પ્રથમ મહિલા વિમાનચાલક : સરલા ઠકરાલ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 19th September 2023 10:53 EDT
 
 

સાડી પહેરીને હવાઈજહાજ ઉડાડનાર સાહસિક સ્ત્રીને જાણો છો ?
સરલા ઠકરાલને મળો... લગભગ નવ દાયકા પહેલાં ભારતીય પરંપરાનું સન્માન જાળવીને સાડી પહેરીને અને આંખો પર ચશ્માં ચડાવીને વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલક એ સરલા ઠકરાલ. લાહોરમાં ૧૯૩૬માં સરલાએ જિપ્સી મોથ નામના ટુ સીટર વિમાનનું સોલો ઉડ્ડયન કર્યું એ ધરતીથી માંડીને આસમાન માટે પણ અનોખી ઘટના હતી. એનું કારણ એ હતું કે ત્યાં સુધી હવાઈ ઉડ્ડયનનો ઈજારો માત્ર પુરુષોનો જ હતો. કોઈ સ્ત્રીએ ક્યારેય વિમાન ઉડાડ્યું નહોતું, એટલું જ નહીં, વિમાન ઉડાડવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. એટલે જ વીસમી સદીના ચોથા દાયકામાં સરલા ઠકરાલે એકલા હવાઈ જહાજ હંકાર્યું ત્યારે એ ઘટનાની નોંધ આકાશે પણ લીધી અને પૃથ્વીએ પણ. હવાઈસુંદરી સરલા ઠકરાલે પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલક બનીને વિક્રમ સર્જ્યો.
ઉડ્ડયન ક્ષેત્ર આમ તો પુરુષ પ્રધાન ગણાય, પરંતુ સરલાને ઉડાન માટેની પાંખો આપનાર પુરુષો જ હતા. દિલ્હીના નામી પરિવારમાં ૮ ઓગસ્ટ ૧૯૧૪ના જન્મેલી સરલાનાં લગ્ન સોળ વર્ષની ઉંમરે પી.ડી. શર્મા સાથે થયાં. એ પાયલટ હતા. એમને પ્રથમ ભારતીય એરમેલ પાયલટનું લાયસન્સ મળેલું. માત્ર પી.ડી. શર્મા જ નહીં, સરલાના સાસરામાં નવ સભ્ય હતા અને એ બધા જ પાયલટ હતા. સરલા એમની કામગીરી ઉત્કંઠાથી અને ઉત્સુકતાથી સાંભળતી. પતિએ એની જિજ્ઞાસાને પાંખો આપી. અને કહ્યું : ‘તું પણ વિમાન ઉડાડી શકે !’
સરલા આશ્ચર્યથી જોઈ રહી. એને પહેલી જ વાર એવો અહેસાસ થયો કે ઊડવું એ જ પોતાનું સ્વપ્ન છે ! સસરાએ ૧૯૨૯માં ઉડ્ડયનના પ્રશિક્ષણ માટે જોધપુર ફ્લાઈંગ ક્લબમાં સરલાને દાખલ કરાવી. ફ્લાઈંગ ક્લબમાં આ પહેલાં કોઈ સ્ત્રી પ્રશિક્ષણ માટે આવી નહોતી. ૧૯૨૯માં પરંપરામાં પરિવર્તન આવ્યું. એક સ્ત્રી અને એ પણ સાડી પહેરીને પ્રશિક્ષણ માટે આવી. પ્રશિક્ષણ પૂરું થયા પછી સરલાએ ફ્લાઈંગ ટેસ્ટ પાસ કરી. નિયમ પ્રમાણે સરલાએ વિમાનચાલક બનવા માટેનો પરવાનો એટલે કે લાયસન્સ મેળવવા માટે એક હજાર કલાક હવાઈજહાજ ઉડાડવાનો અનુભવ મેળવવાનો હતો. સરલાએ ઝડપથી એક હજાર કલાકનું ઉડ્ડયન પૂર્ણ કર્યું. એને એરમેલ લાયસન્સ મળી ગયું. એકવીસ વર્ષની ઉંમરે સરલાએ પાયલટ તરીકેનું લાયસન્સ મેળવ્યું. આવું લાયસન્સ મેળવનાર એ પ્રથમ ભારતીય મહિલા હતી.
એ પછી સરલાએ બીજી સિદ્ધિ મેળવી. ૧૯૩૬માં લાહોરમાં જિપ્સી મોથ નામના બે બેઠક ધરાવતા વિમાનમાં સોલો ઉડ્ડયન કર્યું. સાડીનો પાલવ સંકોરીને, આંખે ચશ્માં ચડાવીને એણે વિમાન ઉડાડ્યું ત્યારે એ પરિણીત હોવાની સાથે ચાર વર્ષની દીકરીની માતા પણ હતી. હવે સરલાએ વ્યાવસાયિક વિમાનચાલક તરીકેનો પરવાનો મેળવવાનું વિચાર્યું. આ પરવાનો મેળવવા સરલાએ જોધપુરમાં પ્રશિક્ષણ લેવાનું હતું. પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ! સરલાના પતિ પી.ડી. શર્માનું હવાઈ દુર્ઘટનામાં ઓચિંતું મૃત્યુ થયું.. દુઃખનું ઓસડ દહાડા.પતિની ઈચ્છા પૂરી કરવા વ્યાવસાયિક વિમાનચાલકની તાલીમ લેવાનું શરૂ કર્યું. પણ ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. એથી સરલાએ તાલીમ અધૂરી મૂકીને જોધપુરથી પાછા લાહોર આવવું પડ્યું. છતાં સરલા નાસીપાસ ન થઈ. લાહોરની મેયો સ્કૂલ ઓફ આર્ટસમાં ચિત્રકળા સાથે ફાઈન આર્ટસનો ડિપ્લોમા મેળવ્યો.
દરમિયાન ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૯૪૭માં સરલા પોતાની દીકરી સાથે દિલ્હી આવીને વસી. એક વર્ષ પછી, ૧૯૪૮માં આર.પી. ઠકરાલ સાથે પુનર્લગ્ન કર્યા. લગ્નને પગલે બીજી દીકરી થઈ. સરલાએ કુટિર ઉદ્યોગ શરૂ કર્યો. વસ્ત્રો અને આભૂષણોની ડિઝાઈન બનાવવા લાગી. એના ગ્રાહકોમાં વિજયલક્ષ્મી પંડિત પણ હતાં ! પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલકથી માંડીને વસ્ત્રો અને આભૂષણોની ડિઝાઈન બનાવવા સુધીની સરલા ઠકરાલની સફર એક જ સંદેશ આપે છે : જીવનમાં જે ઉતારચડાવ આવે છે એને સહજતાથી સ્વીકારો. તમે આયોજન કરો, પણ એ પાર ન પડે તો નિરાશ કે નાસીપાસ ન થાવ. ચારેકોર અંધારું હોય ત્યારે નાનકડું છિદ્ર પ્રકાશનું કિરણ રેલાવે જ છે. ઉપરાંત તમારું ધાર્યું થાય તો સારું, પણ ધાર્યું ન થાય તો વધુ સારું. કારણ પછી જે થાય છે એ ઈશ્વરનું ધાર્યું હોય છે... ધાર્યું આપણું ધૂળ છે, ધાર્યું ધણીનું થાય...!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter