પ્રથમ અભિનેત્રી અને પ્રથમ બાળકલાકાર : મા દુર્ગાબાઈ અને દીકરી કમલા

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Wednesday 19th July 2023 07:15 EDT
 
 

માતા પણ સિનેમામાં કામ કરતી હોય અને પુત્રી પણ સિનેમામાં કામ કરતી હોય એમાં કાંઈ નવાઈ નથી. રૂપેરી પરદે ચમકેલી કેટલીયે માતા અને પુત્રીઓની બેલડી જોવા મળશે. પરંતુ, એકસાથે, એક જ ફિલ્મમાં અભિનય કરીને કચકડાની દુનિયામાં પદાર્પણ કર્યું હોય એવી માદીકરીની જોડી અંગે જાણો છો ?
દુર્ગાબાઈ અને કમલા... ફિલ્મી દુનિયામાં એક સાથે પગ મૂકનાર માદીકરીની પહેલી અને એકમાત્ર જોડી. ભારતીય સિનેઉદ્યોગના ભીષ્મ પિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેની મૂક ફિલ્મ મોહિની ભસ્માસુરમાં પાર્વતીનું પાત્ર ભજવીને દુર્ગાબાઈ ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી બની ગઈ. જયારે કમલા મોહિનીનું પાત્ર જીવંત કરીને ભારતીય સિનેમાની પ્રથમ બાળકલાકાર બની ગઈ.
એ વખતે દુર્ગાબાઈની ઉંમર પાંત્રીસેક વર્ષ અને કમલા ૧૪ વર્ષની. બન્નેને માટે અભિનય અઘરો વિષય નહોતો. કારણ દુર્ગાબાઈ પોતાનો અને પોતાની પેટની જણીનો પેટનો ખાડો પૂરવા મરાઠી ટ્રાવેલિંગ થિયેટર કંપનીમાં કામ કરતી. કંપની ઠેકઠેકાણે ફરતી અને નાટકના કાર્યક્રમોનું આયોજન કરતી. દુર્ગાબાઈ પાંચ વર્ષની કમલા સાથે કંપનીની સાથે એકથી બીજે ઠેકાણે જતી અને રંગમંચ પર પાત્રને સજીવન કરતી.
રંગમંચની દુનિયા સુધીની આ સફરના મૂળમાં દુર્ગાબાઈનો સંઘર્ષ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટસના ઈતિહાસ વિષયના શિક્ષક આનંદ નાનોસ્કર સાથે એણે લગ્ન કર્યાં. પણ દુર્ભાગ્યે લગ્ન ટક્યાં નહીં. દીકરી કમલા ત્રણ વર્ષની થઈ ત્યારે ૧૯૦૩માં દુર્ગાબાઈ અને આનંદના છૂટાછેડા થયાં. દુર્ગાબાઈએ કમલાને એકલે હાથે ઉછેરવાનો પડકાર ઝીલી લીધો.
દુર્ગાબાઈએ પડકાર તો ઝીલ્યો, પણ એમાંથી પાર ઊતરવાનું સહેલું નહોતું. એ સમયે સ્ત્રીઓ માટે, ખાસ કરીને એકલી માતા માટે નોકરીની તકો ઉપલબ્ધ નહોતી. આખરે ટ્રાવેલિંગ થિયેટર કંપનીમાં મેળ પડ્યો. જોકે એ જમાનામાં તો થિયેટરમાં કામ કરવું એ પણ સ્ત્રીઓ માટે વર્જ્ય ગણાતું. પણ ડૂબતી દુર્ગાબાઈ માટે થિયેટર તરણા સમાન હતું. એણે સમાજની પરવા કર્યા વિના થિયેટર કંપનીમાં કામ સ્વીકારી લીધું. બ્રાહ્મણ સમાજે દુર્ગાબાઈનો બહિષ્કાર કર્યો. પરંતુ દુર્ગાબાઈ વિચલિત ન થઈ. કોઈના ઘરની નોકરાણી બનવા કરતાં અભિનયની મહારાણી બનવું એને વધુ પસંદ હતું.
રંગમંચનો અભિનય દુર્ગાબાઈ અને કમલાને સિનેમાની સફરે લઈ ગયો. બન્યું એવું કે દાદાસાહેબ ફાળકે પોતાની ફિલ્મ મોહિની ભસ્માસુર માટે બે સ્ત્રી અદાકારની શોધમાં હતા. એ દિવસોમાં ફિલ્મમાં સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવતા. પરંતુ પુરુષ ગમે તેટલો પ્રયત્ન કરે તોય સ્ત્રી જ સ્ત્રી પાત્રને ન્યાય આપી શકે એવું દાદાસાહેબે અનુભવ્યું. એટલે બીજી મૂક ફિલ્મ મોહિની ભસ્માસુરમાં સ્ત્રીનું પાત્ર સ્ત્રી કલાકાર જ ભજવશે એવું દાદાસાહેબે નક્કી કર્યું. થિયેટર મંડળીના સંચાલક સાથે દાદાસાહેબની ઓળખાણ હતી. એક વાર એમની સાથેની વાતચીતમાં સ્ત્રી કલાકારની જરૂર હોવા અંગે દાદાસાહેબે જણાવ્યું. સંચાલકે દુર્ગાબાઈ વિશે કહ્યું. દાદાસાહેબ દુર્ગાબાઈને મળ્યા. ફિલ્મમાં ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો. દુર્ગાબાઈએ આર્થિક કટોકટીને પગલે દાદાસાહેબનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
મોહિની ભસ્માસુર માટે બે સ્ત્રી કલાકારની જરૂર હતી. દુર્ગાબાઈએ પાર્વતીનું પાત્ર ભજવવાનું હતું. પણ મોહિનીની ભૂમિકા કોણ ભજવશે એ પ્રશ્ન ઊભો હતો. એ સમયે કમલા ૧૪ વર્ષની. એ પાંચ વર્ષની હતી ત્યારથી લેખનવાંચન, ગાયન અને નૃત્ય શીખી લીધેલું. એથી મોહિનીનું પાત્ર કમલા ભજવશે એવું નક્કી થયું. આમ માદીકરીની જોડીએ ચાલીસ મિનિટની લંબાઈ ધરાવતી મોહિની ભસ્માસુર ફિલ્મમાં એકસાથે પગરણ કરીને ભારતીય સિનેમામાં ઈતિહાસ રચ્યો. દુર્ગાવતી અને કમલા એક જ ફિલ્મમાં અભિનય કરીને સિનેજગતમાં પદાર્પણ કરનાર માદીકરીની પ્રથમ અને એકમાત્ર જોડી બન્યાં.
દુર્ગાબાઈએ લાંબું આયુષ્ય ભોગવ્યું. ૧૧૭ વર્ષની ઉંમરે ૧૭ મે ૧૯૯૭ના એનું મૃત્યુ થયું. એ પછી એક વર્ષ બાદ ૯૮ વર્ષની ઉંમરે ૧૯૯૮માં કમલાબાઈનું મૃત્યુ થયું એ દિવસે પણ તારીખ હતી ૧૭ મે ! આને શું કહેવું ? યોગ કે સંયોગ....


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter