બાગપત: કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના બાગપત શહેરમાં રહેતી ૬ વર્ષની નવ્યાને પોલીસે જિંદગીભર યાદ રહે તેવી સરપ્રાઈઝ હમણાં આપી હતી. પોલીસ જીપને ફુગ્ગાથી સજાવીને કેક લઇને આ બર્થડે ગર્લના ઘરે પહોંચી હતી.
૧૧મી મેએ નવ્યાનો જન્મદિવસ હતો. આ વર્ષે લોકડાઉનને લીધે જન્મદિવસ સેલિબ્રેટ કરવો શક્ય નહોતો. આથી તેના પિતાએ ઇન્સ્પેકટર અજય શર્માને ફોન કરીને કેક ખરીદવા માટે પરવાનગી માગી હતી. પોલીસે ના પાડી દેતા આખો પરિવાર ઉદાસ થઇ ગયો હતો. થોડા સમય પછી પોલીસની ફુગ્ગાથી સજાવેલી ગાડીઓ લઇને કાવ્યાના ઘરે પહોંચી અને હેપ્પી બર્થડે સોંગ ગાયું. ત્યારબાદ તેની પાસે કેક પણ કાપી. કુલ ૬ પોલીસ અધિકારીઓએ નવ્યાના ઘરે જઈને તેનો જન્મદિવસ વધારે યાદગાર બનાવી દીધો.