ચંડીદેવીના નામે બનેલું ચંડીગઢ સ્વતંત્ર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્માણ થયેલું નગર છે અને તેની યોજના ફ્રેંચ વાસ્તુવિદ લા કોર્બુઝિયરે તૈયાર કરી હતી એ જાણીતી બાબત છે, પરંતુ આ પરિયોજનામાં સામેલ ઊર્મિલા ચૌધરી ભારતની પ્રથમ મહિલા આર્કિટેક્ટ અર્થાત સ્થપતિ-વાસ્તુકાર હતી એ ભાગ્યે જ કોઈ જાણતું હશે !
ઊર્મિલા ચૌધરીનાં નામ સાથે અન્ય પ્રથમ પણ જોડાયેલાં છે : રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ, લંડન અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક્ટસની પ્રથમ ચૂંટાયેલી મહિલા સભ્ય તથા હરિયાણા સરકારમાં ૧૯૭૦’૭૧ના અરસામાં, ચંડીગઢ સરકારમાં ૧૯૭૧-‘૭૬ના ગાળામાં અને પંજાબ સરકારમાં ૧૯૭૬-’૮૧ દરમિયાન મુખ્ય વાસ્તુકાર.. આ ઊર્મિલા ચૌધરીના ઉલ્લેખ વિના ચંડીગઢના નિર્માણની કહાણી અધૂરી જ ગણાશે.
ફ્રેંચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરની ટીમમાં ઊર્મિલા યૂલી ચૌધરી પણ એક સભ્ય હતી. એણે ચંડીગઢમાં ઉચ્ચ ન્યાયાલય, જિયોમેટ્રિક હિલ, ટાવર ઓફ શેડો અને શહીદ સ્મારક જેવી પ્રતિષ્ઠિત ઈમારતોની ડિઝાઈન બનાવવામાં યોગદાન આપેલું. ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં સાર્વજનિક ભાવનો, મંત્રીઓના આવાસો, રેલવે સ્ટેશનો અને છાત્રાવાસ ભવનોથી માંડીને કોટન મિલો, ફાયર બ્રિગેડ સ્ટેશનો અને ગ્રામીણ હોસ્પિટલો જેવાં કેટલાયે ભવનોની ડિઝાઈન બનાવેલી... જોકે આધુનિક વાસ્તુકલા માટે જાણીતા ચંડીગઢની પરિયોજના સાકાર કરવામાં પાયાનો પથ્થર બનનાર ઊર્મિલા યૂલી ચૌધરી પ્રથમ ભારતીય મહિલા સ્થપતિ હતી, એ દેશ માટે ગૌરવની બાબત છે ! કેટલાંક લોકો ઊર્મિલાને ભારતની જ નહીં, એશિયાની પણ પ્રથમ વાસ્તુકાર માને છે !
આ ઊર્મિલા ચૌધરીનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ૪ ઓક્ટોબર ૧૯૨૩ના થયો. પિતા રાજદ્વારી સેવામાં હતા. ડિપ્લોમેટ હતા. પરિણામે પરિવારે અવારનવાર યાત્રાઓ કરવી પડતી. એને પગલે ઊર્મિલા નાનપણથી વિશ્વનાગરિક અને વિશ્વપ્રવાસી બની ગયેલી. ઊર્મિલા યૂલી તરીકે વધુ જાણીતી હતી. યૂલી નામે જ ઓળખાતી. ૧૯૪૭માં એણે જાપાનના કોબેમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઓસ્ટ્રેલિયાના સિડની વિશ્વવિદ્યાલયમાંથી વાસ્તુકલામાં સ્નાતક થઈ. સાથે સિડનીની કોન્ઝર્વેટરી ઓફ મ્યુઝિક ઓફ જુલિયન એશબોર્ન સ્કૂલ ઓફ આર્ટમાં સંગીત ઉપરાંત પિયાનોવાદનનું પ્રશિક્ષણ મેળવ્યું. પછી અમેરિકા ચાલી ગઈ. ન્યૂજર્સીના એંગલવુડમાં સિરામિક- માટીનાં પાત્ર બનાવવાની કળામાં ડિપ્લોમા મેળવ્યો. અમેરિકામાં કેટલાંક વર્ષો કામ કર્યા બાદ ઊર્મિલા યૂલી, ૧૯૫૧માં નવા નગર એટલે કે ચંડીગઢ પરિયોજના પર કામ કરવા માટે ભારત આવી.
યૂલી લા કોર્બુઝિયરની ટીમમાં સામેલ થઈ ગઈ. પુરુષપ્રધાન ગણાતા વાસ્તુકલાના ક્ષેત્રમાં તમામ અવરોધો પાર કરીને ઊર્મિલા ચંડીગઢ પરિયોજના સાથે જોડાઈ ગઈ. એક ભારતીય મહિલા તરીકે ઊર્મિલા યૂલીની આ એક મોટી સિદ્ધિ હતી! દરમિયાન પંજાબ સરકારના વાસ્તુકાર સલાહકાર જુગલ કિશોર ચૌધરી સાથે યૂલીનાં લગ્ન થયાં.
લગ્ન પછી પણ એ ચંડીગઢ પરિયોજના સાથે જોડાયેલી રહી. ૧૯૫૧થી ૧૯૬૩ સુધી, ચંડીગઢ પરિયોજનાના આરંભથી માંડીને પરિયોજનાના અંત સુધી ઊર્મિલા યૂલી સક્રિયપણે સામેલ રહી. ઊર્મિલા યૂલી ફ્રેંચ ભાષાનું સારું જ્ઞાન ધરાવતી હતી. એથી લા કોર્બુઝિયર સાથે સારા વ્યાવસાયિક સંબંધો બની ગયેલાં. યૂલી લા કોર્બુઝિયર માટે દુભાષિયા તરીકે પણ કામ કરતી. યૂલીએ વડા પ્રધાન નેહરુજી અને લા કોર્બુઝિયર વચ્ચે ચંડીગઢ પરિયોજના અંગે થતા પત્રવ્યવહારની જવાબદારી સંભાળી લીધેલી.
ચંડીગઢ પરિયોજનામાં ઊર્મિલા યૂલીએ પહેલું કામ હાઈકોર્ટની ઈમારતને ઓપ અને આકાર આપવાથી શરૂ કર્યું. આ ઈમારત લા કોર્બુઝિયર દ્વારા ડિઝાઈન કરાયેલી પહેલી ઈમારતોમાંની એક હતી. ઊર્મિલાએ જિયોમેટ્રિક હિલ, ટાવર ઓફ શેડો અને શહીદ સ્મારક જેવી પ્રતિષ્ઠિત ઈમારતોની ડિઝાઈન બનાવવામાં પણ યોગદાન આપ્યું. બહુમાળી સરકારી આવાસ પરિસર, સરકારી શાળા, સેન્ટ જોન્સ સ્કૂલ તથા અમૃતસર અને મોહાલી શહેરના કેન્દ્રની ડિઝાઇન પણ બનાવેલી. યૂલીએ મહિલાઓ માટે પોલિટેકનિકનો મુખ્ય બ્લોક અને હોમ સાયન્સ કોલેજ માટે હોસ્ટેલ બ્લોકને આકાર આપ્યો. મહિલાઓ માટેની સરકારી પોલિટેકનિક કોલેજના બ્લોકને આરંભિક વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે.
યૂલી ચૌધરી ૧૯૮૧માં સેવાનિવૃત્ત થઈ ચૂકેલી. નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં યૂલીએ કટારલેખન કરેલું અને પુસ્તકો પણ લખ્યાં. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૫ના યૂલીનું મૃત્યુ થયું... યૂલી સદેહે આપણી વચ્ચે નથી, પણ ચંડીગઢ પરિયોજના સ્વરૂપે હંમેશાં જીવંત રહેશે !