પોલીસ દળમાં જોડાઇ સમાજ સેવા કરવાની અનોખી તક: સાર્જન્ટ સપના પટેલ

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 13th January 2021 05:57 EST
 
બે ગૌરવવંતી ગુજરાતી મહિલાઓ : મિનિસ્ટર પ્રીતિ પટેલ સાથે સપના પટેલ.
 

આપણી યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રવેશી સમાજનું નામ ઉજ્જવળ કરી રહી છે. મિત્રો, આ સપ્તાહમાં હું આપને પોલીસ દળમાં જોડાઇ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત યુવતી સાર્જન્ટ સપના પટેલનો પરિચય કરાવું છું. સામાન્યરીતે ગુજરાતીઓ દાળ-ભાત ખાનારા એટલે પોલીસના બહાદૂરીભર્યા ક્ષેત્રમાં એમનું કામ નહિ એમ કહેવાય! પરંતુ એ માન્યતાને રદિયો આપી પોતાના ક્ષેત્રમાં સપના આગેકૂચ કરી રહી છે. સપના (૪૦)એ પોતાના સપનાને હકીકતમાં ફેરવ્યું છે.
એની કારકિર્દી અનેક ભાઇ-બહેનો માટે પ્રેરણાદાયી બની રહેશે. હાલ એમનું કાર્યક્ષેત્ર ગુજરાતીઓ/ એશિયનોને પોલીસમાં જોડાવવા માટે પ્રેરિત કરવાનું અને એના ફાયદા સમજાવવાનું તથા વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા કોમ્યુનિટીના ઉમેદવારોને રીક્રુટ કરવાનું છે. વિવિધ ભાષાઓ બોલનારા પોલીસદળમાં જોડાય તો ગુનાખોરી ડામવામાં વધુ સફળતા મળે. દા.ત. ગુજરાતીના ઘરમાં ચોરી થઇ હોય તો એમને સમજવામાં ગુજરાતી બોલનાર પોલીસ હોય તો આસાન રહે.
સમાજમાં વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવનારાઓ વચ્ચેની કડી મજબૂત બનાવવાની અગત્યની ભૂમિકા સપનાબહેન ભજવી રહ્યાં છે. નાર ગામના મૂળ વતની શ્રી પ્રકાશભાઇ અને શ્રીમતી વસુબહેનની આ દિકરી નારનું નાક છે. પ્રકાશભાઇ ટાન્ઝાનીયાથી લંડન આવી કિંગ્સ્ટન ખાતે સ્થાયી થયા છે. ૪૫ વર્ષ કોમ્બીહીલ ફાર્મસીમાં મેનેજર તરીકેની ફરજ બજાવ્યા બાદ હાલ નિવૃત્ત થયા છે. એમનાં ધર્મપત્ની વસુબહેન પણ કિંગસ્ટન હોસ્પીટલમાં થીયેટર ઇન્ચાર્જ તરીકે ૪૫ વર્ષ  ફરજ અદા કર્યા બાદ  નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.
શ્રી પ્રકાશભાઇના પિતાશ્રી છોટાભાઇ ખુશાલભાઇને ગામના પ્રથમ ગ્રેજ્યુએટ બનવાનું માન મળેલ.  એમની પૌત્રી સપનાએ દાદાનું નામ રોશન કર્યું છે. નારની એ પ્રથમ સાર્જન્ટ મહિલા ઓફિસર હોવાનું માન મેળવે છે.   પોઝીટીવ એક્શન રીક્રુટમેન્ટ લીડ ફોર સસેક્સ પોલીસમાં ફરજ બજાવ્યા બાદ ડીટેક્ટીવ ઓફિસરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને કવોલિફાઇડ ડીટેક્ટીવ ઓફિસર તરીકે સાડાબાર વર્ષ ફરજ બજાવી. સપના બહેને બ્રાઇટન યુનિવર્સિટીમાંથી સોસીયોલોજી અને ક્રીમિનોલોજીનો અભ્યાસ કર્યા બાદ ૧૦ મહિના દુનિયાની સફર કરી. સાઉથ આફ્રિકામાં સ્કુબા ડાઇવીંગ અને રેસ્કયુ ડાઇવીંગની તાલીમ મેળવી. એની નાની બહેન પ્રિયા સોલીસીટર  છે.
દિકરીઓને દિકરા સમોવડી ગણી એની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે સહકાર આપતાં મા-બાપને ધન્ય છે.  સપના બહેનને સેવાના સંસ્કાર તો માતા-પિતા પાસેથી વારસામાં મળ્યા જ હતા. એમના માતુશ્રી વસુબહેન નીસડન સ્વામિનારાયણ મંદિરના મેડીકલ ડીપાર્ટમેન્ટમાં વોલઁટીયર તરીકે સેવા સાદર કરી રહ્યાં છે. સસેક્સના સ્થાનિક સમાજમાં પ્રકાશભાઇનું અનુદાન સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર છે.  
ચૌદેક વર્ષ અગાઉ સસેક્સ પોલીસદળમાં ભરતી થયા બાદ સપનાબહેન મંદિરો તથા વિવિધ સ્થળોએ જઇ એશિયનો/ગુજરાતીઓને પોલીસદળમાં જોડાવા માટે પ્રેરણા આપતા પ્રવચનો કરી એના ફાયદાની સમજ આપે છે. હાલ કોવીદ-૧૯ને કારણે પ્રવચનો આપવા બહાર જઇ શકતા નથી પરંતુ છેલ્લે ક્રોલી મંદિરમાં જઇ સભાજનોને સંબોધન કરી પોલીસદળમાં જોડાવાના ફાયદા સમજાવ્યા હતા.
એમણે "ગુજરાત સમાચાર"ને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "આ મારી પસંદગી ન હતી પરંતુ એમાં ગયા પછી કહી શકું કે, આ જોબનો ડર મનમાંથી કાઢી નાંખો તો એમાં જવાના ફાયદા વધુ છે. અહિનું વાતાવરણ મૈત્રી સભર છે. નેટવર્ક સારું છે. સહકર્મચારીઓ વચ્ચે સમજ છે. આ જોબમાં સંતોષ પણ છે. પોલીસદળમાં જોડાવાની ઉજળી તકો છે.” આ બાબતો અંગે તેઓ સૌને વાકેફ કરવાની પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. હાલ બ્રિટીશ સરકારના પ્રધાન મંડળમાં હોમ સેક્રેટરીનો માનવંતો હોદ્દો શોભાવતાં પ્રીતિબહેન પટેલે જ્યારે સસેક્સ પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી ત્યારે સાર્જન્ટ સપના બહેનને મળી આનંદ વ્યક્ત કર્યો હતો.
એથનિક માયનોરિટી કે અશ્વેતોમાં આટલા ઉચ્ચ હોદ્દે જનાર જૂજ છે. એક ગુજરાતી યુવતી સાર્જન્ટ બની એ માટે અભિનંદન આપ્યા હતા. સપનાના પતિ શ્રી મેટ ક્રોલીમાં ફાયર  આર્મ પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ફોર્સમાં બીજા ક્રમાંકે (2nd highest)આવ્યા છે. અભિનંદન.  એમને બે દિકરીઓ છે. માયલા (૬) અને આરયા (૪). સપનાબહેનનમાં નિષ્ઠા અને અદ્ભૂત કોમ્યુનીકેશન સ્કીલ છે. નાની બેબીને મોતના મુખમાંથી બચાવવાની બહાદૂરી દાખવવા બદલ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત કરાયાં હતાં. જેઓને પણ પોલીસમાં જોડાવવું હોય તેઓ વિના સંકોચે સાર્જન્ટ સપનાબહેનનો ઇમેઇલ સંપર્ક સાધી માર્ગદર્શન મેળવી શકે છે. email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter