હજામત કરતા પુરુષ વાળંદની નવાઈ નથી, પણ અસ્ત્રો પલાળીને પુરુષોની દાઢી કરતી ને કાતરથી વાળ કાપતી સ્ત્રી વાળંદને જોઈ છે ?
શાંતાબાઈ શ્રીપતિ યાદવને મળો....મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હસુરસાસગિરીની સિત્તેર વર્ષની શાંતાબાઈ ભારતની પ્રથમ મહિલા વાળંદ છે. ચાળીસેક વર્ષ પહેલાં પુરુષોની હજામત કરવાનું શરૂ કરનાર શાંતાબાઈ ‘શાંતાબાઈ નાઈ’ તરીકે જાણીતી. આજે દસ બાળકોની દાદી બની ગયેલી શાંતાબાઈ દાઢી કરવાના ને વાળ કાપવાના પચાસ રૂપિયા લે છે. ભેંસના વાળ કાપવાના સો રૂપિયા લે છે.
શાંતાબાઈની જીવનકથા જોઈએ તો ખબર પડે કે મુશ્કેલીઓમાંથી પાર ઊતરવા એણે અતિશય સંઘર્ષ કર્યો છે. ચાળીસેક વર્ષ પહેલાં શાંતાબાઈ એક પરંપરાગત મહિલાનું જીવન જીવતી. બાર વર્ષની ઉંમરે શાંતાબાઈનાં લગ્ન થઈ ગયેલાં. પિતા નાઈ ને પતિ શ્રીપતિ યાદવ પણ નાઈ. શ્રીપતિ પરિવાર સાથે કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામમાં રહેતો. ચાર ભાઈઓ સાથે મળીને ત્રણ એકર જમીન પર ખેતી કરતો. સાથે જ આવક વધારવા વાળંદ તરીકે પણ કામ કરતો.
શ્રીપતિ બે છેડા ભેગા કરવાની ચિંતાના ચક્રવ્યૂહમાં ફસાયેલો, એ જ સમયે હસુરસાસગિરી ગામના સરપંચ હરિભાઉ કડુકર એની વહારે ધાયા. હસુરસાસગિરીમાં કોઈ વાળંદ નહોતો. શ્રીપતિ અને શાંતાબાઈ નવું જીવન શરૂ કરવા માટે હસુરસાસગિરીમાં વસ્યા. પછીના દસ વર્ષમાં શાંતાબાઈએ છ દીકરીઓને જન્મ આપ્યો. પણ એમાંથી બેનું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું.
શ્રીપતિ નાઈની દુકાનમાંથી સારી કમાણી કરી લેતો. પરંતુ ૧૯૮૪માં, જયારે સૌથી મોટી દીકરી આઠ વર્ષની હતી અને સૌથી નાની દીકરી એક વર્ષની પણ નહોતી ત્યારે શ્રીપતિનું હૃદયરોગને પગલે અવસાન થઈ ગયું.
હવે ઘરપરિવારની જવાબદારી શાંતાબાઈને માથે આવી પડી. ત્રણ મહિના સુધી શાંતાબાઈએ ખેતરોમાં મજૂરી કરી. દૈનિક આઠ કલાક કમરતોડ કામ કર્યું. પણ દિવસના અંતે એને મહેનતાણા પેટે માત્ર પચાસ પૈસા મળતા. ચાર દીકરીઓનું પેટ ભરવા પચાસ પૈસા પૂરતા નહોતા. આ દરમિયાન સરકારે શ્રીપતિની જમીનના ટુકડા બદલ પંદર હજાર રૂપિયા આપ્યા. તેમાંથી શાંતાબાઈએ શ્રીપતિએ લીધેલું કરજ ચૂકવ્યું. જોકે પેટિયું રળવા માટેનો પ્રશ્ન તો અજગરની જેમ મોં ફાડીને ઊભો જ હતો. કાળી મજૂરી કર્યા પછી પણ એ માંડ બે ટંકના ખાણાની જોગવાઈ કરી શકતી. ક્યારેક તો એ પણ ન થતું. ને ભૂખ્યાપેટે સૂવું પડતું. આખરે એ હિંમત હારી. પોતાની ચાર દીકરીઓ સાથે જીવનનો અંત આણી દેવાનો આકરો નિર્ણય લીધો.
ફરી એક વાર હરિભાઉ કડુકર મસીહા બનીને આવ્યા. એમણે એને શ્રીપતિનો નાઈનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મૃત્યુ પછી ગામમાં કોઈ નાઈ નહોતો. એથી શાંતાબાઈ નાઈ બનીને કમાણી કરી શકે એમ હતી. શાંતાબાઈએ થોડો વિચાર કરીને હરિભાઉનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. શાંતાબાઈએ હજામત કરવાનો અસ્ત્રો ઉઠાવી લીધો. ને ભારતની પહેલી મહિલા નાઈ બની ગઈ.
હરિભાઉ શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. જોકે ગામવાસીઓનો સહકાર એને ન મળ્યો. પણ ચાર દીકરીઓને જીવાડવા શાંતાબાઈએ કમર કસી લીધેલી. ગામને મોઢે ગરણું બાંધવાનો પ્રયાસ કરવાને બદલે શાંતાબાઈએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાડોશીઓ પાસે દીકરીઓને મૂકીને એ રોજ ચાર-પાંચ કિલોમીટર પગપાળા ચાલીને આસપાસના ગામોમાં ગ્રાહકોની શોધમાં જવાનું શરૂ કર્યું. અને કેટલાક લોકો શાંતાબાઈના ગ્રાહક બની ગયા. ૧૯૮૪માં શાંતાબાઈ વાળ કાપવા અને દાઢી કરવા માટે એક રૂપિયો લેતી. પછી એણે પાંચ રૂપિયામાં ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓના વાળ કાપવાનું પણ
શરૂ કર્યું.
શાંતાબાઈને સામે પૂર તરવાના સાહસ બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી. એ વખતે એણે કહેલું કે, ‘અસ્ત્રો માત્ર એક સાધન નથી, મારી આઝાદીનું પ્રતીક છે !’