પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર : ડોલી જૈન

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 19th March 2025 08:11 EDT
 
 

તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે... કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર ૧૮.૫ સેકન્ડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે !
ડોલી જૈન ભારતની પહેલી પ્રોફેશનલ સાડી ડ્રેપર એટલે કે સાડી પહેરાવનાર છે. ડોલીએ દુનિયામાં સૌથી ઝડપથી સાડી પહેરાવનાર તરીકેનો અને સૌથી વધુ પ્રકારે સાડી પહેરાવી શકવાનો વિક્રમ સર્જ્યો છે. ડોલી ૩૨૫ પ્રકારે સાડી પહેરાવી શકે છે. રાત્રે અગિયાર વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા સુધી મેનીક્વીનને અલગ અલગ રીતે સાડી પહેરાવીને ડોલી ત્રણસો પચીસ પ્રકારે સાડી પહેરાવતાં શીખી ગઈ. આ કળાએ ડોલીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું છે. પ્રોફેશનલ સાડી ડ્રેપર તરીકે પહેલી સાડી પહેરાવવા માટે અઢીસો રૂપિયા મેળવનાર ડોલી આજના દિવસમાં સાડી પહેરાવવાના ૩૫,૦૦૦૦ રૂપિયાથી માંડીને બે લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. ડોલીના ગ્રાહકોમાં નીતા અંબાણી તથા એમની બંને પુત્રવધૂઓ શ્લોકા અને રાધિકાથી લઈને બોલિવૂડની રેખા, હેમા માલિની, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, સોનમ કપૂર અને આલિયા ભટ્ટ સહિતની અદાકારાઓ સામેલ છે.
બેંગલુરુમાં ઉછરેલી અને માત્ર સાતમા ધોરણ સુધી ભણી શકેલી ડોલી લગ્ન પહેલાં કાયમ જીન્સ, ટીશર્ટ ને સ્કર્ટ જેવા વેસ્ટર્ન ડ્રેસ પહેરતી. પિયરમાં પશ્ચિમી પોશાક પહેરતી ડોલીનું જીવન જ બદલાઈ ગયું. ડોલીના કહેવા પ્રમાણે, ‘મારા લગ્ન એવા પરિવારમાં થયા જ્યાં મને માત્ર સાડી પહેરવાની છૂટ હતી. મારાં સાસુએ સાડી પહેરવાની શરત મૂકેલી. એથી મારે સાડી પહેરવી પડતી. હું મારાં સાસુને મને ડ્રેસ પહેરવાની મંજૂરી આપે એ માટે ખૂબ સમજાવતી, પણ એ ન માન્યાં. સાડી પહેરતાં હું કંટાળી જતી. કારણ કે મને સાડી પહેરતાં પિસ્તાળીસ મિનિટથી એક કલાક જેટલો સમય લાગતો. જોકે ધીમે ધીમે મને સાડી પહેરવાની ફાવટ આવતી ગઈ. ત્યાર બાદ મારાં સાસુએ મને ડ્રેસ પહેરવાની મંજૂરી આપી, પણ ત્યાં સુધીમાં હું સાડીના પ્રેમમાં પડી ગયેલી. એથી સાડી જ પહેરતી..’
ડોલી સાડી પહેરતી, પણ સાડી ડ્રેપર બનવાનું તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. ડોલીના સાડી ડ્રેપર બનવાનું નિમિત્ત બની અભિનેત્રી શ્રીદેવી. ડોલીએ પહેલી વાર શ્રીદેવીને સાડી પહેરાવેલી. એ અંગે વાત કરતાં ડોલીએ કહેલું કે, ‘મારા મામા મુંબઈમાં રહેતા. એ જે ઈમારતમાં રહેતા, એમાં જ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી પણ રહેતાં. એક વાર હું મામાને ઘેર ગયેલી. એ જ દિવસે શ્રીદેવીને ઘેર પાર્ટી હતી. એમણે અમને પણ પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપેલું. પાર્ટીમાં શ્રીદેવીની સાડી પર કાંઈક પડી ગયું. એથી એ સાડી બદલવા અંદરના કમરામાં ગયાં. સાડી પહેરવામાં એમની મદદ કરવા લાગી. હું એમને સાડી પહેરાવતી હતી ત્યારે એ મને ધ્યાનથી જોઈ રહેલાં. શ્રીદેવીએ મારો હાથ પકડીને કહ્યું કે, હું આટલાં વર્ષોથી સાડી પહેરતી આવી છું, પરંતુ મેં આજ સુધી આટલી ઝડપથી અને આટલી સરસ રીતે સાડી પહેરાવતાં કોઈને જોયું નથી. તારે તો સાડી ડ્રેપિંગને જ તારો વ્યવસાય બનાવવો જોઈએ. કારણ કે સાડી તારી આંગળીઓમાં ચંચળ, રમતિયાળ અને કહ્યાગરી બની જાય છે !’ શ્રીદેવીની સલાહને પગલે ડોલી પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર બની ગઈ !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter