લેટ હોય, અટેચ કર્યો હોય એવું ન લાગે.
પૈઠણીમાં મોટિફ જ નહીં, બુટ્ટાની ડિઝાઇન પણ આગળ-પાછળ એકસરખી હોય છે. પૈઠણીની બોર્ડરના તાણાવાણા સાડીના તાણાવાણા સાથે સરખા જ ચાલે છે. બોર્ડરનો વણાટ અલગ ન હોય. બોર્ડર પણ અટેચ કરેલી ન લાગે.
પૈઠણીનું કપડું સિલ્કનું અને સ્મૂધ હોય છે. આ સિલ્કના તાણાવાણા એવી રીતે વણાયા હોય છે કે જો એના પર પ્રકાશ પડે તો એ કલાઇડોસ્કોપ ઇમેજ ઊભી કરે છે તે પણ અસલી પૈઠણીની ઓળખ આપતું મહત્ત્વનું પાસું છે.