પ્રથમ મહિલા સરોદ વાદક : શરણ રાની

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 28th May 2024 09:40 EDT
 
 

સંગીતનો પ્રચાર કરવા સંપૂર્ણ ભૂમંડળમાં ઘૂમેલી એ પ્રથમ મહિલા હતી, એણે સરોદ જેવા મર્દાના સાજને સંપૂર્ણ ઊંચાઈ આપેલી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિદ્વાન અને પ્રખ્યાત સરોદ વાદક હતી એ, સરોદવાદનને કારણે એને વિભિન્ન પ્રકારના સન્માન મળેલાં અને ડોકટરેટની પદવીઓથી નવાજવામાં આવેલી, પંદરમી શતાબ્દી પછી બનેલા વાદ્યયંત્રો સંગ્રહિત કરનાર પ્રથમ મહિલા એ જ હતી, એ પ્રથમ હતી જેણે યુનેસ્કો માટે રેકોર્ડિંગ કરેલું... ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એને ‘સાંસ્કૃતિક રાજદૂત’નું બિરુદ આપેલું અને પંડિત ઓમકારનાથ ઠાકુરે એને ‘સરોદ રાણી’નો ખિતાબ આપેલો... કહો જોઉં, એ કોણ છે ?
શરણ રાની બૈકલીવાલ. ભારતની પ્રથમ મહિલા સરોદવાદક... સરોદ વાદનને પગલે શરણ રાનીને વિવિધ સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવેલી. ૧૯૬૮માં પદ્મશ્રી, ૧૯૭૪માં સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર, ૧૯૮૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પદ્મભૂષણ, એ જ વર્ષે, ૨૦૦૦માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર, ૨૦૦૪માં મહારાણા મેવાડ ફાઉન્ડેશન પુરસ્કાર, એ જ વર્ષે ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કલાકારનું બિરુદ...
પુરાણી દિલ્હીના રૂઢિચુસ્ત હિંદુ પરિવારમાં ૯ એપ્રિલ ૧૯૨૯ના જન્મ. નામ શરણ રાની માથુર. બાળપણથી સંગીત પ્રત્યે અનોખું આકર્ષણ હતું. શરણે સંગીત સાધના જાળવી રાખી. દરમિયાન, અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નાભાકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. સાત વર્ષની ઉંમરે રજૂ કરેલા કાર્યક્રમ દ્વારા સારી ખ્યાતિ મેળવી. પછી કંઠ્ય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે તો નાટક, રેડિયો-નાટક વગેરેમાં ભાગ લીધો.
દરમિયાન, મોટા ભાઈ રાજેન્દ્ર નારાયણે શરણ રાનીને તંતુ વાદ્ય સરોદ ભેટમાં આપ્યું.. સિતાર જેવું સુમધુર તંતુવાદ્ય તે સરોદ. સરોદ શીખવાની ઈચ્છા જાગી. સરોદવાદનનું શિક્ષણ અને તાલીમ તેણે મેહર સેનિયા ઘરાણાના મહાન સંગીતજ્ઞ પદ્મવિભૂષણ ઉસ્તાદ અલાઉદ્દીન ખાન અને તેમના પુત્ર વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબરખાન પાસેથી લીધી. વિષ્ણુ દિગંબર સંગીત વિશ્વવિદ્યાલયમાંથી ‘સંગીત વિશારદ’ની પરીક્ષા પાસ કરી. દિલ્હી યુનિવર્સિટીની ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનમાંથી હિંદી અને અંગ્રેજી બન્ને વિષય સાથે એમ.એ. ની ડિગ્રી મેળવી.
કોલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુ દિગંબર પારિતોષિક સ્પર્ધામાં ૧૯૫૨માં પ્રથમ પુરસ્કાર પેટે ૧૧૦૦ રૂપિયા રોકડા અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યાં. પ્રથમ ‘અખિલ ભારતીય યુવક સમારોહ’માં દિલ્હી વિશ્વ વિદ્યાલયનું પ્રતિનિધિત્વ કર્યું. વાદ્ય સંગીતનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. દરમિયાન, ૧૯૬૦માં દિલ્હીના દિગંબર જૈન વ્યાપારી કુટુંબના કલાપ્રેમી, વિદ્વાન અને સમાજસેવક સુલ્તાનસિંહ બૈકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. લગ્ન પછી પણ સંગીત સફર સડસડાટ આગળ વધી. શરણ રાની યુનેસ્કો માટે સંગીત રેકોર્ડ કરનારી પહેલી સરોદ વાદક હતી.
શરણ રાની આકાશવાણીની ‘એ’ શ્રેણીની કલાકાર રહી. ૧૯૬૦માં સાંસ્કૃતિક શિષ્ટ મંડળના સભ્ય તરીકે નેપાળ અને પછી મોંગોલિયા અને સોવિયેત રશિયાનો પ્રવાસ કર્યો. ૧૯૬૧માં અમેરિકા. ઓસ્ટ્રેલિયા, ફિજી દ્વીપ, ફ્રાન્સ, બ્રિટન અને સ્વિત્ઝરલેન્ડનો વ્યાપક પ્રવાસ ખેડી સરોદવાદનના અડતાળીસ જેટલા કાર્યક્રમો કર્યા. તેણે પહેલી વાર ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રયાસ કર્યો. સંગીતને સમર્પિત શરણ રાનીએ સરોદ વાદન અને સંગીત કળા ઉપર ‘ડિવાઈન સરોદ’ નામના પુસ્તકની ૧૯૯૨માં રચના કરી. ૧૯૬૮માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નું સન્માન મેળવનાર તે પ્રથમ મહિલા વાદ્યકાર બની.
શરણ રાનીને કો’કે એક વાર કહેલું કે, સ્ત્રીઓએ સરોદ નહીં, પણ સિતાર વગાડવી જોઈએ.’ શરણે પ્રત્યુત્તરમાં કહેલું કે, ‘તમે એકને પ્રેમ કરો ને બીજા સાથે લગ્ન કરો, એવું કેવી રીતે બને ?’ આવી હાજરજવાબી શરણ રાનીએ ૮ એપ્રિલ ૨૦૦૮ના જીવનલીલા સંકેલી લીધી. એ વખતે પૃથ્વીરાજ કપૂરે શરણ રાનીના સંગીતને અંજલિ આપતાં કહેલા શબ્દોનું સ્મરણ થવું સ્વાભાવિક હતું : ‘શરણ રાનીનું વાદન સાંભળીને મને એવું લાગ્યું જાણે મા સરસ્વતીએ પોતાની વીણા છોડીને સરોદને પોતાના ખોળામાં બેસાડી દીધી છે !’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter