પંદર વર્ષની કુમળી વયે લગ્ન થયાનાં ત્રણ વર્ષ બાદ દીકરીનો જન્મ થાય પણ એના ચાર મહિના બાદ પતિનું મૃત્યુ થઈ જાય એવા સંજોગોમાં માથે આભલું તૂટી પડવા છતાં પરિસ્થિતિને શરણે થઈને ઘૂંટણ ટેક્વવાને બદલે સામે પૂર તરવાનું સાહસ કરતી નારી....
એ નારી એટલે અય્યોલાસોમાયાજુલુ લલિતા... ૨૭ ઓગસ્ટ ૧૯૧૯ના ચેન્નાઈના મધ્યમવર્ગીય તેલુગુ પરિવારમાં જન્મ. પિતા પપ્પૂ સુબ્બારાવ પ્રાધ્યાપક હતા. મદ્રાસ વિશ્વવિદ્યાલયની કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગિંડીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણાવતા. એમના સાત સંતાનોમાં પાંચમા ક્રમાંકે લલિતા હતી. લલિતાને મેટ્રિક સુધીનો અભ્યાસ કરવાનો મોકો મળેલો. પંદર વર્ષની ઉંમરે એનાં લગ્ન થયાં ત્યારે એ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયેલી. લગ્ન પછી અય્યોલાસોમાયાજુલુએ એક રૂપકડી પુત્રીને જન્મ આપ્યો. નામ રાખ્યું શ્યામલા.
શ્યામલા હજુ તો માંડ ચાર મહિનાની થયેલી કે અય્યોલાસોમાયાજુલુના પતિનું મૃત્યુ થયું. એની ઉંમર હજુ અઢાર વર્ષની જ હતી. અય્યોલાસોમાયાજુલુની પીડાનો પાર નહોતો. પપ્પૂ સુબ્બારાવે દીકરીની મનોવેદનાને જાણીસમજી. એ દીકરીને સાસરેથી પોતાને ઘેર લઈ ગયા. એણે પોતાનો અભ્યાસ આગળ વધારવાનો નિર્ણય કર્યો. પિતા સુબ્બારાવ એને પડખે ઊભા રહ્યા.
અય્યોલાસોમાયાજુલુએ પરિવારની પરંપરા જાળવી રાખી. અય્યોલાસોમાયાજુલુએ કૌટુંબિક વારસો આગળ વધારવા એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. દીકરીને પૂરતો સમય આપી શકાય એ માટે એ પિતા અને ભાઈઓની જેમ નવથી પાંચની નોકરી કરવા માંગતી હતી. અય્યોલાસોમાયાજુલુએ મદ્રાસ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ૧૯૪૦માં પ્રવેશ લીધો. એ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનારી પ્રથમ ભારતીય વિદ્યાર્થિની બની.
કોલેજમાં અય્યોલાસોમાયાજુલુ એકમાત્ર વિદ્યાર્થિની હતી. પણ સહાધ્યાયીઓએ એને સંપૂર્ણ સહયોગ કર્યો. જોકે એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની સુવિધા નહોતી. કારણ અય્યોલાસોમાયાજુલુ જ એન્જિનિયરિંગની પ્રથમ વિદ્યાર્થિની હતી. ખાસ અય્યોલાસોમાયાજુલુ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી.
અય્યોલાસોમાયાજુલુ માટે હોસ્ટેલનો પ્રબંધ તો થયો, પણ થોડા જ સમયમાં એ કંટાળવા માંડી. એણે પિતા સુબ્બારાવને ફરિયાદ કરી કે, સહુ કોઈ સહકાર આપે છે. પણ હોસ્ટેલમાં એકમાત્ર છાત્રા હોવાને કારણે એને કંટાળો આવે છે. બહુ એકલુંએકલું લાગે છે....સુબ્બારાવે દીકરીની આ સમસ્યાનું પણ સમાધાન કર્યું. એમણે છોકરીઓને એન્જિનિયરિંગ ભણવા માટે પ્રેરિત કરી. છોકરીઓ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થાય એ માટે ખૂબ પ્રચારપ્રસાર કર્યો. એમના પરિશ્રમે રંગ રાખ્યો.
જલ્દી જ લીલમ્મા જ્યોર્જ અને પીકે થ્રેસિયા નામની મહિલાઓએ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. પરિણામે ગર્લ્સ હોસ્ટેલમાં સંખ્યા એકથી વધીને ત્રણ થઈ. અય્યોલાસોમાયાજુલુની એકલતા દૂર થઈ ગઈ. કોલેજની સાથે હોસ્ટેલમાં સાનુકૂળ વાતાવરણ સર્જાતાં અય્યોલાસોમાયાજુલુ રસપૂર્વક અભ્યાસ કરવા લાગી.
૧૯૪૩માં એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની. જોકે ૧૯૪૪માં દ્વિતીય વિશ્વયુદ્ધ એની ચરમસીમાએ હોવાથી વિશ્વવિદ્યાલયે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ થોડાક મહિના વહેલો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. એથી લીલમ્મા જ્યોર્જ અને પીકે થ્રેસિયા અય્યોલાસોમાયાજુલુ કરતાં એક વર્ષ પાછળ હોવા છતાં એની સાથે જ એન્જિનિયર બની.
દરમિયાન અય્યોલાસોમાયાજુલુ લલિતા એ. લલિતા તરીકે ઓળખવા લાગેલી. ૧૯૬૪માં ન્યૂયોર્કમાં આયોજિત મહિલા એન્જિનિયર અને વૈજ્ઞાનિકોની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં એ. લલિતાને આમંત્રિત કરાયેલી.
આ પરિષદમાં સ્ત્રીઓની સ્થતિનો ચિતાર આપતાં એણે કહેલું કે, જો હું આજથી દોઢસો વર્ષ પૂર્વે જન્મી હોત તો મને મારા પતિની ચિતાની આગમાં બાળી મુકાઈ હોત. ..’
ભારતીય સ્ત્રીઓના સદભાગ્યે એ. લલિતા દોઢસો વર્ષ બાદ જન્મી. પ્રથમ મહિલા એન્જિનિયર બની, સ્ત્રીઓ માટે એન્જિનિયર થવાનાં દ્વાર ખોલી દીધાં અને એન્જિનિયરિંગના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવી દીધું !