કુંડાળામાં પગ પડી જતાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવા સામાજિક બહિષ્કારના ભયે લાડકવાયા દીકરાની હત્યા કરી નાખે અને આ અમાનવીય કૃત્ય બદલ એ નિરાધાર સ્ત્રીને ફાંસીની સજા ફટકારવામાં આવે જે પાછળથી જન્મટીપમાં ફેરવાઈ જાય...
ઓગણીસમી સદીની આ ઘટના છે. ૧૮૮૧માં ‘પુણે વૈભવ’ નામના અખબારમાં સમાચાર પ્રકાશિત થયેલા કે સુરત પાસે આવેલા ઓલપાડ ગામની વિજયાલક્ષ્મી નામની ઉચ્ચ જાતિની વિધવા બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો અને સમાજમાં કલંકિત થવાની બીકે પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાને મૃત્યુના ખોળામાં પોઢાડી દીધો. પણ એનું પાપ છાપરે ચડીને પોકાર્યું. બાળહત્યા કરવા બદલ વિજયાલક્ષ્મીને પહેલાં ફાંસી અને પછી દયા દાખવીને એને આજીવન કારાવાસની સજા કરવામાં આવી.
લોકો સમાચાર વાંચીને ભૂલી ગયાં. પણ એક વ્યક્તિના મનમાં આ સમાચારે ઘર કરી લીધેલું. એને એવું લાગતું કે વિધવાઓ પ્રત્યેનો સમાજનો વ્યવહાર તો પડતા પર પાટુ જેવું કહેવાય. એણે પેલા સમાચારના પ્રત્યુત્તરરૂપે બાવન પાનાંનો નિબંધ લખ્યો.
આ નિબંધનું શીર્ષક ‘સ્ત્રી પુરુષ તુલના’ અને લેખિકા તારાબાઈ શિંદે... પોતાના આલેખનમાં સ્ત્રીજીવનની વિટંબણા અને પુરુષપ્રધાન સમાજમાં રહેલી ખામીઓને દૂર કરવાની હિમાયત કરતી, સ્ત્રીઓ માટેના પતિવ્રતાના પક્ષપાતી તથા એકતરફી રિવાજ અને જડ પરંપરાઓનો વિરોધ કરીને પુરુષપ્રધાન સમાજમાં પરિવર્તન થાય એવી અભિલાષા કરતી અને સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ દરજ્જો મળે એ માટે શબ્દોનું શસ્ત્ર વીંઝનાર તારાબાઈ શિંદે પ્રથમ નારીવાદી લેખિકા બની ગઈ.
તારાબાઈ લેખિકા બની ગઈ, પણ એણે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું નહોતું. કન્યાશિક્ષણ પર પ્રતિબંધ હતો. પણ પિતા બાપૂજી હરિ શિંદે સત્યશોધક સમાજના સભ્ય હતા. સુધારાવાદી વિચારો ધરાવતા હોવાથી તારાબાઈને ઘરમાં ભણવાની તક મળી. તારાબાઈ મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત શીખી. તત્કાલીન રિવાજ મુજબ તારાબાઈનાં નાની ઉંમરે લગ્ન થયાં. પતિ ઘરજમાઈ બન્યા. તારાબાઈ અખબારો વાંચતી અને સામાજિક ઘટનાઓથી વાકેફ રહેતી. આવી એક ઘટના એ બ્રાહ્મણ વિધવા વિજયાલક્ષ્મીની જન્મકેદવાળી હતી. એના વિશે વાંચીને તારાબાઈથી રહેવાયું નહીં અને એણે સમાજને અરીસો દેખાડતાં સ્ત્રીપુરુષ તુલના કરીને લાંબો નિબંધ લખ્યો.
તારાબાઈ શિંદેનું નિબંધલેખન નાનીસૂની સિદ્ધિ નહોતી. રૂઢિચુસ્ત સામાજિક વાતાવરણમાં મહિલાઓનું આત્મગૌરવ જાળવવા જનજાગરણની પહેલ કરવી એક સ્ત્રી માટે દુર્ગમ પહાડ ચડવા જેવું હતું. તારાબાઈએ સ્ત્રીપુરુષની તુલના કરી.. સમાજના બેવડા માપદંડ પર પ્રશ્નો ઉઠાવ્યા. તારાબાઈ અબોલ સ્ત્રીઓનો સ્વર બની. વિધવાની દયનીય દશા અંગે સમાજનું ધ્યાન ખેંચતાં તારાબાઈએ આક્રોશ વ્યક્ત કર્યો. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાને ખુલ્લી ચેતવણી આપતાં તારાબાઈએ અણિયાળા સવાલ કર્યાં, ‘પત્નીના મૃત્યુ સાથે જ બીજા વિવાહ કરવાની આઝાદી જો પુરુષોને છે, તો એવું કયું પરિબળ છે જે વિધવાઓને પુનર્વિવાહ કરતાં રોકે છે ? જેમ તમને તમારો જીવ વહાલો છે, એમ શું સ્ત્રીને પોતાના પ્રાણ પ્રિય નહીં હોય ? શું તમારા પ્રાણ સોનાના અને સ્ત્રીના પ્રાણ લોઢાના છે ? કે પછી તમે સ્ત્રીને પથ્થર માનો છો ? ભાવનાહીન પથ્થર ! પતિના મૃત્યુ પછી સ્ત્રીની સ્થિતિ બદતર થઇ જાય છે. તેનું કેશવપન કરવામાં આવે છે. આ સૃષ્ટિની તમામ સુંદર સામગ્રીથી અને સઘળી સુખસુવિધાઓથી સ્ત્રીને વંચિત કરી દેવાય છે. મંગળકાર્યોમાં ભાગ લેવાની એને અનુમતિ મળતી નથી. તે એક નાનકડી બાળા હોય તો પણ એને વૈધવ્યનાં બંધનોમાં જકડી દેવાય છે. વિધવાનું કોઈની સામે આવવું અપશુકનિયાળ ને અશુભ માનવામાં આવે છે. શું આ પ્રકારનું વલણ ઉચિત છે ? પતિનું મૃત્યુ થાય તો એમાં પત્નીનો શું વાંક ?’
આ પ્રકારે સ્ત્રી પુરુષ તુલના નિબંધ દ્વારા તારાબાઈ શિંદે મહિલાઓને ગુલામ માનસિકતામાંથી મુક્તિ પ્રદાન કરવાની સાથે જોરદાર સામાજિક ક્રાંતિનો સંદેશ આપે છે. એથી જ તારાબાઈએ આધુનિક ભારતના ઘડવૈયાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે !