ન્યૂ યોર્કઃ ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે. ગયા મહિને જ બઢતી મેળવનાર પ્રતિમા સાઉથ રિચમંડ હિલ, ક્વીન્સ ખાતે 102મી પોલીસ પ્રિન્સિક્ટ સંભાળે છે. ચાર સંતાનોના માતા પ્રતિમા ભૂલ્લરનો જન્મ પંજાબમાં થયો છે. ન્યૂ યોર્કના ક્વીન્સ ગયા તે પહેલાં નવ વર્ષની ઉંમર સુધી પંજાબમાં જ ઉછેર થયો હતો.
પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે હું ઘેર આવી ગઈ છું. હું મોટી થઈ રહી હતી ત્યારે જીવનના 25થી વધુ વર્ષ આ વિસ્તારમાં જ ગાળ્યા હતા. સાઉથ રિચમંડ હિલમાં અમેરિકાનો સૌથી મોટો શીખ સમુદાય વસે છે.’ ગુરુદ્વારાની મુલાકાત લેતાં તેમણે કહ્યું હતું કે, બાળક હતી ત્યારે જે ગુરુદ્વારામાં જતી હતી તે જ ગુરુદ્વારામાં એક કેપ્ટનના રૂપમાં જવાનું મને બહુ જ ગમ્યું હતું.
તેમણે કહ્યું કે, તેમની નવી ભૂમિકા કોમ્યુનિટી પોલીસને મદદ કરશે. પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડો ન્યૂ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (એનવાયપીડી)માં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયાઈ મૂળના મહિલા છે. ભૂલ્લરે કહ્યું કે, આ મોટી જવાબદારી છે. હું માત્ર મારા સમુદાય માટે નહીં પણ અન્ય મહિલાઓ અને બાળકો માટે પણ એક બહેતર અને હકારાત્મક ઉદાહરણ બનવા માંગું છું. કાયદા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જશે.