લગ્નનાં પાંચ વર્ષ પછી ઘેર ઘોડિયું બંધાય અને હજુ તો પુત્રજન્મની ખુશાલી મનાવાઇ રહી હોય એવામાં યોગ્ય તબીબી ઇલાજના અભાવે નવજાત દીકરાનું મૃત્યુ થઈ જાય..... આ દ્રશ્યની કલ્પના કરી શકો છો ?
વાત છે આનંદીબાઈ જોશીની. મહારાષ્ટ્રના થાણા જિલ્લા સ્થિત કલ્યાણના રૂઢિચુસ્ત મરાઠી હિંદુ પરિવારમાં એનો જન્મ થયેલો. નામ યમુના. નવ વર્ષની ઉંમરે યમુનાનાં લગ્ન એનાથી ઉંમરમાં વીસ વર્ષ મોટા ગોપાલરાવ જોશી સાથે થયાં. લગ્ન પછી કન્યાનું નામ બદલવાની મરાઠી રીતિ પ્રમાણે યમુના આનંદબાઈ બની. પુત્રજન્મ થયો. જન્મ્યાના થોડા જ સમયમાં દીકરો બીમાર પડ્યો. અગિયારમે દિવસે દીકરાએ દેહ છોડ્યો. દીકરો ગુમાવી દેનાર આનંદીબાઈને એક મા તરીકે પહેલાં તો પ્રચંડ આઘાત લાગ્યો. એ ક્ષણ આનંદીબાઈના જીવનમાં વળાંક લાવનારી ક્ષણ હતી. આ ક્ષણે આનંદીબાઈએ એક નિશ્ચય કર્યો. યોગ્ય સારવારના અભાવે બીજા કોઈ સાથે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આનંદીબાઈએ ડોક્ટર બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો. હૃદયપૂર્વક કરાયેલો સંકલ્પ સાકાર થયો અને આનંદીબાઈ જોશી ભારતની પ્રથમ મહિલા ડોક્ટર બની.
આનંદીબાઈનું સ્વપ્ન સાકાર કરવામાં સૌથી મોટું યોગદાન એના પતિ ગોપાલરાવ જોશીનું હતું. ગોપાલરાવે આનંદીબાઈને મિશનરી શાળામાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો, પણ એમાં સફળતા ન મળી. એટલે જોશીદંપત્તી કોલકાતા જઈ વસ્યા. ગોપાલરાવે પત્નીનું લક્ષ પાર પાડવા કમર કસી. એમણે ૧૮૮૦માં જાણીતી અમેરિકન મિશનરી રોયલ વિલ્ડર કોલેજને પત્ર લખ્યો. વિલ્ડર કોલેજે પ્રિન્સ્ટનના મિશનરી રિવ્યુમાં આ પત્રનું પ્રકાશન કરેલું. ગોપાલરાવે પત્રમાં લખેલું કે, મારી પત્ની આનંદીબાઈ ડોક્ટર બનવા માંગે છે. અમે અમેરિકા આવીને રહેવા તૈયાર છીએ. તમે મારા માટે નોકરીની ગોઠવણ કરી શકો તો અમારી મોટી મદદ થશે....
મિશનરી રિવ્યુમાં પ્રકાશિત થયેલો ગોપાલરાવનો પત્ર ન્યૂજર્સીની નિવાસી થિયોડિસિયા કારપેન્ટરે વાંચ્યો. એણે આનંદીબાઈને પત્ર લખીને અમેરિકામાં નિવાસ ઉપલબ્ધ કરાવવા સઘળી મદદ કરશે એમ જણાવ્યું. દરમિયાન,૧૮૮૩માં ગોપાલરાવની બદલી શ્રીરામપુરમાં થઇ. ગોપાલરાવે તબીબી અભ્યાસ માટે આનંદીબાઈને અમેરિકા મોકલવાનો નિર્ણય પાક્કો કરી લીધો. આનંદીબાઈ એકલી અમેરિકા જવા તૈયાર થઈ. પેન્સિલવેનિયાની વિમેન્સ મેડિકલ કોલેજમાં ભણવા જવાનું નક્કી કર્યું. આનંદીબાઈ કોલકાતાથી જહાજ મારફત અમેરિકા જવા નીકળી પડી. જૂન ૧૮૮૩માં ન્યૂયોર્ક, અમેરિકા પહોંચી. એ સાથે આનંદીબાઈ અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પ્રથમ ભારતીય મહિલા બની.
થિયોડિસિયા કારપેન્ટરે વચન પાળ્યું. આનંદીબાઈનું અમેરિકામાં સ્વાગત કર્યું. ઓગણીસ વર્ષની આનંદીબાઈએ પેન્સિલવેનિયાની વિમેન્સ મેડિકલ કોલેજને પ્રવેશ માટે પત્ર લખ્યો. આનંદીબાઈની સંઘર્ષયાત્રાથી પ્રભાવિત થઈને કોલેજની ડીન રશેલ બોડેલે એને પ્રવેશ આપ્યો. છસ્સો ડોલરની માસિક છાત્રવૃત્તિ પણ આપી. આનંદીબાઈએ દાયણ અંગે ‘આર્યન હિંદુઓ વચ્ચે પ્રસૂતિવિશેષજ્ઞ’ વિષય પર મહાનિબંધ લખ્યો. ૧૧ માર્ચ ૧૮૮૬ના આનંદીબાઈએ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર ઓફ મેડિસિન-એમ.ડી.ની ડિગ્રી મેળવી.
આનંદીબાઈ ડોક્ટર બનવાની સાથે જ દર્દી પણ બની ગઈ. અમેરિકાના શીત વાતાવરણ અને પ્રતિકૂળ ભોજનને પગલે આનંદીબાઈનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. ટ્યુબરક્યુલોસીસ- ટી.બી.ના સકંજામાં સપડાઈ. રાજરોગ સામે લડતાં લડતાં ભારત પાછી ફરેલી આનંદીબાઈનું ભવ્ય સ્વાગત થયું..આનંદીબાઈએ કોલ્હાપુરની આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલમાં મહિલા વિભાગની કામગીરી સંભાળી.
સ્ત્રીની ચિકિત્સા માટે સ્ત્રી ચિકિત્સક ઉપલબ્ધ હોય એવી સ્થિતિનું નિર્માણ ભારતમાં મહિલાઓ માટે પહેલી વાર જ થયું. ટી.બી.ની બીમારીએ આનંદીબાઈનો અજગરપેઠે ભરડો લીધો. ને અજગરપેઠે એને ગળી પણ ગઈ. ડોક્ટર બન્યાના એક વર્ષની ભીતર જ આનંદીબાઈનું મૃત્યુ થયું. આનંદીબાઈનો માટીનો દેહ માટીમાં મળી ગયો, પણ એની અંતિમ વિદાય સાથે ભારતીય મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણનાં દ્વાર ખૂલવાનો આરંભ થઈ ગયો, એ પણ એની એક પ્રકારની સિદ્ધિ જ ગણાશે !