બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર ઢેખાળા, ટામેટાં અને ગાયનું છાણ ફેંકવામાં આવે.... આ દ્રશ્યનો સમયગાળો કયો હોઈ શકે ?
જવાબ છે : ઓગણીસમી સદી.... લગભગ બસ્સો વર્ષ પહેલાંનું દ્રશ્ય છે. એ સમયમાં કન્યાશિક્ષણ પર પ્રતિબંધ હતો. કન્યાએ સાસરે જઈને ઘર સંભાળવાની જ પ્રથા હતી. એ જ એની નિયતિ હતી. આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં પણ એ કન્યાએ ક્રાંતિ કરી. પોતે ભણી અને એટલેથી ન અટકતાં શિક્ષિકા બનીને બાળકોને ભણાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. સાથે જ સ્ત્રીશિક્ષણનો પાયો પણ નાખ્યો !
એનું નામ સાવિત્રીબાઈ ફુલે... મહાત્મા જોતીબા ફુલેની પત્ની. પરંતુ જોતીબાની પત્ની હોવાની સાથે જ, પતિના સાથસહકારથી એ પ્રથમ શિક્ષિકા પણ બની, પ્રથમ આચાર્યા પણ બની !
સાવિત્રીબાઈ માટે શિક્ષિકા બનવાનાં ચઢાણ સીધાં નહોતાં. કહેવાય છે કે સારા કામમાં સો વિઘ્ન. સમાજે ભણાવવા જતી સાવિત્રીબાઈને ગાળાગાળી કરી. એના પર પથ્થર, ટામેટાં ને છાણનો મારો ચલાવ્યો. પણ સમાજનો પ્રયાસ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવો થયો.
સાવિત્રીબાઈ શિક્ષિકા તરીકે સફળ થઇ, પણ શિક્ષિકા થવાની સીડી ચડવા માટે ભણવું એ પ્રથમ પગથિયું હતું. સાવિત્રીબાઈને શિક્ષણના પહેલે પગથિયે પગ મૂકવા માટેની પ્રેરણા આપનાર બીજું કોઈ નહીં, પણ જોતીબા હતા. પોતાના પિયરમાં સાવિત્રીબાઈને ભણવાની તક સાંપડી નહોતી. માતા લક્ષ્મી અને પિતા ખંડોજી પાટિલનાં પહેલા સંતાન તરીકે ૧૮૩૧માં નાયગાંવમાં જન્મેલી સાવિત્રીનો ઉછેર તો લાડકોડથી કરાયો. પણ તત્કાલીન સામાજિક રૂઢિઓને કારણે એને માટે ભણવાનું શક્ય નહોતું. નવ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈનાં લગ્ન તેર વર્ષના જોતીબા સાથે થયા. એ સાથે જ વિદ્યાદેવી સરસ્વતીએ સાવિત્રીબાઈ પર આશીર્વાદ વરસાવ્યા.
સવારથી બપોર સુધી સાવિત્રીબાઈ ખેતરમાં ખેતીકામ કરતી. પછી એ જ ખેતર શાળા બની જતું. આમ્રવૃક્ષ હેઠળ ભાષા, ગણિત અને સામાન્ય જ્ઞાનનું શિક્ષણ સાવિત્રીબાઈને અપાતું. અક્ષરજ્ઞાનનો આરંભ થયો. ખેતરની માટીની શાહી બનાવી. વૃક્ષની ડાળીની કલમ. રોજબરોજના બનાવોના આધારે વાક્યરચનાઓ થવા લાગી. જોતીબા ગુરુ અને સાવિત્રી શિષ્યા !
ગુરુથી શિષ્યા સવાયી પુરવાર થઇ. સાવિત્રીબાઈએ ધગશથી અભ્યાસ પૂરો કર્યો. સાવિત્રીબાઈએ શિક્ષણનું પ્રશિક્ષણ આપતી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. અહમદનગર સ્થિત અમેરિકી મિશનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં અને ત્યાર પછી શ્રીમતી મિશેલ દ્વારા સંચાલિત પુણેની નોર્મલ શાળામાં પ્રવેશ મેળવ્યો. શિક્ષણ અને પ્રશિક્ષણ પૂરું થયા પછી સાવિત્રીબાઈ ભારતની પ્રથમ શિક્ષિકા બની.
ફુલેદંપત્તીએ પુણેમાં શિક્ષણની ધૂણી ધખાવી. વંચિતો, અતિવંચિતો અને સ્ત્રીઓ માટે શિક્ષણનો પાયો નાખ્યો.. ૧ જાન્યુઆરી ૧૮૪૮ના પુણે સ્થિત તાત્યાસાહબ ભીડેની હવેલીમાં પ્રથમ કન્યાશાળા ખોલી. આ કન્યાશાળાની પ્રથમ અધ્યાપિકા તરીકે સાવિત્રીબાઈની વરણી કરાઈ.
સાવિત્રીબાઈએ શિક્ષણકાર્ય કરવાની સાથે સામાજિક ક્ષેત્રે પણ કામ કર્યું. ૨૮ જાન્યુઆરી ૧૮૫૩ના બાળહત્યા પ્રતિબંધક ગૃહ બનાવ્યું. શોષિત વિધવા બ્રાહ્મણીઓને આશરો આપ્યો. ફુલેદંપત્તીએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. સમાજના માધ્યમથી સતીપ્રથા અને વિધવા મૂંડનનો વિરોધ કર્યો. જોતીબાનું મૃત્યુ થયું ત્યારે દત્તક પુત્ર યશવંતની સાથે સાવિત્રીબાઈએ પણ અંતિમક્રિયા કરી. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી જ વાર એક સ્ત્રીએ, સાવિત્રીબાઈએ અગ્નિદાહ આપીને ક્રાંતિકારી પગલું ભર્યું. ૧૦ માર્ચ ૧૮૯૭ના સાવિત્રીબાઈએ અંતિમ શ્વાસ લીધા.
સાવિત્રીબાઈની વિદાયને સવાસો કરતાં વધુ વર્ષ થઇ ગયા છે, પણ શિક્ષણક્ષેત્રે એણે કરેલું યોગદાન ચિરંજીવ થઇ ગયું છે !