પ્રથમ મહિલા પદ્મવિભૂષણ : જાનકીદેવી બજાજ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 15th April 2025 06:34 EDT
 
 

સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !
જમનાલાલ બજાજ અને જાનકીદેવી બજાજ....ઉદ્યોગપતિ પરિવાર, સાધનસમૃદ્ધિ, અપાર વૈભવ ને લખલૂટ ધનદોલત. ગાંધીજીથી પ્રભાવિત થઈને જમનાલાલ અને જાનકીદેવીએ આ સર્વનો ત્યાગ કરીને સાદગીભર્યું જીવન અપનાવી લીધેલું. ગાંધીવાદી જીવનશૈલીનાં કટ્ટર સમર્થક અને સ્વાતંત્ર્ય સેનાની જાનકી દેવી બજાજ પ્રથમ મહિલા પદ્મવિભૂષણ હતાં. જાનકી દેવીએ કરેલા સામાજિક યોગદાનને પગલે ભારત સરકારે તેમને ૧૯૫૬માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી પુરસ્કૃત કર્યાં હતાં. જાનકીદેવીએ ‘મેરી જીવનયાત્રા’ નામે આત્મકથા લખેલી.
જાનકીદેવીનો જન્મ ૭ જાન્યુઆરી ૧૮૯૩ના રોજ મધ્ય પ્રદેશના જાવરાના સાધન સંપન્ન વૈષ્ણવ મારવાડી પરિવારમાં થયેલો. મૃત્યુ ૨૧ મે ૧૯૭૯. માત્ર આઠ વર્ષની ઉંમરે જાનકીદેવીના વિવાહ સમૃદ્ધ બજાજ પરિવારના જમનાલાલ થયાં. ૧૯૦૨માં જાનકીદેવી જમનાલાલ બજાજ સાથે મહારાષ્ટ્ર સ્થિત વર્ધા ગયાં. જમનાલાલના કહેવાથી જાનકીદેવીએ સામાજિક વૈભવ અને કુલીનતાના પ્રતીકસમી પરદાપ્રથાનો ત્યાગ કરી દીધેલો. અન્ય મહિલાઓને પણ પરદા પ્રથાનો ત્યાગ કરવા પ્રોત્સાહિત કરી. એ અંગે જાનકીદેવીએ લખ્યું છે કે, ‘મને ઘૂંઘટ કરવાથી મુક્તિ મળી, તો તો મને બીજી બહેનોને પણ ઘૂંઘટમુક્ત કરવાની ચાનક ચડી. કેટલીયે બહેનોને સભાઓમાં હું ઘૂંઘટ ઉતરાવીને રીતસર મંચ પર ખેંચી જતી. જ્યાં જ્યાં હું જતી, આ જ મારું કામ થઈ ગયું....’
જાનકીદેવીના સાહસથી બહેનોમાં પણ હિંમત આવી. પરિણામે ૧૯૧૯ના અરસામાં ઘરની બહાર પગ ન મૂકનાર હજારો મહિલાઓએ પરદાને તિલાંજલિ આપી અને આઝાદીની હવામાં શ્વાસ લીધો. જાનકીદેવી સ્વેચ્છાથી પતિને પગલે ચાલ્યાં અને ત્યાગનો માર્ગ અપનાવી લીધો. પતિના કહેવાથી પોતાનાં સુવર્ણનાં આભૂષણો એમણે દાન કરી દીધેલાં. દરમિયાન, ૨૮ વર્ષની ઉંમરે જાનકીદેવીએ જમનાલાલના કહેવાથી સિલ્કનાં વસ્ત્રો પહેરવાનું છોડ્યું. જમનાલાલે ગાંધીજીનો હવાલો આપીને જાનકીદેવીને કહેલું કે, આપણા ઘરમાં એક પણ વિલાયતી કપડું ન રહેવું જોઈએ. જાનકીદેવીએ વર્ધામાં સઘળાં વિદેશી વસ્ત્રોની હોળી કરી દીધી. ખાદી ધારણ કરવાનું શરૂ કર્યું.
ભારતમાં પહેલી વાર ૧૭ જુલાઈ ૧૯૨૮ના જાનકીદેવી જમનાલાલ બજાજ અને અનુસૂચિત જાતિના લોકો સાથે વર્ધાના લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચેલાં. તેમણે મંદિરના દ્વાર સહુ કોઈ માટે ખુલ્લાં મૂકી દીધેલાં. ૧૯૭૯માં જાનકીદેવીનું મૃત્યુ થયા પછી તેમની સ્મૃતિમાં કેટલાંક પુરસ્કારોનો આરંભ કરાયો. ૧૯૮૦માં જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ અને બાળકોના વિકાસ તથા કલ્યાણ માટે નિ:સ્વાર્થભાવે યોગદાન કરનાર માટે વિશેષ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી. જાનકીદેવી બજાજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, જાનકી દેવી બજાજ ગવર્મેન્ટ પીજી ગર્લ્સ કોલેજ અને બજાજ ઈલેક્ટ્રિકલ્સ દ્વારા ‘જાનકી દેવી બજાજ ગ્રામ વિકાસ સંસ્થાન’ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. ૧૯૯૨-‘૯૩માં ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરની મહિલા પાંખ દ્વારા ગ્રામીણ ઉદ્યમીઓ માટે આઇએમસી-લેડીઝ વિંગ જાનકી દેવી બજાજ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. આ પુરસ્કારો થકી જાનકીદેવી બજાજ ભારતીયોના હૃદયમાં જીવંત છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter