પાર્વતી બરુઆને જાણો છો ?
આસામની પાર્વતી બરુઆ માત્ર ભારતની જ નહીં, દુનિયાની પણ પહેલી મહિલા મહાવત છે. ચૌદ વર્ષની નાની ઉંમરથી હાથીઓને અંકુશમાં રાખવાનું શીખી ગયેલી પાર્વતી હાથીઓની પરી કે હસ્તી કન્યા તરીકે જાણીતી છે. તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર-આઈયુસીએન ની સભ્ય પણ રહી ચૂકી છે. ભારત સરકારે પાર્વતીને સામાજિક કાર્યના ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ વર્ષ ૨૦૨૪માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીના સન્માનથી પુરસ્કૃત કરી છે.
પાર્વતી શાહી પરિવારમાં જન્મી ને ઉછરી.આસામના ગૌરીપુરના રાજવી પરિવારના અંતિમ શાસક પ્રકૃતિચંદ્ર બરુઆના નવ સંતાનોમાંની એક એટલે પાર્વતી. જન્મ ૧૯૫૪માં. પિતા પ્રકૃતિચંદ્ર હાથીઓના વિશેષજ્ઞ હતા. પ્રકૃતિચંદ્ર બરુઆ પાસે ચાળીસ હાથી હતાપિતાની સાથે પાર્વતીએ પણ હાથીઓ વચ્ચે રહેવાનું શરૂ કર્યું. તેનું બાળપણ મુખ્યત્વે જંગલોમાં જ વીત્યું. એથી વન્ય પશુઓ સાથે પ્રેમમાં પડી. ખાસ કરીને હાથીઓમાં. પ્રકૃતિચંદ્ર પોતાના બહોળા પરિવારને વિશાળ કાફલા સાથે જંગલોમાં લાંબી યાત્રાઓ પર લઈ જતા. હાથીઓની દેખભાળ કરવાનું પાર્વતીને ખૂબ ગમતું. એમ કરતાં કરતાં નાની ઉમરે જ એ હાથીને વશમાં કરતાં શીખી ગઈ.
દરમિયાન, ૧૯૭૦માં રજવાડાઓને મળતા સાલિયાણા બંધ થઈ ગયા. પ્રકૃતિચંદ્રના પરિવારને ફટકો પડ્યો. તેમને કરમુક્ત વ્યબસ્થા અને સાલિયાણાની રકમ પર કોઈ અધિકાર ન રહ્યો. પ્રકૃતિચંદ્ર પાસે પોતાનો મહેલ અને હાથીઓના રહેઠાણ સિવાય પોતાનું કહી શકાય એવું કાંઈ જ બચ્યું નહોતું. એથી પ્રકૃતિચંદ્ર પોતાની નવેય દીકરીઓ અને ચાળીસ હાથી સાથે જંગલમાં ચાલ્યા ગયા.
આ અરસામાં, ચૌદ વર્ષની વયે પાર્વતીએ કોકરાઝાર જિલ્લાના કચુગાંવના જંગલોમાં પહેલો જંગલી હાથી પકડેલો. પ્રકૃતિચંદ્રે પુત્રીની પીઠ થાબડી. ૧૯૭૨ના વર્ષમાં પાર્વતી ભારતની પહેલી મહિલા મહાવત બની ગઈ. પાર્વતીએ બુદ્ધિના બળે હાથીઓને નિયંત્રિત કરવાનું શીખી લીધું અને હાથીઓને બચાવવા માટે જીવન સમર્પિત કરી દીધું. પાર્વતી જંગલમાં હાથીઓ વચ્ચે વસવા માંડી. પાર્વતી પાસે ત્રણ હાથણીઓ છે. લક્ષ્મીમાલા, આલોકા અને કાંચનમાલા. આ હાથણીઓ માટે પાર્વતી ચોખામાંથી હડિયા નામની મીઠાઈ બનાવે છે. હાથણીઓને નવડાવવી, જંગલમાં તેમના પર સવારી કરવી અને તેમને પ્રશિક્ષિત કરવી એ તેની દિનચર્યા બની ગઈ. હાથણીઓ સાથે રહેવા પાર્વતી ખુદ પણ વનમાં વધુ રહેવા લાગી.
પાર્વતી જંગલમાં જાય ત્યારે તંબૂમાં જ રહેતી. દાંત સાફ કરવા દંતમંજનને બદલે રાખનો ઉપયોગ કરતી. તંબૂમાં ખોળ વિનાના ગાદલા પર ઓશીકા વિના ઊંઘતી.પોતાની પથારીની આસપાસ દોરડાં, સાંકળો અને કુકરી જેવી સામગ્રીઓ રાખતી. યુદ્ધસંબંધી ફિલ્મો જોવાનું પસંદ કરતી પાર્વતીને મેખલા ચાદર તરીકે જાણીતી અસમિયા સાડી પહેરવી ગમે છે, પણ મહાવત તરીકેનો એનો પહેરવેશ જુદો છે. ફેડેડ જીન્સ, ચમકતા પિત્તળના બટનવાળું જેકેટ, માથે સોલાર ટોપી અને આંખોને તડકાથી બચાવતા ગોગલ્સ...
હાથીઓ પ્રત્યેના પોતાના આકર્ષણ અંગે પાર્વતી કહે છે : ‘પ્રેમને શબ્દોમાં સમજાવી ન શકાય. કદાચ આ ખેંચાણ એટલા માટે છે કે હાથી અત્યંત વફાદાર, સ્નેહી અને શિસ્તબદ્ધ હોય છે.’ હાથી પ્રત્યેના અપાર સ્નેહને કારણે જ હાથી સહેલાઈથી પાર્વતીને વશ થાય છે. એ અંગે એણે કહેલું, ‘હાથી પર અંકુશ મેળવવા માટે ધૈર્ય, દ્રઢતા અને સમર્પણ જોઈએ. હાથીને જીતવા માટે સતત છ મહિના સુધી ધીમે ધીમે એને ફોસલાવવો પડે છે. એક જ વાક્યમાં કહું તો, હાથીને નિયંત્રિત કરવો એ બળ નહીં, બુદ્ધિનો ખેલ છે..!’