ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?
એનું નામ ચોનીરા બેલિયપ્પા મુતમ્મા...સી.બી. મુતમ્માના ટૂંકા નામે જાણીતી આ મહિલા આઈએફએસ-ઇન્ડિયન ફોરેન સર્વિસ કે ભારતીય વિદેશ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા અધિકારી હતી. એ ભારતની પહેલી મહિલા ડિપ્લોમેટ હતી અને ભારતની રાજદૂત પણ રહેલી. સિવિલ સેવાઓમાં લૈંગિક સમાનતા માટે લાંબી લડત આપવા બદલ સી. બી. મુતમ્માનું સ્મરણ કરવામાં આવે છે.
ચોનીરા બેલીપ્પા મુતમ્માનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૪ના કર્ણાટકના તત્કાલીન કૂર્ગ અને આજના કોડાગુ જિલ્લાના વિરાજપેટમાં થયેલો. ચોનીરા નવ વર્ષની હતી ત્યારે પિતાને ખોઈ બેઠી. માતાએ દીકરીનો ઉછેર કર્યો.તત્કાલીન મદ્રાસ અને અત્યારના ચેન્નાઈની મહિલા ક્રિશ્ચિયન કોલેજમાં સુવર્ણ ચંદ્રક સાથે ચોનીરા સ્નાતક થઈ.
ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક કર્યું. પણ એનું લક્ષ્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું હતું. ચોનીરાએ સિવિલ સર્વિસમાં જોડાવા માટેનો વિચાર કર્યો, ત્યાં સુધી ભારતની અન્ય કોઈ મહિલાએ આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું નહોતું. ૧૯૪૮માં યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર ચોનીરા બેલિયપ્પા મુતમ્મા પહેલી ભારતીય મહિલા બની.
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી ચોનીરા ભારતીય વિદેશ સેવામાં જોડાવા અત્યંત ઉત્સુક હતી. પણ ઇન્ટરવ્યુ લેનાર બોર્ડે ‘મહિલાઓ માટે ઉપયુક્ત નથી’ કહીને સેવામાં સામેલ થવા સંદર્ભે કોનીરા મુતમ્માને હતોત્સાહ કરી. છતાં ચોનીરા અડગ રહી. પોતાની પસંદગીના ક્ષેત્રમાં જવા માટે મહેનત કરેલી એણે અંતે બોર્ડે નમતું જોખવું પડ્યું. ચોનીરાની વાત સ્વીકારવી પડી. ચોનીરાને વિદેશ સેવામાં સામેલ કરવામાં આવી. આમ ચોનીરા ભારતની પહેલી આઈએફએસ- ઇન્ડિયન ફોરેન સર્વિસની અધિકારી બની ગઈ. ચોનીરા વિદેશ સેવામાં જોડાઈ તો ખરી, પણ નોકરીમાં જોડાતી વખતે ચોનીરા મુતમ્માએ એક સોગંદનામા પર હસ્તાક્ષર કરવા પડેલાં. એમાં લખેલું કે, જો ચોનીરા લગ્ન કરશે તો એ રાજીનામું આપી દેશે. ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા પછી સી. બી. મુતમ્મા તરીકે જાણીતી થયેલી ચોનીરાનું પહેલું પોસ્ટિંગ પેરિસ ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં થયેલું. પછીના દસકાઓમાં યુરોપ, એશિયા અને આફ્રિકામાં વિવિધ હોદ્દાઓ પર વિશિષ્ટ કામગીરી કરી. જોકે એણે પોતાની કારકિર્દી દરમિયાન લૈંગિક ભેદભાવ વિરુદ્ધ લડત આપવી પડેલી. ચોનીરાને રાજદૂત તરીકે નિયુક્ત કરવાની હતી ત્યારે એની અવગણના કરવામાં આવેલી.
પરંતુ કોઈ પણ અન્યાયને ચૂપચાપ સાંખી લે એ કોઈ બીજું, ચોનીરા મુતમ્મા નહીં ! પદોન્નતિ માટે પોતાની સાથે પક્ષપાત થઈ રહ્યો છે, એ મુદ્દે ચોનીરા મુતમ્માએ સર્વોચ્ચ અદાલતનાં બારણાં ખટખટાવ્યાં. સોલિસિટર જનરલ સોલી સોરાબજીએ દલીલ કરેલી કે, મહિલા રાજદૂતો લગ્ન કરે તો રણનીતિક કે રાજનૈતિક મહત્વ ધરાવતી ગુપ્ત જાણકારી બહાર પડવાનું જોખમ ખતરનાક કહી શકાય એ હદે વધી જાય છે. એ વખતે અદાલતે સોલિસિટર જનરલને પ્રશ્ન કરેલો કે, ‘સ્ત્રી રાજદૂત પરણે તો જાણકારી બહાર પડવાનું જોખમ, પણ જો કોઈ પુરુષ રાજદૂત વિવાહ કરે તો ગુપ્ત જાણકારી બહાર પડવાનું જોખમ નથી એવું કઈ રીતે કહી શકાય ?’
આ પ્રકારની દલીલો અને પ્રતિદલીલો વચ્ચે, ૧૯૭૯માં ન્યાયમૂર્તિ વીઆર કૃષ્ણા અય્યરની અધ્યક્ષતા હેઠળ ત્રણ ન્યાયાધીશની બનેલી બેન્ચે સરકારના તર્કને પાયાવિહોણો ગણાવ્યો. વિદેશ સેવામાં મહિલાઓને નિયંત્રિત કરનારી ભેદભાવપૂર્ણ જોગવાઈઓને રદ કરી દીધી. ભારતમાં મહિલાઓના અધિકાર સંદર્ભે આ એક ઐતિહાસિક નિર્ણય હતો.
આ અદાલતી ચુકાદાને પરિણામે ચોનીરા મુતમ્માને હંગેરીમાં ભારતનાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલી. આવા પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારી એ પહેલી ભારતીય મહિલા હતી. એ પછી એનું અંતિમ પોસ્ટિંગ નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત તરીકે થયેલું. બત્રીસ વર્ષની દીર્ઘ સેવાઓ બાદ ૧૯૮૨માં ચોનીરા ભારતીય વિદેશ સેવામાંથી નિવૃત્ત થઈ. ૧૪ ઓક્ટોબર ૨૦૦૯ના બેંગલોરમાં ચોનીરા મુતમ્માનું મૃત્યુ થયું, પણ લૈંગિક સમાનતા માટે એણે આપેલી લડત હંમેશ માટે યાદગાર બની ગઈ !