વોશિંગ્ટનઃ જગવિખ્યાત મેગેઝિન ટાઈમ દ્વારા વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ કોનું નામ જાહેર થશે તેવી અટકળોનો અંત આવ્યો છે. આ વર્ષનું પ્રતિષ્ઠિત બિરુદ અપેક્ષા મુજબ અમેરિકી પોપસ્ટાર ટેલર સ્વિફટને મળ્યું છે. પોપ સેન્સેશન ટેલર સ્વિફ્ટે આ વર્ષે રેકોર્ડ્સની સિરીઝ બનાવી છે. મિડનાઈટ સિંગર ટેલરની સિદ્ધિઓને ધ્યાને રાખી ટાઈમ મેગેઝિને તેને વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવી છે. 33 વર્ષની સિંગર અનેક ચાર્ટમાં ટોપ રહી છે અને વર્ષ દરમિયાન સૌથી વધુ સ્ટ્રીમ થયેલી આર્ટિસ્ટ બની છે.
સ્વિફ્ટે ‘પર્સન ઓફ ધ યર’ જાહેર થતાં જ જણાવ્યુ હતું કે, આ ખૂબ ગર્વની ક્ષણ છે અને સૌથી વધારે ખુશી અનુભવાય છે. ઓક્ટોબર મહિનામાં ટેલર સ્વિફ્ટની ‘એરાસ ટુર’ બ્લોકબસ્ટર રહી હતી. આ ટુરના કારણે તેને 1.1 બિલિયન ડોલરની આવક થઈ હતી. માત્ર પોતાની મ્યૂઝિક કરિયર દ્વારા બિલિયોનર બની હોય તેવી સિદ્ધિ આર્ટિસ્ટ તરીકે ટેલર સ્વિફ્ટે મેળવી છે.
બિલબોર્ડ ચાર્ટના ટોપ-10માં સિંગર ટેલરના પાંચ આલ્બમ છે. આ સિદ્ધિ મેળવનારી પ્રથમ હયાત આર્ટિસ્ટ તરીકે ટેલર સ્વિફ્ટનું નામ જાહેર થયું છે. ટેલરના આલ્બમમાં ‘1889’ (ટેલર્સ વર્ઝન) ટોપ પર છે. ‘મિડનાઈટ’ આલ્બમ ત્રીજા સ્થાને જ્યારે ‘ફોકલોર’ પાંચમા સ્થાને છે. ‘લવર’ને છઠ્ઠું અને ‘સ્પીક નાઉ’ (ટેલર્સ વર્ઝન)ને દસમું સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં ટેલરના 13 આલ્બમ 66 અઠવાડિયા માટે ટોપ સ્પોટ પર રહી ચૂક્યા છે. આ વર્ષે ટેલર સ્વિફ્ટના ‘1989’ (ટેલર્સ વર્ઝન)ના આલ્બમ સેલ્સે રેકોર્ડ તોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પર્સન ઓફ ધ યર માટેની આ રેસમાં ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, કિંગ્સ ચાર્લ્સ તૃતીય, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન, જેરોમ પોવેલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જનક સેમ ઓલ્ટમેન, હોલિવૂડ સ્ટ્રાઇકર્સ, ટ્રમ્પ પ્રોસિક્યુટર્સ સહિતના દિગ્ગજો હતા. આ બધાને પાછળ રાખીને 33 વર્ષીય પોપસિંગરે આ ટાઇટલ મેળવ્યું છે.
ટેલર સ્વિફ્ટની વૈશ્વિક ટુર ‘એરાસ ટુર’તો સફળ રહી જ હતી, પરંતુ આ લાઇવ કોન્સર્ટની ફિલ્મે પણ ટિકિટબારી પર ટંકશાળ પાડી છે. ‘ટાઈમ’ મેગેઝિનના મતે ઓટીટી અને સ્ટ્રીમિંગના વધી રહેલા ચલણમાં પણ આ ફિલ્મો થિયેટરમાં માત્ર ચાલી જ નહીં, પરંતુ પૂરપાટ દોડી શકે છે એ દૃષ્ટાંત ટેલર સ્વિફ્ટની ફિલ્મે પૂરું પાડયું છે. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં 250 મિલિયન ડોલરનો તોતિંગ વકરો કર્યો હતો.
ટેલર સ્વિફ્ટની આ ટૂરની છેલ્લી કોન્સર્ટ આગામી વર્ષે એટલે કે 8 ડિસેમ્બર 2024ના રોજ કેનેડાના વાનકુંવરમાં યોજાશે. સ્વિફ્ટે તેના ‘1989’ અને ‘સ્પીક નાઉ’ આલ્બમ પણ આ વર્ષે ફરીથી રિલીઝ કર્યા હતા. આ બંને આલ્બમે પણ સ્ટ્રીમિંગ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી.