જૌહરો મેં લલનાએ કુછ કમ નહીં
વક્ત આને પર ‘લક્ષ્મી’ ભી બન જાતી હૈ
ઐસા પ્યારા રતન, મેરા ભારત મહાન...
આ પંક્તિઓ કોણે રચેલી એનો ઉત્તર કદાચ કોઈ નહીં જાણતું હોય, પણ ગાંધીજી આ કોકિલકંઠી રચનાકારને ‘ભારતનું બુલબુલ’ કહીને સંબોધતાં એવો સંકેત આપવામાં આવે તો કોઈ પણ કવયિત્રીનું નામ કહી દેશે: સરોજિની નાયડુ... અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્ય સૈનિક. સરોજિનીએ સવિનય કાનૂનભંગ અને ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ બનનારાં પ્રથમ ભારતીય મહિલા સરોજિની જ હતાં. મહિલા મતાધિકાર આંદોલનનાં સૂત્રધાર પણ સરોજિની જ. ભારતના કોઈ પણ રાજ્યનાં રાજ્યપાલ બનનારાં પ્રથમ ભારતીય મહિલા પણ સરોજિની જ. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ તરીકેની જવાબદારી એમને સોંપાયેલી.
સરોજિનીનો જન્મ હૈદરાબાદમાં ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના બંગાળી પરિવારમાં. માતા વરદસુંદરી દેવી. પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય. પિતા વૈજ્ઞાનિક હતાઅને શિક્ષક પણ. એમણે હૈદરાબાદ નિઝામ કોલેજની સ્થાપના કરાવેલી. વરદસુંદરી દેવી વિદુષી કવયિત્રી હતાં. બંગાળી ભાષામાં કવિતા લખતાં.માતાનો વારસો સરોજિનીમાં સાંગોપાંગ ઊતર્યો. નાનપણમાં જ બંગાળી, ઉર્દૂ, તેલુગુ, અંગ્રેજી સહિતની ભાષાઓ પર પ્રભુત્વ મેળવેલું. બાર વર્ષની ઉંમરે મેટ્રિકમાં ઉત્તીર્ણ થયેલાં. મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં સર્વોચ્ચ સ્થાન મેળવેલું.
ભણતી વખતે ગણિતનો દાખલો ગણતાં ગણતાં સરોજિનીએ તેરસો પંક્તિનું કાવ્ય રચેલું. શીર્ષક હતું: ‘લેડી ઓફ ધ લેઈક’ કે ‘ઝીલ કી રાની’-ઝરણાંની રાણી! અઘોરનાથે. કૃતિની નકલ કરાવીને એમણે ઠેકઠેકાણે વહેંચી. હૈદરાબાદના નિઝામને પણ એમણે સરોજિનીનું સાહિત્ય બતાડ્યું.પ્રભાવિત થયેલા નિઝામે સરોજિનીને શિષ્યવૃત્તિ આપીને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યાં.
સોળ વર્ષની ઉંમરે સરોજિની ઇંગ્લેન્ડની કિંગ્સ કોલેજમાં દાખલ થયાં. પછી કેમ્બ્રિજ વિશ્વિદ્યાલયમાં પણ અભ્યાસ કર્યો. આ અરસામાં સરોજિનીની મુલાકાત તબીબી શિક્ષણ લઇ રહેલા ગોવિંદ રાજુલૂ નાયડુ સાથે થઇ. ૧૮૯૮માં ઓગણીસ વર્ષની ઉંમરે સરોજિની ગોવિંદ રાજુ સાથે વિવાહબંધનમાં બંધાઈ ગયાં. સરોજિનીનું સાહિત્ય દલદલ ખૂલ્યું ને ખીલ્યું. કાવ્યોનો ધોધ વહેવા લાગ્યો. ૧૯૦૫માં સરોજિનીનું કાવ્ય બુલબુલે હિન્દ પ્રકાશિત થયું. ‘ગોલ્ડન થ્રેસહોલ્ડ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. એ રાતોરાત જાણીતાં થઇ ગયાં. સરોજિનીનાં પ્રશંસકોમાં જવાહરલાલ નેહરુ અને રવીન્દ્રનાથ ટાગોર જેવી હસ્તીઓનો પણ સમાવેશ થતો હતો.
એમાં ગોપાલ કૃષ્ણ ગોખલેનો ઉમેરો થયો. એક દિવસ સરોજિની ગોપાલ કૃષ્ણને મળ્યાં. એમણે એવું સૂચન કર્યું કે સરોજિનીએ ક્રાંતિકારી કાવ્યો રચીને ગામડાંનાં લોકોને આઝાદી આંદોલનમાં જોડવા જોઈએ. સરોજિનીએ‘આઝાદી જ લક્ષ્ય અને આઝાદી જ મંઝિલ’ એવા વિષય સાથે એમણે કાવ્ય રચ્યું.
ગોપાલ કૃષ્ણ ગોખલેની મુલાકાતથી સરોજિનાના જીવનને નવો વળાંક મળ્યો, જયારે મહાત્મા ગાંધીજીના વિચારોએ સરોજિની પર જુદો જ પ્રભાવ પાડ્યો. ૧૯૧૬માં લખનઉમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિનીએ ભાગ લીધો. દેશનું ભ્રમણ કર્યું. મહિલાઓને આઝાદી આંદોલનનો હિસ્સો બનવા પ્રોત્સાહિત કરી. ૧૯૨૫માં કાનપુરમાં મળેલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની અધ્યક્ષા બન્યાં.
ત્રણ વર્ષ બાદ, ૧૯૨૮માં સરોજિની અમેરિકા ગયાં. એ પછી ૧૯૩૦માં નમક સત્યાગ્રહ થયો. ગાંધીજીની ધરપકડ થઇ ત્યારે સરોજિનીએ સત્યાગ્રહના સૂત્રધાર તરીકેની જવાબદારી સંભાળી લીધી. એ પછી અંતિમ લડત તરીકે જાણીતી ૧૯૪૨ની હિન્દ છોડો ચળવળમાં સરોજિની જોડાયાં. ‘કરો યા મરો’નું સૂત્ર ગજાવ્યું. ગાંધીજીની સાથે સરોજિનીની પણ ધરપકડ થઇ.
એકવીસ મહિનાનો જેલવાસ તેમણે વેઠ્યો. આઝાદી પછી સરોજિનીને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં. ૨ માર્ચ ૧૯૪૯ના પોતાની કચેરીમાં કામ કરતાં સરોજિનીને હૃદયરોગનો હુમલો આવ્યો. અને દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. સરોજિની નાયડુએ વિદાય લીધી, પણ એમનાં કાવ્યો થકી અને આઝાદી આંદોલનમાં કરેલાં પ્રદાનથી અમર થઇ ગયાં છે !