કલ્પના કરવાથી કલ્પના સાકાર થાય છે !
પૂર્વાપર ભૂમિકા આપીને આ વાક્ય સમજાવવાનું હોય તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલ્પના ચાવલા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે ! કલ્પના ચાવલાએ કલ્પનાની પાંખે સવાર થઈને ધરતીથી આકાશ અને આકાશથી અંતરિક્ષમાં ઊડવાની કલ્પના કરી અને એ કલ્પના સાકાર પણ કરી....પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી બનીને ભારતનું ગૌરવ વધાર્યું !
કલ્પનાનો જન્મ હરિયાણાના કરનાલ ખાતે ૧૭ માર્ચ ૧૯૬૨ના થયેલો. માતા સંજ્યોતિ દેવી. પિતા બનારસીલાલ ચાવલા. તેમના ચાર સંતાનોમાં કલ્પના સૌથી નાની. પ્રારંભિક ભણતર ટાગોર બાલ નિકેતનમાં થયેલું. કલ્પના બાળપણથી જ કલ્પનાની પાંખે સવાર થઈને અંતરિક્ષમાં ઘૂમવાની કલ્પના કરતી એરોપ્લેનને નિહાળીને અચંબો અનુભવતી. તે વિમાનમાં બેસવાની નહીં પણ તેને સમજવાની અને તેને ચલાવવાની કલ્પના કરતી. વર્ષ ૧૯૮૨માં કલ્પનાએ ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરૉનૉટિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ બી.એસસી.ની ઉપાધિ મેળવી. કલ્પના એન્જિનિયરિંગ કોલેજના અંતિમ વર્ષમાં હતી, ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તૈયારી શરૂ કરી. સ્નાતક થયા પછી તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બેંગ્લોર તરફથી નોકરીની ઓફર મળી. પરંતુ તેણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપનની નોકરી પસંદ કરી.
ત્યારબાદ કલ્પના ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગઈ. ત્યાં ૧૯૮૪માં અર્લિન્ગટન ખાતે આવેલી યુનિવર્સિટી ઑફ ટૅક્સાસમાંથી ઍરોસ્પેસ ઇજનેરીમાં તેણે માસ્ટર ઑફ સાયન્સ-એમ.એસની ઉપાધિ મેળવી. ૧૯૮૬ અને ૧૯૮૮માં યુનિવર્સિટી ઑફ કૉલોરાડો-બોલ્ડરમાંથી બીજી વખત ઍરોસ્પેસ ઇજનેરીમાં અનુક્રમે એમ.એસ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી. ત્યારબાદ નાસામાં સંશોધનકાર્ય શરૂ કર્યું. કલ્પના ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતી હતી. આથી એક અથવા વધુ એન્જિન ધરાવતાં ઍરોપ્લેનો, સમુદ્રપ્લેનો અને ગ્લાઇડર ઉડાડવાનો પરવાનો પણ એની પાસે હતો.
આ અરસામાં ૧૯૯૫માં કલ્પના નાસાના અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાઈ. બે વર્ષની મહેનત પછી કલ્પનાને પ્રથમ અવકાશ યાત્રા માટે પસંદ કરવામાં આવી. તેણે ૧૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ સ્પેસ-શટલ કોલંબિયા ફ્લાઇટ એસટીએસ-૮૭ પર છ સંચાલક સભ્ય સાથે પ્રથમ ઉડાન ભરી. આ સાથે કલ્પના ચાવલા અવકાશમાં ઉડાન ભરનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ. ભારતીય વ્યક્તિ તરીકે તે બીજી હતી, કારણ કે રાકેશ શર્મા ૧૯૮૪માં સોવિયેટ સ્પેસ ક્રાફ્ટમાં ઉડ્ડયન કરનાર પ્રથમ ભારતીય હતા. પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી તરીકે કલ્પનાએ પોતાના પહેલા અવકાશ મિશનમાં ૧.૦૪ કરોડ કિલોમીટરનો એટલે કે ૬૫ લાખ માઈલનો પ્રવાસ કરીને ૩૬૫ કલાકમાં ૨૫૨ વખત પૃથ્વીનું પરિભ્રમણ કર્યું.
વર્ષ ૨૦૦૦માં કલ્પનાની ફરીથી એસટીએસ-૧૦૭ના સંચાલનમાં પસંદગી થઈ. વર્ષ ૨૦૦૩ના આરંભે આરંભાયેલા કૉલંબિયા મિશનમાં કલ્પનાને સૂક્ષ્મગુરુત્વ-માઈક્રોગ્રેવિટીના પ્રયોગોની જવાબદારી સોંપાઈ. કલ્પના સહિતના અવકાશયાત્રીઓમાં સફળતાનો ધ્વજ લહેરાવીને પાછાં ફરવાનો ઉમંગ હતો, પણ નિયતિએ જુદું નિર્માણ કરેલું. ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ના અંતરિક્ષ ભ્રમણ શરૂ કરીને ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ અવકાશયાન કોલંબિયા પરત આવી રહ્યું હતું ત્યારે, પૃથ્વીથી થોડીક ઊંચાઈએ, પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ તે ધડાકા સાથે સળગી ઊઠ્યું. તેમાં કલ્પના સહિત તમામ અવકાશયાત્રીઓ અવકાશમાં ભળી ગયાં. કિનારે આવેલું વહાણ ડૂબી ગયું. એ પછી કલ્પનાને ‘કોંગ્રેશનલ સ્પેસ મૅડલ ઑફ ઑનર’, ‘નાસા સ્પેસ ફ્લાઇટ મૅડલ’, ‘નાસા ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મૅડલ’ અને ‘ડિફેન્સ ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મૅડલ’ના મરણોત્તર પુરસ્કાર અપાયા. ડઝનેક સ્મારકો કલ્પનાની યાદગીરીમાં દેશ-વિદેશમાં ઊભાં કરવામાં આવ્યાં છે. આ સંભારણાં કલ્પના ચાવલાના શબ્દોનું સ્મરણ કરાવે છે : હું અંતરિક્ષ માટે જ બની છું. પ્રત્યેક પળ અંતરિક્ષ માટે જ વિતાવી છે અને અંતરિક્ષ માટે જ મરીશ.... યોગાનુયોગ તો જુઓ. અંતરિક્ષની દીકરી કલ્પના અંતરિક્ષમાં જીવી અને અંતે અંતરિક્ષની ગોદમાં જ સમાઈ ગઈ... !